FWICEએ તેની સાથે કામ ન કરવા વિશે સની દેઓલ, ભૂષણ કુમાર અને ઇમ્તિયાઝ અલીને અલગ-અલગ પત્રો લખ્યા
દિલજિત દોસાંઝ
ફિલ્મ ‘સરદારજી 3’માં પાકિસ્તાનની ઍક્ટ્રેસ હાનિયા આમિરની હાજરીને કારણે લીડ ઍક્ટર દિલજિત દોસાંઝ વિવાદોમાં ઘેરાઈ ગયો છે. આ વિવાદને કારણે ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઈઝ (FWICE)એ હવે આ વિવાદમાં વધારો કર્યો છે અને દિલજિત સાથે કામ ન કરવા વિશે સની દેઓલ, ભૂષણ કુમાર અને ઇમ્તિયાઝ અલીને અલગ-અલગ પત્રો લખ્યા છે. FWICEની દલીલ છે કે પહલગામ અટૅક અને ઑપરેશન સિંદૂર પછી પાકિસ્તાની ઍક્ટર હાનિયાએ સોશ્યલ મીડિયા પર ઘણી વખત ભારતવિરોધી પોસ્ટ શૅર કરી છે અને આખો દેશ આતંકવાદ સામે એક થઈ ગયો છે ત્યારે એક ભારતીય કલાકાર પાકિસ્તાની ઍક્ટ્રેસ સાથે કામ કરે એ રાષ્ટ્રીય ભાવનાની વિરુદ્ધ છે.
‘સરદારજી 3’નું ટ્રેલર ૨૩ જૂને રિલીઝ થયું હતું ત્યારથી દિલજિત પર રાજદ્રોહનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. તાજેતરમાં FWICEએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, વિદેશપ્રધાન એસ. જયશંકર અને માહિતી અને પ્રસારણ પ્રધાન અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને દિલજિત અને ફિલ્મ સાથે સંકળાયેલા નિર્માતાઓની નાગરિકતા રદ કરવાની માગણી કરી છે.
ADVERTISEMENT
FWICEનો વિરોધ
FWICEએ ‘બૉર્ડર 2’માં દિલજિતના કાસ્ટિંગ કરવા પર પુનર્વિચાર કરવા વિનંતી કરીને સની દેઓલને મોકલવામાં આવેલા પત્રમાં લખ્યું છે કે દેશભક્તિ અને બલિદાનના પ્રતીક જેવી ‘બૉર્ડર 2’માં દિલજિતની હાજરી એક વિરોધાભાસી સંદેશ આપે એવા સંજોગોમાં તેને આ ફિલ્મમાં દિલજિત સાથે કામ કરવા વિશે પુનર્વિચાર કરવા વિનંતી કરી છે.
આ સિવાય ટી-સિરીઝના ચૅરમૅન ભૂષણ કુમારને લખેલા પત્રમાં પણ ‘બૉર્ડર 2’માં દિલજિતના કાસ્ટિંગ સામે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે. FWICEની દલીલ છે કે આ નિર્ણય ફેડરેશન દ્વારા જાહેર કરાયેલા બહિષ્કાર-નિર્દેશનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે. ફેડરેશને ભૂષણ કુમારને દિલજિત દોસાંઝના કાસ્ટિંગ પર પુનર્વિચાર કરવા વિનંતી કરી છે. આ જ રીતે ઇમ્તિયાઝ અલીને મોકલવામાં આવેલા પત્રમાં FWICEએ તેમને અપીલ કરી છે કે તેઓ તેમની આગામી ફિલ્મમાં દિલજિતને કાસ્ટ કરવા વિશે પુનર્વિચાર કરે અને ફેડરેશન દ્વારા સત્તાવાર રીતે બહિષ્કાર કરાયેલા કોઈ પણ કલાકાર સાથે કામ ન કરે.
પાકિસ્તાનમાં રિલીઝ, ભારતીય ફૅન્સ લાલઘૂમ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ‘સરદારજી 3’નો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે સોશ્યલ મીડિયા પર પાકિસ્તાનના લાહોર, કરાચી, ઇસ્લામાબાદ, ફૈસલાબાદ અને સિયાલકોટ જેવાં શહેરોમાં સિનેમાઘરોના લિસ્ટિંગના સ્ક્રીનશૉટ વાઇરલ થયા છે.
આ લિસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે ‘સરદારજી 3’ ફિલ્મ પાકિસ્તાનનાં સિનેમાઘરોમાં ૨૭ જૂને રિલીઝ થશે.
દિલજિત દોસાંઝના આ નિર્ણયથી ભારતીય ચાહકો ખાસ્સા નારાજ છે અને તેમનો ગુસ્સો સોશ્યલ મીડિયા પર પણ દેખાઈ રહ્યો છે. જોકે પાકિસ્તાની મીડિયામાં દિલજિતનાં ભરપૂર વખાણ થઈ રહ્યાં છે.
