તંદુરસ્ત કિડની નિષ્ક્રિય વિટામિન Dને સક્રિય સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે, જે આંતરડાંમાંથી કૅલ્શિયમ શોષવામાં મદદ કરે છે. કિડની જ્યારે ક્ષતિગ્રસ્ત થાય છે ત્યારે આ પ્રક્રિયા અટકી જાય છે અને શરીરમાં સક્રિય વિટામિન Dની ઊણપ સર્જાય છે.
પ્રતીકાત્મક તસવીર
હાડકાંના દુખાવા અને કિડનીની બીમારી વચ્ચે એક ગાઢ અને વૈજ્ઞાનિક સંબંધ રહેલો છે. સામાન્ય રીતે જ્યારે સાંધા કે હાડકાં દુખે ત્યારે આપણું ધ્યાન માત્ર કૅલ્શિયમ કે વિટામિનની ઊણપ તરફ જાય છે, પરંતુ જો આ દુખાવો લાંબો સમય ચાલે અને કિડની બરાબર કામ ન કરતી હોય તો એની સીધી અસર હાડકાં પર પડે છે. ન્યુટ્રિશન અને મેડિકલ સાયન્સના આધારે આ બન્ને વચ્ચેનો સેતુ સમજવો ખૂબ જ જરૂરી છે.
કિડની જ્યારે નબળી પડે છે અથવા ક્રોનિક કિડની ડિસીઝની સમસ્યા ઉદ્ભવે છે ત્યારે શરીરની અંદરનાં કેમિકલ્સ અને હૉર્મોનનું સંતુલન બગડી જાય છે. કિડનીનું મુખ્ય કામ શરીરમાંથી ઝેરી તત્ત્વો બહાર કાઢવાની સાથે વિટામિન Dને સક્રિય કરવાનું પણ છે. તંદુરસ્ત કિડની નિષ્ક્રિય વિટામિન Dને સક્રિય સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે, જે આંતરડાંમાંથી કૅલ્શિયમ શોષવામાં મદદ કરે છે. કિડની જ્યારે ક્ષતિગ્રસ્ત થાય છે ત્યારે આ પ્રક્રિયા અટકી જાય છે અને શરીરમાં સક્રિય વિટામિન Dની ઊણપ સર્જાય છે.
ADVERTISEMENT
આ પ્રક્રિયા સાથે જોડાયેલું બીજું મોટું પરિબળ ફૉસ્ફરસનું અસંતુલન છે. કિડની લોહીમાંથી વધારાનું ફૉસ્ફરસ ફિલ્ટર કરીને બહાર કાઢી શકતી નથી, જેના કારણે લોહીમાં ફૉસ્ફરસનું પ્રમાણ વધવા લાગે છે. લોહીમાં કૅલ્શિયમ અને ફૉસ્ફરસનું સંતુલન જાળવવા માટે પૅરાથાઇરૉઇડ ગ્રંથિ વધુ પડતું હૉર્મોન ઉત્પન્ન કરે છે. આ હૉર્મોનનું પ્રમાણ વધવાથી હાડકાંમાં સંગ્રહિત કૅલ્શિયમ લોહીમાં ભળવા લાગે છે જેને કારણે હાડકાં અંદરથી પોલાં, નબળાં અને દર્દનાક બની જાય છે.
આ તમામ જટિલતાઓને કારણે હાડકાંમાં દુખાવો, નબળાઈ અને ફ્રૅક્ચર થવાનું જોખમ અનેકગણું વધી જાય છે. કિડનીની બીમારીને કારણે શરીરમાં લોહીની ઊણપ પણ થાય છે, જેનાથી સ્નાયુઓ અને હાડકાંમાં સતત થાક અને કળતર અનુભવાય છે. જો સમયસર કિડનીનું ચેક-અપ ન કરાવવામાં આવે તો હાડકાંની આ બીમારી ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.
ક્રોનિક કિડની ડિસીઝનાં કોઈ ખાસ લક્ષણો એના પ્રાથમિક સ્ટેજમાં સામે આવતાં નથી. ઊલટું જ્યારે અતિ થઈ જાય છે ત્યારે અમુક લક્ષણો દેખાય છે. ખૂબ થાક લાગવો, અશક્તિ લાગવી, પગ પર સોજા આવવા, વારંવાર યુરિન પાસ થવું, થોડુંક ચાલવાથી એકદમ શ્વાસ ટૂંકા પડવા લાગે કે બ્રેથલેસ ફીલ થાય, ભૂખ મરી જાય જેને કારણે ઘણું વજન ઘટી જાય, હાડકાં અને સ્નાયુઓમાં ખૂબ દુખાવો થાય વગેરે લક્ષણો ક્રોનિક કિડની ડિસીઝમાં દેખાઈ શકે છે. વળી આ એક સાઇકલ છે. કિડની ડિસીઝને કારણે હાડકાં કે સ્નાયુઓમાં દુખાવો થાય અને એને કારણે વ્યક્તિ પેઇનકિલર લે અને કિડની વધુ ડૅમેજ કરે. આમ લક્ષણો દ્વારા રોગને ઓળખવો ખૂબ જરૂરી છે. એટલે રેગ્યુલર ચેક-અપ જ એનો ઉપાય છે. તમારાં લક્ષણો કહે છે કે તમને કિડની ડિસીઝ હોઈ શકે છે એટલે ગફલતમાં ન રહો. ટેસ્ટ કરાવો અને સાચા નિદાન પછી એનો ઇલાજ પણ શરૂ કરો.
