Entertainment Updates: અક્ષય કુમારની ઍરલિફ્ટ હવે યુટ્યુબ પર ફ્રીમાં જોવા મળશે; સતીશ કૌશિકની ત્રીજી પુણ્યતિથિએ જૅકી શ્રોફે આપી ભાવભીની શ્રદ્ધાંજલિ અને વધુ સમાચાર
લક્ષ્ય લાલવાણી
ઍક્ટર લક્ષ્ય લાલવાણીએ આર્યન ખાનના દિગ્દર્શનમાં બનેલી વેબ સિરીઝ ‘The Ba***ds of Bollywood’માં પોતાની ઍક્ટિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ પછી તેને ‘દોસ્તાના 2’માં કાર્તિક આર્યન અને જાહ્નવી કપૂર સાથે સાઇન કરવામાં આવ્યો હતો. જોકે પછી બદલાયેલી પરિસ્થિતિમાં કાર્તિક આર્યન અને જાહ્નવીએ આ પ્રોજેક્ટ છોડી દીધો પણ આમ છતાં લક્ષ્ય ફિલ્મનો ભાગ બનીને રહ્યો હતો. હવે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે ‘દોસ્તાના 2’ ફરી એક વાર વિલંબનો સામનો કરી રહી છે અને આ કારણે લક્ષ્યે ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હોવાની ચર્ચા છે. જોકે વિક્રાન્ત મેસી હજી પણ પ્રોજેક્ટ સાથે જોડાયેલો છે.
રણદીપ હૂડા અને લિન લૈશરામે મૅટરનિટી ફોટોશૂટ કરાવ્યું
ADVERTISEMENT

રણદીપ હૂડા અને તેની પત્ની લિન લૈશરામ ટૂંક સમયમાં પેરન્ટ્સ બનવાનાં છે. તાજેતરમાં આ કપલે મૅટરનિટી ફોટોશૂટ કરાવ્યું હતું જેની તસવીરો તેમણે સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી છે. આ તસવીરો બન્ને વચ્ચેનું સ્વીટ બૉન્ડિંગ દર્શાવે છે અને એ પણ બતાવે છે કે રણદીપ અને લિન મમ્મી-પપ્પા બનવા સંપૂર્ણ રીતે તૈયાર છે.
મૃણાલ ઠાકુરનું આ દેસી મૅજિક લગભગ ૨,૭૯,૦૦૦નું

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના ચોથી માર્ચે હૈદરાબાદમાં યોજાયેલા રિસેપ્શનમાં મૃણાલ ઠાકુરે જૅકેટ સ્ટાઇલના બ્લાઉઝ સાથે બ્લૅક સાડી પહેરી હતી. મૃણાલે પોતાના સોશ્યલ મીડિયામાં આ સાડી સાથેની તસવીરો પણ પોસ્ટ કરી છે અને એને ‘દેસી મૅજિક’ ગણાવી છે. મૃણાલનો આ સાડી-લુક ફૅન્સને બહુ પસંદ પડ્યો હતો. હકીકતમાં મૃણાલની આ સાડી ડિઝાઇનર મૃણાલિની રાવના ‘શ્યામા સાડી સેટ’નો હિસ્સો હતી અને એની કિંમત લગભગ ૨,૭૯,૦૦૦ રૂપિયા છે. આ બ્લૅક જ્યૉર્જેટ સાડીમાં રંગબેરંગી રેશમ હૅન્ડ-એમ્બ્રૉઇડરીવાળી સુંદર બૉર્ડર હતી. મૃણાલે સાડી સાથે રૉ સિલ્કનું ખાસ પ્રકારનું જૅકેટ-સ્ટાઇલ બ્લાઉઝ પહેર્યું હતું જેના કારણે આઉટફિટમાં પરંપરાગત કારીગરી અને આધુનિક સ્ટાઇલનું કૉમ્બિનેશન જોવા મળ્યું હતું.
અક્ષય કુમારની ઍરલિફ્ટ હવે યુટ્યુબ પર ફ્રીમાં જોવા મળશે

અક્ષય કુમાર હાલમાં ‘ભૂત બંગલા’, ‘હૈવાન’, ‘વેલકમ ટુ ધ જંગલ’, ‘હેરા ફેરી 3’ અને ‘ગોલમાલ 5’ જેવી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. અક્ષય કુમારની કરીઅર ઝપાટાભેર આગળ વધી રહી છે ત્યારે તેની હિટ ફિલ્મ ‘ઍરલિફ્ટ’ને યુટ્યુબ પર પણ રિલીઝ કરી દેવામાં આવી છે. આ ફિલ્મ ૨૦૧૬માં રિલીઝ થઈ હતી અને એનું ડિરેક્શન રાજા કૃષ્ણ મેનને કર્યું હતું. ફિલ્મમાં અક્ષય કુમાર સાથે કુમુદ મિશ્રા અને નિમ્રત કૌર જેવા કલાકારો પણ જોવા મળ્યાં હતાં. તાજેતરમાં આ ફિલ્મને રિલીઝ થયે ૧૦ વર્ષ પૂર્ણ થયાં છે. આ અવસરે નિર્માતાઓએ ફિલ્મને યુટ્યુબ પર અપલોડ કરી દીધી છે જ્યાં હવે દર્શકો એને સંપૂર્ણપણે મફતમાં જોઈ શકે છે. ફિલ્મમાં ૧૯૯૦ દરમિયાન થયેલા ઇરાક-કુવૈત યુદ્ધ દરમિયાન ત્યાં ફસાયેલા ભારતીયોને સલામત રીતે બહાર કાઢી તેમને પોતાના દેશ પરત લાવવાની સાચી ઘટનાથી પ્રેરિત વાર્તા દર્શાવવામાં આવી છે.
આરાધ્યા બચ્ચનની લેટેસ્ટ હેરસ્ટાઇલ એકદમ મમ્મી જેવી