પાકિસ્તાનની ટીવી-પ્રેઝન્ટર નાદિયા ખાને નિવેદન કરતાં કહ્યું હતું કે ‘સિખો કોઈથી ડરતા નથી. હાનિયા આમિર અને દિલજિત દોસાંઝની ફિલ્મ ઘણી અફવાઓ અને વિવાદો વચ્ચે બનાવવામાં આવી હતી. ભારત-પાકિસ્તાન તનાવ વચ્ચે ફિલ્મનું શૂટિંગ ફરી પાછું કરવાનું કહેવામાં આવ્યું હતું, જેથી કોઈ પાકિસ્તાની ઍક્ટ્રેસ ફિલ્મમાં ન આવી શકે. એ પછી શાંતિ સ્થપાઈ ગઈ. હવે આ ફિલ્મ ૨૭ જૂને પાકિસ્તાનની હાનિયા આમિર સાથે રિલીઝ થઈ રહી છે. તમે જે કરવા માગો છો એ કરો. વાહ ભાઈ, બધા સિખભાઈ છે, બધા નિર્માતાઓ સિખ છે, કલાકારો સિખ છે. તેઓ કોઈથી ડરતા નથી.’
ભારતનાં ૮૦ ટકા ગીતો પાકિસ્તાની : જસબીર જસ્સી
પાકિસ્તાનની ઍક્ટ્રેસ સાથે કામ કરવાને લીધે દિલજિત દોસાંઝ વિવાદોમાં ઘેરાયેલો છે ત્યારે ‘દિલ લે ગઈ કુડી ગુજરાત કી’ ફેમ પંજાબી ગાયક જસબીર જસ્સીએ આ સમગ્ર વિવાદ પર દિલજિતનું સમર્થન કર્યું છે. જસબીર જસ્સીએ કહ્યું હતું કે ‘તમે ફક્ત એટલા માટે વિરોધ કરી રહ્યા છો કારણ કે તેની ફિલ્મમાં પાકિસ્તાની કલાકાર છે, ઠીક છે, હું સંમત છું કે આ દેશભક્તિ છે અને હું તમારી દેશભક્તિની પ્રશંસા કરું છું, પરંતુ શું તમે જાણો છો કે આપણા દેશનાં ૮૦ ટકા ગીતો પાકિસ્તાની છે? ક્યારેક સંગીત ચોરી લેવામાં આવ્યું, ક્યારેક ગીતના શબ્દો, તો ક્યારેક તો આખું ગીત લેવામાં આવ્યું છે અથવા એ ગીત પાકિસ્તાની સિંગર પાસે ગવડાવ્યું છે. હવે મને કહો, તમે એ ગીતોનું શું કરશો? જો તમે ગીતો પર પ્રતિબંધ મૂકવા માગતા હો તો યુટ્યુબ અને સ્પૉટિફાઇ પરથી આ બધાં ગીતો કાઢી નાખો. જો બૅન મૂકવો જ હોય તો દરેકનો મૂકો, માત્ર એક આર્ટિસ્ટનો વિરોધ કરવાનું યોગ્ય નથી.’
રાખી સાવંતે પાર્ટી બદલી
ઍક્ટર-સિંગર દિલજિત દોસાંઝ અને પાકિસ્તાની ઍક્ટ્રેસ હાનિયા આમિરની ફિલ્મ ‘સરદારજી 3’ના મામલે રાખી સાવંતે આશ્ચર્યજનક અભિગમ અપનાવ્યો છે. રાખીએ લોકોની ઇચ્છા વિરુદ્ધ ફિલ્મ અને હાનિયા આમિરને ટેકો આપ્યો છે. રાખી સાવંતે સોશ્યલ મીડિયા પર ફિલ્મનો એક વિડિયો શૅર કર્યો છે અને લખ્યું છે કે ‘દરેક વ્યક્તિએ આ ફિલ્મ જોવી જોઈએ. હાનિયા આમિર ‘સરદારજી 3’થી ડેબ્યુ કરી રહી છે. બધાએ તેનાં વખાણ કરવાં જોઈએ. તે મારી ફેવરિટ છે. અલ્લાહની દુઆ તેની સાથે રહે.’
ભૂલ બદલ માગે માફી : મિકા સિંહ
દિલજિત વિવાદમાં પંજાબી સિંગર મિકા સિંહે કહ્યું છે કે જો દિલજિત માફી માગે અને ફિલ્મમાંથી તમામ ‘આપત્તિજનક’ દૃશ્યો હટાવે તો તેને તેની ‘ભૂલ’ માટે માફ કરવામાં આવશે. મિકા સિંહે સોશ્યલ મીડિયામાં એક પોસ્ટ શૅર કરીને લખ્યું છે, ‘દોસ્તો, હું સમજું છું કે આપણે બધા જીવનમાં ભૂલો કરીએ છીએ, પરંતુ જ્યારે આપણે કરીએ ત્યારે એક સરળ શબ્દ છે જેમાં શક્તિ હોય છે : સૉરી. જો દિલજિતે કોઈ ભૂલ કરી હોય તો આપણે બધા માફ કરવા તૈયાર છીએ, પરંતુ તેમણે માફી માગવી જોઈએ અને ફિલ્મમાંથી તમામ આપત્તિજનક દૃશ્યો હટાવવાં જોઈએ. બસ આટલું જ. કોઈ નફરત નહીં. ફક્ત સન્માન. દેશ પહેલાં!’

