અગર યે સચ હૈ કિ ઝિંદગી એક સાઝ હોતી હૈ, તો યે ભી સચ હૈ કિ ઉસમેં દર્દ કી આવાઝ હોતી હૈ. જ્યારે એ દર્દ તમારી રુહમાં ઊતરે ત્યારે અહેસાસ થાય કે ક્યાંય દૂર એક શહનાઈ વાગે છે. એના સૂર સાંભળીએ ત્યારે આપણા અસ્તિત્વનો એક-એક તાર કાંપી ઊઠે છે.
રામલાલ ચૌધરી
અગર યે સચ હૈ કિ ઝિંદગી એક સાઝ હોતી હૈ
તો યે ભી સચ હૈ કિ ઉસમેં દર્દ કી આવાઝ હોતી હૈ
જ્યારે એ દર્દ તમારી રુહમાં ઊતરે ત્યારે અહેસાસ થાય કે ક્યાંય દૂર એક શહનાઈ વાગે છે. એના સૂર સાંભળીએ ત્યારે આપણા અસ્તિત્વનો એક-એક તાર કાંપી ઊઠે છે. એમાં મિલનની ગાથા છે અને વિરહની વ્યથા છે. એમાં સુકૂન છે તો સાથે તડપ પણ છે. શહેનાઈની ગુંજમાં મેઘધનુષના સાત રંગની જેમ ઉર્મિઓનો એક ગુલદસ્તો રચવાની તાકાત છે.
શહેનાઈની વાત આવે એટલે તરત ઉસ્તાદ બિસ્મિલ્લાખાનનું નામ યાદ આવે. પરંતુ આજે વાત કરવી છે એવા જ એક ગુણી શહેનાઈવાદક કલાકારની જેણે ફિલ્મી ગીતોમાં પોતાની કળાથી શ્રોતાઓને માલામાલ કરી દીધા છે. એ કલાકાર એટલે રામલાલ ચૌધરી જેને દુનિયા સંગીતકાર રામલાલ ઓળખે જાણે છે.
સંખ્યાની દૃષ્ટિએ ગણીએ તો તેમણે ગણીને ૧૨ ફિલ્મોમાં સંગીત આપ્યું અને એમાંની ચાર ફિલ્મો તો કન્નડ ભાષામાં હતી. સંગીતપ્રેમીઓ બે ફિલ્મોથી જ તેમને જાણે છે. એ ફિલ્મો હતી ‘સેહરા’ (૧૯૬૩) અને ‘ગીત ગાયા પથ્થરોંને’ (૧૯૬૪). ફિલ્મી દુનિયાએ લગભગ વિસારી દીધા હતા એવા આ સંગીતકારને હું વર્ષો પહેલાં ખેતવાડીની એક ચાલમાં મળ્યો ત્યારે તેમની દુર્દશા જોઈને અત્યંત પીડા થઈ હતી. મને કહે, ‘મહારાષ્ટ્ર સરકાર મહિને ૭૦૦ રૂપિયા પેન્શન આપે છે. અધિકારીઓએ કહ્યું છે કે કલાકારોના ક્વોટામાંથી તમને હાઉસિંગ સોસાયટીમાં એક ફ્લૅટ અલૉટ કરવાની પ્રપોઝલ છે. હું એ દિવસની રાહ જોઉં છું.’
ઉમાશંકર જોશીની વાત યાદ આવે છે. ‘જે સમાજ પોતાના કલાકારોનું ઉચિત સન્માન કરી તેમને સ્વમાનભેર જિવાડવામાં નિષ્ફ્ળ જાય એ સમાજના ભાવિ વિષે ચિંતા થાય છે.’ જીવનનું કોઈ પણ ક્ષેત્ર હોય, દરેક ફીલ્ડમાં આવા unsung heroes ગુમનામીના અંધકારમાં જીવતા હોય છે. તેમના યોગદાનની નોંધ ભાગ્યે જ લેવાય છે એ વાસ્તવિકતા સ્વીકારવાની તાકાત અને સમજ કેળવાય એ જરૂરી છે.
૧૯૨૧ની ૧૫ ઑગસ્ટના દિવસે વારાણસીમમાં તેમનો જન્મ થયો. દાદાજી સંગીતના જાણકાર. રામલાલે મોટાભાઈ પાસે હાર્મોનિયમ, બાંસુરી અને શહેનાઈની તાલીમ લીધી. નાની વયથી જ તેમનું નામ થવા લાગ્યું. બનારસની ગલીઓમાં સંગીતની મહેફિલો જામતી એમાં કિશોર રામલાલ બાંસુરીવાદનથી લોકોનાં મન મોહી લેતા.
બાંસુરી ઉપરાંત શહેનાઈ વગાડતા યુવાન રામલાલનો પ્રથમ શોખ હતો બાંસુરીવાદન. પંડિત પન્નાલાલ ઘોષ તેમના ગુરુ હતા. ૧૯૪૨માં સંગીતકાર રામ ગાંગુલીના ભાઈ કમલ ગાંગુલી બનારસ આવ્યા ત્યારે એક કાર્યક્રમમાં તેમણે રામલાલની બાંસુરી સાંભળી અને મુંબઈ આવવાનું કહ્યું. એ વાત કરતાં રામલાલ મને કહે છે, ‘તેમણે કહ્યું કે તારી સાચી કદર મુંબઈમાં થશે. ભાઈ (રામ ગાંગુલી, જે પૃથ્વી થિયેટરમાં સંગીતનો વિભાગ સંભાળતા હતા) તારી ઓળખાણ પૃથ્વીરાજ કપૂર સાથે કરાવશે. હું મુંબઈ આવ્યો અને પૃથ્વી થિયેટરમાં ૮૦ રૂપિયાના પગારથી જોડાયો. એ સમયે રામ ગાંગુલી (પગાર ૩૦૦) સાથે એ ગ્રુપમાં શંકર તબલા (પગાર ૧૨૦) અને જયકિશન (પગાર ૮૦) હાર્મોનિયમ વગાડતા.
પૃથ્વી થિયેટરનાં નાટકો થતાં અને અમે સાજિંદાઓ વિન્ગમાં બેસી જરૂરિયાત પ્રમાણે સાજ વગાડતા. ફિલ્મી ગીત માટે મારું પહેલું રેકૉર્ડિંગ હતું ‘આગ’ના ‘ઝિંદા હૂં ઇસ તરહ કે ગમે ઝિંદગી નહીં’ માટે (રામ ગાંગુલી-મુકેશ-બેહઝાદ લખનવી). એ ઉપરાંત ‘કાહે કોયલ શોર મચાયે રે’ (રામ ગાંગુલી-શમશાદ બેગમ-બેહઝાદ લખનવી) રેકૉર્ડ થયું. આ ગીતોમાં મેં બાંસુરી અને શહેનાઈ વગાડી.
આ ગીતો અત્યંત લોકપ્રિય થયાં. ૧૯૪૮માં મને વી. શાંતારામે બોલાવ્યો. તે કહે, ‘તને કેટલો પગાર મળે છે?’ મેં કહ્યું, ‘૧૫૦ રૂપિયા.’ તો કહે, ‘હું તને ૨૦૦ આપીશ.’ એટલે હું તેમની સાથે જોડાયો. ત્યારે તે ‘દહેજ’ બનાવતા હતા. છેલ્લે સુધી હું તેમના રાજકમલ સ્ટુડિયો સાથે જોડાયેલો રહ્યો. શાંતારામ દિલદાર હતા. તેમણે મને બહાર કામ કરવાની છૂટ આપી હતી. મેં સી. રામચન્દ્ર, શંકર જયકિશન, વસંત દેસાઈ, હેમંત કુમાર, નૌશાદ અને બીજા નામી સંગીતકારો સાથે કામ કર્યું છે. મજાની વાત એ હતી કે મને શહેનાઈવાદક તરીકે જ કામ મળતું.
ખેતવાડીની એ ચાલમાં સંગીતકાર રામલાલ આજુબાજુના કોલાહલની વચ્ચે ભૂતકાળ વાગોળી રહ્યા હતા ત્યારે એ શોરગૂલ તેમને જરાપણ ખલેલ નહોતો પાડતો. શહેનાઈવાદક તરીકે સારુંએવું નામ કમાઈ ચૂકેલા રામલાલની સંગીતકાર તરીકેની પહેલી ફિલ્મ હતી ‘ટાંગેવાલા’ (૧૯૫૦), પી. એલ. સંતોષીની આ ફિલ્મનાં હીરો-હિરોઇન હતાં રાજ કપૂર અને વૈજયંતીમાલા. અફસોસ કે એ ફિલ્મ અધૂરી જ રહી ગઈ કારણ કે ફાઇનૅન્સરોએ પૈસા ધીરવાનું બંધ કર્યું. કારણ એ હતું કે સંતોષીએ પોતાની પહેલાંની ફિલ્મ ‘પાગલખાના’ અધવચ્ચેથી બંધ કરી નવી ફિલ્મ શરૂ કરી.
સંગીતકાર તરીકે રામલાલની ફિલ્મો હતી ‘હુસ્નબાનો’, ‘નકાબપોશ’, ‘નાગલોક’, ‘નાગપરી’, રંગમહેલ’, માયા મછિંદર’ અને અન્ય. અમુક ફિલ્મો અધૂરી રહી તો પૂરી થયેલી ફિલ્મોનું સંગીત લોકપ્રિય ન થયું. ‘સેહરા’ની સફળતા બાદ તેમણે ચાર કન્નડ ફિલ્મોમાં સંગીત આપ્યું ‘રામલાલ સેહરા’ નામે. એ ફિલ્મો માટે તેમણે યેસુદાસ, એસ. પી. બાલાસુબ્રહ્મણ્યમ, એસ. જાનકી જેવા દિગ્ગજ કલાકારોના સ્વરમાં ગીત રેકૉર્ડ કર્યાં જે લોકપ્રિય બન્યાં.
શહેનાઈવાદક તરીકે રામલાલે અનેક ગીતોમાં કમાલ દેખાડી પરંતુ પડદા પાછળના ગણ્યાગાંઠ્યા લોકોને જ તેમની પ્રતિભાની જાણ હતી. જાહેરમાં લોકો તેમને જાણતા થયા ‘ગુંજ ઉઠી શહનાઈ’ (૧૯૫૯)નાં ગીતોને કારણે. આ ફિલ્મનું એક-એક ગીત અત્યંત લોકપ્રિય થયું. એ વાત કરતાં રામલાલ કહે છે. ‘આ ફિલ્મને કારણે મને બે દિગ્ગજ કલાકારો સાથે કામ કરવાનો મોકો મળ્યો. બાંસુરીવાદક પંડિત પન્નાલાલ ઘોષ અને ઉસ્તાદ બિસ્મિલ્લાખાન. ઉસ્તાદજીએ કમાલની શહેનાઈ વગાડી છે પરંતુ હકીકત એ છે કે તેમણે કેવળ સોલો પીસ વગાડ્યા છે. બૅકગ્રાઉન્ડ મ્યુઝિક, બૅકગ્રાઉન્ડ સ્કોર અને સૉન્ગમાં શહેનાઈ મેં વગાડી છે. પ્રોડ્યુસર વિજય ભટ્ટે મને ખાતરી આપી હતી કે ફિલ્મમાં તમને અને ઉસ્તાદજીને અલગ-અલગ કામ માટે હું ટાઇટલમાં મોટા અક્ષરે ક્રેડિટ આપીશ. અફસોસ, ફિલ્મ રિલીઝ થઈ ત્યારે સાવ નાના અક્ષરોમાં બીજા મ્યુઝિશ્યન સાથે મારું નામ હતું. તમે કેવળ ઉસ્તાદજીને અલગથી મોટા અક્ષરે ક્રેડિટ આપો તો એવું જ લાગે કે મારા કામની કોઈ કિંમત નથી. મને દુઃખ થયું, ગુસ્સો આવ્યો એટલે મેં ૩૫ વર્ષ સુધી એ ફિલ્મ જોઈ નહીં.’
એક ફ્લૉપ સંગીતકાર તરીકે જાણીતા રામલાલને વી. શાંતારામની ‘સેહરા’ કેવી રીતે મળી એ વાત આવતા રવિવારે.