હાલમાં ઉદ્યોગપતિ મુદિત અદાણી અને અનન્યા દીવાનજીના લગ્નપ્રસંગમાં અન્ય સેલિબ્રિટીઝ સાથે અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચનની હાજરીએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ પ્રસંગમાં ઐશ્વર્યાએ પતિ અભિષેક સાથે ટ્વિનિંગ કર્યું હતું અને બન્ને રૉયલ બ્લુ ટ્રેડિશનલ આઉટફિટમાં સાથે જોવા મળ્યાં હતાં, જ્યારે આરાધ્યા વાઇટ શિમરી આઉટફિટમાં જોવા મળી હતી. આ ફંક્શનમાં ઐશ્વર્યા અને આરાધ્યા બન્ને એકસરખી સાઇડ-પાર્ટેડ વેવી ઓપન હેરસ્ટાઇલમાં જોવા મળ્યાં હતાં. આ ફંક્શનમાં અભિષેક અને ઐશ્વર્યાએ સલમાન ખાનના ‘સલામ-એ-ઇશ્ક’ ગીત પર પર્ફોર્મ કર્યું હતું જેનાં વિડિયો અને તસવીરો અત્યારે ચર્ચામાં છે.
સતીશ કૌશિકની ત્રીજી પુણ્યતિથિએ જૅકી શ્રોફે આપી ભાવભીની શ્રદ્ધાંજલિ

ગઈ કાલે ઍક્ટર અને ફિલ્મમેકર સતીશ કૌશિકની ત્રીજી પુણ્યતિથિ હતી. આ દિવસે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના ઘણા કલાકારોએ તેમને યાદ કર્યા. આ પ્રસંગે જૅકી શ્રોફે પણ સોશ્યલ મીડિયા દ્વારા તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી. જૅકીએ તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર સતીશ કૌશિકની કેટલીક યાદગાર તસવીરોનું કોલાજ શૅર કરીને પોસ્ટ સાથે લખ્યું, ‘સતીશ કૌશિકજીને તેમની પુણ્યતિથિએ યાદ કરી રહ્યો છું.’સતીશ કૌશિકનું નિધન ૨૦૨૩ની ૯ માર્ચે થયું હતું. એ સમયે તેમની ઉંમર ૬૬ વર્ષ હતી. રિપોર્ટ્સ અનુસાર તેમને કાર્ડિઍક અરેસ્ટ આવ્યો હતો અને તેમના અચાનક નિધનથી સમગ્ર ફિલ્મ-ઇન્ડસ્ટ્રી અને ફૅન્સને મોટો આઘાત લાગ્યો હતો.
અલ્લુ અર્જુને ઇન્ટરનૅશનલ વિમેન્સ ડે પર મમ્મીને ૭૦ લાખ રૂપિયાની લક્ઝરી કાર આપી

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને તેની પત્ની સ્નેહા રેડ્ડીએ તાજેતરમાં પોતાની પંદરમી લગ્નતિથિ ઊજવી હતી. આ પ્રસંગે અલ્લુ અર્જુને પત્ની સ્નેહાને ૧.૮૧ કરોડ રૂપિયાની કાળી ચમકદાર મર્સિડીઝ-બેન્ઝ કાર ગિફ્ટ આપી હોવાના રિપોર્ટ હતા. હવે ખબર પડી કે અલ્લુ અર્જુને ઇન્ટરનૅશનલ વિમેન્સ ડે નિમિત્તે મમ્મી અલ્લુ નિર્મલાને ૭૦ લાખ રૂપિયાની લક્ઝરી કાર લેક્સસ NX આપી છે. આ ખાસ પળની એક તસવીર અલ્લુ અર્જુનની ટીમે સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી જેમાં અલ્લુ નિર્મલા નવી કાર સ્વીકારતાં જોવા મળે છે. પોસ્ટમાં લખવામાં આવ્યું કે મહિલા દિવસના અવસર પર અલ્લુ અર્જુને પોતાની મમ્મીને નવી કાર ગિફ્ટ કરીને માતૃત્વનો આભાર વ્યક્ત કરવાની સુંદર રીત અપનાવી.
