Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રામાયણની પાઇરસી અટકાવવા બૉમ્બે હાઈ કોર્ટે આપ્યો વચગાળાનો પ્રતિબંધક આદેશ

રામાયણની પાઇરસી અટકાવવા બૉમ્બે હાઈ કોર્ટે આપ્યો વચગાળાનો પ્રતિબંધક આદેશ

Published : 04 November, 2026 01:26 PM | Modified : 04 November, 2026 02:28 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રણબીર પહેલાં ફિલ્મના નિર્માતા નમિત મલ્હોત્રા પણ ‘રામાયણ’ના ત્રીજા ભાગ વિશે વાત કરી ચૂક્યા છે. તેમણે સંકેત આપ્યો હતો કે જો ફિલ્મનો પહેલો ભાગ દર્શકોમાં શાનદાર પ્રદર્શન કરે તો વાર્તાને આગળ વધારવાના વિકલ્પ પર વિચાર કરી શકાય છે.

રણબીર કપૂરની ‘રામાયણ’ પાંચમી નવેમ્બરે થિયેટરમાં રિલીઝ થવાની છે.

રણબીર કપૂરની ‘રામાયણ’ પાંચમી નવેમ્બરે થિયેટરમાં રિલીઝ થવાની છે.


રણબીર કપૂરની ‘રામાયણ’ પાંચમી નવેમ્બરે થિયેટરમાં રિલીઝ થવાની છે. જોકે રિલીઝ પહેલાં જ ફિલ્મને પાઇરસીથી બચાવવા માટે નિર્માતાઓએ બૉમ્બે હાઈ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને ગઈ કાલે હાઈ કોર્ટ તરફથી ‘રામાયણ’ના નિર્માતાઓને મોટી રાહત મળી છે.

બૉમ્બે હાઈ કોર્ટે ‘રામાયણ’ને કૉપીરાઇટના ઉલ્લંઘનથી બચાવવા માટે વચગાળાનો પ્રતિબંધક આદેશ આપ્યો છે. આ આદેશ હેઠળ ‘જૉન ડો’ એટલે કે જેમની ઓળખ જાણીતી નથી એવા અજાણ્યા લોકો અને ડિજિટલ પ્લૅટફૉર્મ્સને ફિલ્મની વિશ્વવ્યાપી થિયેટર રિલીઝ પહેલાં એને ગેરકાયદે રીતે રેકોર્ડિંગ કરવા, હોસ્ટ કરવા, સ્ટ્રીમ કરવા કે વિતરણ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આના કારણે જેમની ઓળખ ન થઈ હોય એવા કૉપીરાઇટનું ઉલ્લંઘન કરનારા લોકો સામે પણ કાર્યવાહી કરી શકાશે. આ ઉપરાંત ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ અને સોશ્યલ મીડિયા મધ્યસ્થીઓને પણ સૂચના આપવામાં આવી છે કે લેખિત જાણકારી મળ્યા બાદ તેમણે કૉપીરાઇટનું ઉલ્લંઘન કરતી લિન્ક્સ અને મિરર વેબસાઇટ્સને બ્લૉક કરવી પડશે અથવા હટાવવી પડશે.



મળતી માહિતી પ્રમાણે આ વચગાળાનો આદેશ જસ્ટિસ માધવ જામદારે ‘ગૉડપાવર મીડિયા પ્રાઇવેટ લિમિટેડ’ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં આપ્યો છે. આ કંપની પાસે ફિલ્મના કૉપીરાઇટ અને એના વ્યાવસાયિક ઉપયોગના રાઇટ્સ છે. કંપનીએ સ્થાનિક અને પ્રાદેશિક ઇન્ટલેક્ચ્યુઅલ પ્રૉપર્ટી રાઇટ્સ હેઠળ આ રાઇટ્સ મેળવ્યા છે અને કેસમાં ફિલ્મની સ્ક્રિપ્ટ, પાત્રો, ફુટેજ, ગીતોના શબ્દો અને રેકૉર્ડિંગની સુરક્ષાની માગણી કરવામાં આવી હતી.


રામાયણનો ત્રીજો ભાગ પણ બનશે?

રણબીર કપૂરને ભગવાન રામ તરીકે દર્શાવતી ડિરેક્ટર નિતેશ તિવારીની ‘રામાયણ’ આવતી કાલે રિલીઝ થવા માટે તૈયાર છે. અત્યાર સુધી માહિતી હતી કે આ ફિલ્મ બે ભાગમાં બનવાની છે, પણ હાલમાં રણબીરે કરેલી એક કમેન્ટ પછી ચર્ચા ચાલી છે કે કદાચ આ ફિલ્મનો ત્રીજો ભાગ બનાવવાનું પ્લાનિંગ પણ ચાલી રહ્યું છે. 


હાલમાં રણબીરે એક વાતચીત દરમ્યાન કહ્યું હતું કે તે ‘રામાયણ’ના બીજા ભાગનું લગભગ ૫૦ ટકા શૂટિંગ પૂરું કરી ચૂક્યો છે. આ જ વાતચીત દરમ્યાન તેનાથી કહેવાઈ ગયું હતું ‘જો ફિલ્મનો ત્રીજો ભાગ બને તો...’ અને તેના આ જ શબ્દોએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. સોશ્યલ મીડિયા પર લોકો કમેન્ટ કરી રહ્યા છે કે રણબીરનો આ ઉલ્લેખ ફિલ્મનો ત્રીજો ભાગ બનવાની શક્યતા તરફ ઇશારો કરે છે. જોકે ત્રીજા ભાગ વિશે નિર્માતાઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

રણબીર પહેલાં ફિલ્મના નિર્માતા નમિત મલ્હોત્રા પણ ‘રામાયણ’ના ત્રીજા ભાગ વિશે વાત કરી ચૂક્યા છે. તેમણે સંકેત આપ્યો હતો કે જો ફિલ્મનો પહેલો ભાગ દર્શકોમાં શાનદાર પ્રદર્શન કરે તો વાર્તાને આગળ વધારવાના વિકલ્પ પર વિચાર કરી શકાય છે.

 

Whatsapp-channel Whatsapp-channel

04 November, 2026 02:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK