સેન્સર બોર્ડે ૨૧ કટ પછી આપ્યું સર્ટિફિકેટ, એમાં ૪ મોટા ફેરફારો : ‘ધુરંધર : ધ રિવેન્જ’ને સેન્સર બોર્ડ તરફથી A (ઍડલ્ટ ઓન્લી) સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે જેને કારણે ૧૮ વર્ષથી ઓછી ઉંમરના લોકો આ ફિલ્મ જોઈ શકશે નહીં
ફિલ્મ આજથી સિનેમાઘરમાં રિલીઝ થઈ છે
દેશના જ નહીં, વિશ્વભરના દર્શકો આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આજે દેશભરમાં ફિલ્મ રિલીઝ થઈ એ પહેલાં ગઈ કાલે એના પેઇડ પ્રિવ્યુ રાખવામાં આવ્યા હતા. આ દરમ્યાન ફિલ્મનો સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)નો રિપોર્ટ ઑનલાઇન સામે આવ્યો છે જેમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
સર્ટિફિકેશન રિપોર્ટ અનુસાર CBFCએ કુલ ૨૧ મોટા ફેરફારોમાંથી ૪ માટે ખાસ સૂચનો આપ્યાં હતાં, જેમાં ભારે હિંસક દૃશ્યોનો સમાવેશ થતો હતો. આમાં ‘આંખ ફોડવી’, ‘માથું કાપવું અને લાત મારવી’, ‘માથા પર સિમેન્ટના બ્લૉકથી હુમલો કરવો’ અને ‘માથા પર હથોડાથી પ્રહાર કરવો’ જેવાં દૃશ્યોમાં ઘટાડો કરવાનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે સબટાઇટલ્સમાં નોટબંધીની તારીખો સુધારી દેવામાં આવી છે તેમ જ માહિતી દર્શાવતી ટેક્સ્ટમાં ‘લાહોર’ની જગ્યાએ ‘દિલ્હી’ કરવામાં આવ્યું છે.
સર્ટિફિકેશન માહિતી અનુસાર ફિલ્મને ‘A’ રેટિંગ આપવામાં આવ્યું છે અને ભારતમાં એનો ફાઇનલ રનટાઇમ ૩ કલાક ૪૯ મિનિટ છે. સેન્સર બોર્ડના કટ્સ બાદ હવે ભારતમાં રિલીઝ થયેલું વર્ઝન વિદેશમાં રિલીઝ થનારા ૩ કલાક પંચાવન મિનિટના વર્ઝન કરતાં ૬ મિનિટ નાનું છે.
