Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ડૉન 3નો વિવાદ ઉકેલવા માટે ફરહાન અખ્તરની ૪૫ કરોડ રૂપિયાની ડિમાન્ડ

ડૉન 3નો વિવાદ ઉકેલવા માટે ફરહાન અખ્તરની ૪૫ કરોડ રૂપિયાની ડિમાન્ડ

Published : 27 May, 2026 10:28 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

FWICEએ મૂકેલા પ્રતિબંધને કારણે રણવીર સિંહની ફિલ્મના સેટ પર કોઈ વ્યક્તિ કામ કરવા નહીં જાય

ફરહાન અખ્તરની ફાઇલ તસવીર

ફરહાન અખ્તરની ફાઇલ તસવીર


‘ડૉન 3’ના વિવાદમાં રણવીર સિંહ પર બૅન મૂકી દેવાના નિર્ણય બાદ ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઈઝ (FWICE)ના ચીફ અૅડ‍્વાઇઝર અશોક પંડિત, પ્રેસિડન્ટ બિરેન્દ્ર નાથ તિવારી અને ઑનરરી જનરલ સેક્રેટરી અશોક દુબેએ આ વિશે મીડિયાને માહિતી આપી હતી. સંસ્થાએ પ્રોડ્યુસર ફરહાન અખ્તર દ્વારા રણવીર સિંહ સામે ‘ડૉન 3’માંથી બહાર નીકળવાના મામલે કરવામાં આવેલી ફરિયાદ વિશે લેવામાં આવેલા નિર્ણય વિશે મીડિયા સાથે ચર્ચા કરી હતી અને ફિલ્મના પ્રોડ્યુસર ફરહાન અખ્તરની વળતરની ડિમાન્ડ વિશે જણાવ્યું હતું.

ફરહાનની ડિમાન્ડ વિશે વાત કરતાં અશોક પંડિતે કહ્યું હતું કે ‘ફરહાન ૪૫ કરોડ રૂપિયા માગે છે. આ રકમનો સંપૂર્ણ હિસાબ રાખવામાં આવ્યો છે અને ઑડિટ પણ કરવામાં આવ્યું છે. તેણે રણવીરને આ સમગ્ર ખર્ચની તપાસ કરવાની પરવાનગી પણ આપી છે. ફરહાન, રિતેશ, રણવીર અને અમારી તમામ સંસ્થાઓ સાથે બેસીને આ મામલે સકારાત્મક નિષ્કર્ષ સુધી પહોંચવા માટે તૈયાર છે.  ફિલ્મ-ઇન્ડસ્ટ્રી વિશ્વાસ પર ચાલે છે. જ્યારે કોઈ અભિનેતાને સાઇન કરવામાં આવે છે ત્યારે તેના આધારે સમગ્ર તૈયારી શરૂ થાય છે અને કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે. એવા સમયમાં જો કોઈ સ્ટાર છેલ્લી ઘડીએ ફિલ્મ છોડી દે તો એનો પ્રભાવ માત્ર નિર્માતા પર નહીં પરંતુ સેંકડો વર્કર્સ અને ટેક્નિશિયન પર પણ પડે છે. આવું વર્તન ઇન્ડસ્ટ્રી માટે જોખમી ટ્રેન્ડ બની શકે છે. ફેડરેશને પહેલાં આ મામલો શાંતિથી ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો. રણવીરને અનેક વખત બોલાવવામાં આવ્યો તેમ જ નોટિસ અને રિમાઇન્ડર મોકલવામાં આવ્યાં પરંતુ તેના તરફથી કોઈ જવાબ મળ્યો નહીં. બાદમાં તેની ટીમ તરફથી એક ઈ-મેઇલ આવી, પરંતુ એનાથી ફેડરેશનને સંતોષ નહોતો થયો.’



શું છે મામલો?


રણવીર ડિરેક્ટર ફરહાન અખ્તરની ફિલ્મ ‘ડૉન 3’માં કામ કરવા જઈ રહ્યો હતો. ફિલ્મની જાહેરાત પણ થઈ ગઈ હતી, પરંતુ પછી તેણે આ ફિલ્મ છોડી દીધી. ફરહાન અખ્તરનું કહેવું છે કે પ્રી-પ્રોડક્શનનું કામ શરૂ થઈ ચૂક્યું હતું, આ કામમાં ૪૫ કરોડ રૂપિયા ખર્ચાઈ ચૂક્યા હતા; પરંતુ રણવીરે અચાનક ફિલ્મ છોડતાં આર્થિક નુકસાન થયું છે. ફરહાને ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડિરેક્ટર્સ અસોસિએશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ આગળની કાર્યવાહી માટે આ મામલો FWICEને સોંપવામાં આવ્યો હતો. હવે FWICEએ રણવીર સામે ‘નૉન-કોઑપરેશન’ની જાહેરાત કરી દીધી છે. એનો અર્થ એ છે કે ફેડરેશન સાથે જોડાયેલા વર્કર્સ, ટેક્નિશિયન અને સભ્યો હાલ રણવીર અથવા તેના પ્રોજેક્ટ્સ સાથે કામ નહીં કરે.

