ગોવિંદા અને તેની પત્નીની રિલેશનશિપમાં ભંગાણ પડ્યું હોવાની ચર્ચા વચ્ચે ઍક્ટરના વકીલે સ્પષ્ટતા કરી
ગોવિંદા અને સુનીતા આહુજા
ગોવિંદા અને સુનીતા આહુજાનું લગ્નજીવન અત્યારે ભારે ચર્ચામાં છે. અનેક મીડિયા રિપોર્ટ્સમાં બન્નેના ડિવૉર્સના સમાચાર વાઇરલ બની રહ્યા છે. આ સંજોગોમાં ગોવિંદાના વકીલે પ્રતિક્રિયા આપતાં ચોંકાવનારી વાત કહી છે. ગોવિંદાના વકીલ લલિત બિંદલે જણાવ્યું કે સુનીતાએ છ મહિના પહેલાં તલાક માટે અરજી કરી હતી પણ હાલ બન્નેનો સંબંધ મજબૂત છે.
ગોવિંદા-સુનીતાના ડિવૉર્સના સમાચાર વચ્ચે ગોવિંદાના વકીલે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ગોવિંદા અને સુનીતાનો સંબંધ મજબૂત છે. લલિત બિંદલ ગોવિંદાના ફૅમિલી ફ્રેન્ડ પણ છે. તેમણે માહિતી આપી છે કે સુનીતા આહુજાએ લગભગ છ મહિના પહેલાં તલાક માટે અરજી કરી હતી, જોકે પછી તેમની વચ્ચેની સમસ્યા ઉકેલાઈ ગઈ હતી.
ADVERTISEMENT
લલિત બિંદલે ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે ‘નવા વર્ષે અમે નેપાલ પ્રવાસ પર ગયા હતા. ત્યાં પશુપતિનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી. બન્ને વચ્ચે હવે બધું જ ઠીક છે. આ પ્રકારની બાબતો પરિણીત દંપતીઓ વચ્ચે થતી રહે છે, પણ તેમની રિલેશનશિપ મજબૂત છે અને તેઓ હંમેશાં સાથે રહેશે.’
સુનીતાના પૉડકાસ્ટ પરના ઇન્ટરવ્યુ પછી એવી ચર્ચા હતી કે ગોવિંદા અને સુનીતા આહુજા અલગ-અલગ રહે છે. જોકે લલિત બિંદલે આ વાતને પણ નકારી કાઢી છે અને કહ્યું છે કે ‘ગોવિંદા અને તેમની પત્ની અલગ-અલગ અપાર્ટમેન્ટમાં રહે છે એ વાત સાચી નથી. ગોવિંદાએ સંસદસભ્ય બન્યા બાદ તેમના સત્તાવાર ઉપયોગ માટે એક બંગલો ખરીદ્યો હતો અને એ તેમના ફ્લૅટની બરાબર સામે છે. ગોવિંદાને ક્યારેક મીટિંગમાં મોડું થાય છે તો ક્યારેક બંગલામાં સૂઈ પણ જાય છે. જોકે તેમનું લગ્નજીવન બરાબર ચાલી રહ્યું છે અને તેઓ અને સુનીતા સાથે જ રહે છે.’

