Mumbai landslide: ચાળનાં બેથી ત્રણ ઘર પર ભેખડ પડતાં અંદર રહેલા લોકો દટાઈ ગયા હોવાની શંકા છે. ૨ લોકોનાં તો મોત પણ થઈ ગયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે (તસવીર- બીએમસી)
મુંબઈમાં આખી રાત સારોએવો વરસાદ થયો હતો. જેને કારણે ઘાટકોપર અને કુર્લા વેસ્ટની બોર્ડર પર આવેલ સાકીનાકામાં મોટો હાદસો (Mumbai landslide) થયો છે. અશોકનગરમાં આવેલી ગૌસિયા ચાળ પર પાસે આવેલ ટેકરી પરથી ભેખડ ધસી પડતાં મોટી હોનારત સર્જાઇ છે. ચાળનાં બેઠી ત્રણ ઘર પર ભેખડ પડતાં અંદર રહેલા લોકો દટાઈ ગયા હોવાની શંકા છે. ૨ લોકોનાં તો મોત પણ થઈ ગયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ઘટના પરોઢે આશરે ૩થી ૪ વાગ્યાની વચ્ચે બની (Mumbai landslide) હતી. આખી રાત મુશળધાર વરસાદ થવાને કારણે ટેકરી પરથી ભેખડ ધસીને પાસેનાં મકાનો પર પડી હતી. એકાએક મોટા કદના પથ્થરો અને માટી મકાનો પર ઢળી પડતાં અંદર સૂઈ રહેલા લોકોને બહાર નીકળવાનો પણ મોકો મળ્યો નહોતો. આ હાદસો થતાં જ એરિયામાં ભારે દોડધામ મચી ગઈ હતી.
ADVERTISEMENT
ડીસીપી ગણેશ શિંદે અને બીએમસી `એલ` વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર અનિલ જાધવે જણાવ્યું કે અત્યાર સુધીમાં ૨ શંકાસ્પદ બૉડીને કાટમાળમાંથી બહાર કાઢી નજીકની હૉસ્પિટલમાં મોકલવામાં આવી છે, તે કદાચ મૃત્યુ પામ્યા છે તેવી શંકા છે. તે ઉપરાંત પ્રાથમિક અંદાજ મુજબ ૫થી ૮ લોકો મકાન અને ભેખડના મલબા નીચે દટાયા હોવાની શંકા છે. બીજી તરફ સ્થાનિકો કહી રહ્યા છે કે યાદવ વિકી, વાજિદ અલી, આરિફ શેખ, મન્નત, આબન શેખ અને સદ્દામ શેખ મલબા નીચે દટાયા છે.
હાલમાં યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન (Mumbai landslide) ચાલી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ મુંબઈ ફાયર બ્રિગેડ , NDRFની ટીમ, મુંબઈ પોલીસ (ઘાટકોપર પોલીસ સ્ટેશન) અને ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો છે. મુંબઈનાં મેયર રિતુ તાવડે અને એડિશનલ મ્યુનિસિપલ કમિશનર ડૉ. અવિનાશ ઢાકણેએ પણ ઘટનાસ્થળની મુલાકાત લઈ સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી હતી અને સ્પીડ સાથે બચાવ કામગીરી હાથ ધરવાના આદેશ આપ્યા હતા. હાલમાં પ્રશાસન દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને કાટમાળ દૂર કરીને બાકીના દટાયેલા લોકોને સેફલી બહાર કાઢવાના પ્રયાસો ચાલી રહ્યા છે. તપાસ પૂર્ણ થતાં વધુ માહિતી સામે આવશે.
ભૂતકાળનાં ભૂસ્ખલન
ઘાટકોપર વિસ્તારમાં ડુંગરાળ ભૂપ્રદેશને કારણે મોન્સૂનમાં ઘણીવાર ભેખડ ધસી (Mumbai landslide) પડવાની ઘટનાઓ બનતી રહે છે. જૂના રેકોડ્સ દર્શાવે છે કે અહીં આ પ્રકારની ઘટનાઓ ભૂતકાળમાં પણ બની ચૂકી છે, જેમાં ૧૨મી જુલાઈ ૨૦૦૦ની દુર્ઘટના તો કંપારી છૂટે તેવી છે. ઘાટકોપરના ભૂસ્ખલન ઇતિહાસમાં તે સૌથી દુઃખદ હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૭૮ લોકોના મોત થયા હતા અને સાત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
