દીકરી એશા દેઓલના જન્મદિવસે હેમા માલિનીએ વરસાવ્યો પ્રેમ.
સોમવારે એશા દેઓલની ૪૫મી વર્ષગાંઠ હતી. એશાની મમ્મી હેમા માલિનીએ સોશ્યલ મીડિયા પર બે તસવીરો શૅર કરી છે.
સોમવારે એશા દેઓલની ૪૫મી વર્ષગાંઠ હતી. એશાની મમ્મી હેમા માલિનીએ સોશ્યલ મીડિયા પર બે તસવીરો શૅર કરીને તેને શુભેચ્છા પાઠવી છે. આ પોસ્ટમાં હેમાએ એશાને પોતાની સૌથી મોટી સપોર્ટ-સિસ્ટમ ગણાવી છે અને દીકરી પર પ્રેમ વરસાવતાં કહ્યું છે કે તે હંમેશાં તેની સાથે રહેશે.
હેમા માલિનીએ શૅર કરેલી પહેલી તસવીરમાં એશા એકલી જોવા મળે છે જ્યારે બીજી તસવીરમાં તે તેની મમ્મી હેમા સાથે જોવા મળે છે. આ તસવીરો શૅર કરતાં હેમાએ કૅપ્શનમાં કહ્યું હતું કે ‘આજે મારી વહાલી એશાનો જન્મદિવસ છે. તે મારી સંપૂર્ણ સપોર્ટ-સિસ્ટમ છે. એશા અને આહના મારી તાકાતનો આધાર છે. તેઓ જે પણ કરે એમાં સફળતા મેળવે એવી મારી પ્રાર્થના છે. હું પ્રાર્થના કરું છું કે તેમનું જીવન લાંબું અને સ્વસ્થ રહે. મારા ખોળામાં રમતી એક નાનકડી વહાલી બાળકીથી લઈને એક સમજદાર યુવતી બનવા સુધીની તેની સફર રહી છે. તેણે પોતાની સમજદારીથી પોતાનું જીવન અને પોતાનાં બાળકોને ખૂબ સારી રીતે સંભાળ્યાં છે. જે રીતે તેનો વિકાસ થયો છે અને તે વધુ નિખરીને સામે આવી છે એના માટે હું તેની પ્રશંસા કરું છું. હું હંમેશાં તેની સાથે રહીશ અને તેને સંપૂર્ણ સાથ આપીશ. ભગવાન તેને આશીર્વાદ આપે અને તેનાં તમામ સપનાં તથા લક્ષ્યો પૂર્ણ થાય.’