રણવીરની ટીમની પ્રતિક્રિયા


FWICE દ્વારા રણવીર પર બૅન મૂક્યા બાદ રણવીના પ્રવક્તાએ નિવેદન જાહેર કરીને FWICE દ્વારા લગાવવામાં આવેલા બૅન અંગે પોતાનો મુદ્દો રજૂ કર્યો હતો. આ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ‘રણવીર સિંહ ફિલ્મ-ઇન્ડસ્ટ્રી અને ‘ડૉન’ ફ્રેન્ચાઇઝી સાથે જોડાયેલી દરેક વ્યક્તિ માટે ખૂબ સન્માન ધરાવે છે. ‘ડૉન 3’ સાથે જોડાયેલી તાજેતરની ઘટનાઓ દરમ્યાન તેમણે સમજદારીપૂર્વક મૌન રહેવાનો નિર્ણય કર્યો કારણ કે તેમનું માનવું છે કે વ્યાવસાયિક ચર્ચાઓ અને વ્યક્તિગત સંબંધોને ગૌરવ, સમજદારી અને પરસ્પર સન્માન સાથે જ સૌથી સારી રીતે સંભાળી શકાય છે. જોકે સમય સાથે અનેક પ્રકારની વાતો અને અટકળો સામે આવી છે, પરંતુ રણવીરે ક્યારેય જાહેરમાં એનો જવાબ આપવાનું અથવા આ અટકળોમાં સામેલ થવાનું જરૂરી નથી માન્યું. તેમનું સંપૂર્ણ ધ્યાન પોતાના કામ અને આવનારી જવાબદારીઓ પર જ કેન્દ્રિત રહ્યું છે. આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા તમામ લોકો માટે તેઓ આજે પણ ઊંડું સન્માન અને શુભેચ્છા રાખે છે તેમ જ સંપૂર્ણ ઈમાનદારીથી ઇચ્છે છે કે આ ફ્રૅન્ચાઇઝીને આગળ પણ સતત સફળતા મળતી રહે. આવા પ્રસંગોએ સંયમ અને ગૌરવ જાળવી રાખવું હંમેશાં તેમનો વિચારપૂર્વક લેવાયેલો નિર્ણય રહ્યો છે અને તેઓ આગળ પણ આ જ વલણ જાળવી રાખશે.’

બૅનની શું થશે અસર?

FWICE દ્વારા જાહેર કરાયેલા આ નૉન-કોઑપરેશનનો સીધો પ્રભાવ રણવીરની કરીઅર અને તેની આવનારી ફિલ્મો માટે મોટું સંકટ ઊભું કરી શકે છે. FWICE હેઠળ બૉલીવુડના લગભગ પાંચ લાખ કર્મચારીઓ આવે છે જેમાં લાઇટમેન, સ્પૉટબૉય, મેકઅપ આર્ટિસ્ટ, કૅમેરામેન અને સેટ વર્કર્સ સામેલ છે. આ બૅન બાદ કોઈ પણ વર્કર રણવીરના સેટ પર કામ કરવા નહીં જાય. ‘ધુરંધર’ની સફળતા બાદ રણવીર હાલમાં મોટા સ્ટુડિયોઝનો ફેવરિટ છે, પરંતુ મોટા ભાગના સ્ટુડિયોઝ અથવા પ્રોડક્શન હાઉસ મજૂરો અને ફિલ્મ-યુનિયનો સાથે ટકરાવ લઈને શૂટિંગ નહીં કરે. વર્કર્સ વિના કોઈ પણ ફિલ્મનું ફ્લોર પર જવું અશક્ય છે. તેથી રણવીર સિંહે જલદીથી ખુદ સામે આવીને આ ૪૫ કરોડ રૂપિયાના વિવાદને ચર્ચા દ્વારા ઉકેલવો પડશે.

Whatsapp-channel Whatsapp-channel

27 May, 2026 10:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK