ગોવિંદાએ સલમાન ખાન સાથેની મિત્રતા વિશે જણાવતાં કહ્યું હતું કે આવું કહીને મેં તેને બૉલીવુડમાં ૧૦ વર્ષ રાજ કરવા માટે ખાસ સલાહો આપી હતી
સલમાન ખાન
ગોવિંદા અને સલમાન ખાન એક સમયે ખૂબ જ નજીકના મિત્રો હતા. બન્નેએ ‘દીવાના મસ્તાના’, ‘સલામ-એ-ઇશ્ક’ અને ‘પાર્ટનર’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. જોકે ‘પાર્ટનર’ ફિલ્મ ખૂબ સફળ રહી હતી અને ગોવિંદા તથા સલમાનની જોડી અને તેમના કામને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું. હવે ગોવિંદાએ એ સમયને યાદ કરતાં મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે ‘પાર્ટનર’માં કામ કરતી વખતે તેણે સલમાનને કહ્યું હતું કે ‘તું આ ફિલ્મનો હીરો છે, પણ હીરો જેવો લાગતો નથી.’
આ ઉપરાંત ગોવિંદાએ દાવો કર્યો હતો કે તેણે સલમાનને કેટલીક સલાહ પણ આપી હતી, જેને અનુસરીને સલમાને ઇન્ડસ્ટ્રી પર ૧૦ વર્ષ સુધી રાજ કર્યું.
ગોવિંદાએ દાવો કરતાં કહ્યું હતું કે ‘મેં તેને કહ્યું હતું કે હીરો તો તું છે, પણ તું હીરો જેવો લાગતો નથી; તું દુઃખી અને બીમાર લાગે છે; આમાંથી બહાર નીકળવું જોઈએ અને રોજ બે-ત્રણ કલાક કસરત કરવી જોઈએ. સલમાન એકમાત્ર એવો હીરો છે જેને ભગવાને માતા-પિતા, ભાઈ-બહેન, સુંદર ચહેરો અને પર્સનાલિટી બધું જ આપ્યું છે. ધર્મેન્દ્ર બાદ સલમાન એકમાત્ર એવો અભિનેતા છે જેમાં ખાસ ઑરા છે. મેં તેને જે કહ્યું એ તેણે કર્યું અને ૧૦ વર્ષ સુધી સિનેમા પર રાજ કર્યું.’
