‘ગલી બૉય’થી ફેમસ ગુજરાતી રૅપર MC તોડફોડ ઉર્ફે ધર્મેશ પરમારની અણધારી એક્ઝિટથી શૉક
રૅપર ધર્મેશ પરમાર ઉર્ફે ‘MC Todfod’
રણવીર સિંહ અને આલિયા ભટ્ટને ચમકાવતી ફિલ્મ ‘ગલી બૉય’ના એક યુવાન સંગીતકાર અને રૅપર ધર્મેશ પરમાર ઉર્ફે ‘MC Todfod’નું કાર-ઍક્સિડન્ટમાં ૨૪ વર્ષની વયે નિધન થયું હતું. ‘ગલી બૉય’નું તેનું બનાવેલું ગીત ઇન્ડિયા ૯૧ યુવાનોમાં ભારે હિટ થયું હતું. તેના નિધનના સમાચાર મળતાં તેના ચાહકોમાં ઉદાસી છવાઈ ગઈ હતી. ગુજરાતી રૅપર તરીકે પણ તે બહુ ફેમસ હતો. કાર-ઍક્સિડન્ટમાં તેનું નિધન થયું હતું. દાદર નાયગાંવની બીડીડી ચાલમાં રહેતો ધર્મેશ તેના રૅપ સૉન્ગ્સ માટે યુવાનોમાં બહુ જાણીતો હતો. રૅપર રાજીવ દીક્ષિતને પોતાનો આદર્શ માનતા ધર્મેશ રાજીવ દીક્ષિતના કહેવાથી જ ‘સ્વદેશી બૅન્ડ’ સાથે જોડાયો હતો. છેલ્લે તેણે મહારાષ્ટ્રની સંધાન વૅલીમાં યોજાયેલા એક મ્યુઝિક ફેસ્ટિવલમાં ૧૯ માર્ચે પર્ફોર્મ કર્યું હતું. પરિવારના અન્ય સભ્યો કરતાં પોતાની રીતે અલગ જ ફીલ્ડ પસંદ કરી એમાં સફળતા મેળવનાર ધર્મેશના નિધનને કારણે પરિવારમાં શોકનું વાતાવરણ પ્રસરી ગયું હતું. સોમવારે સાંજે દાદરના નાયગાંવના તેના ઘરેથી તેની અંતિમયાત્રામાં જોડાવા મ્યુઝિક બૅન્ડ તરફથી મેસેજિસ સોશ્યલ મીડિયામાં ફરી રહ્યા હતા અને સાથે જ અનેક નેટિઝન્સે તેને શ્રદ્ધાંજલિ આપી હતી.

