પહેલી જાન્યુઆરીથી દેશભરનાં થિયેટર્સમાં દર્શાવવામાં આવી રહ્યું છે રિવાઇઝ્ડ વર્ઝન, રણવીર સિંહની ‘ધુરંધર’માં એક વિવાદાસ્પદ ડાયલૉગને લઈને ફેરફાર કરવામાં આવ્યો છે.
ધુરંધરમાંથી બલોચની બાદબાકી
માહિતી અને પ્રસારણ મંત્રાલયના આદેશને પગલે ‘ધુરંધર’ ફિલ્મના નિર્માતાઓએ ડિજિટલ સિનેમા પૅકેજ (DCP)માં ફેરફાર કર્યા છે. આમાં બે શબ્દો મ્યુટ કરવામાં આવ્યા છે અને એક ડાયલૉગમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફારમાં ખાસ કરીને ‘બલોચ’ શબ્દને મ્યુટ કરી દેવામાં આવ્યો છે. પહેલી જાન્યુઆરીથી દેશભરનાં થિયેટર્સમાં આ રિવાઇઝ્ડ વર્ઝન દર્શાવવામાં આવી રહ્યું છે. જોકે આ ફેરફારથી ફિલ્મની વાર્તા કે લંબાઈ પર કોઈ અસર નથી પડી.
રણવીર સિંહની ‘ધુરંધર’માં એક વિવાદાસ્પદ ડાયલૉગને લઈને ફેરફાર કરવામાં આવ્યો છે. ફિલ્મમાં પાકિસ્તાની પોલીસ-ઑફિસર અસલમ ચૌધરીના રોલમાં સંજય દત્ત દ્વારા બોલાયેલો ડાયલૉગ ‘મગરમચ્છ પર ભરોસા કર સકતે હૈં, પર બલોચ પર નહીં’માં ફેરફાર થયો છે. રિયલ લાઇફમાં બલોચ સમુદાયને એ અપમાનજનક લાગ્યો હતો. આ ડાયલૉગને હેટ-સ્પીચ ગણીને ગુજરાતમાં રહેતા બલોચ સમુદાયે વિરોધ કર્યો હતો અને એને કાયમી ધોરણે દૂર કરવા તેમ જ નિર્દેશક વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરીને હાઈ કોર્ટમાં અરજી કરી હતી. જોકે કોર્ટે જણાવ્યું હતું કે આ ડાયલૉગ કાલ્પનિક પાત્રનો વ્યક્તિગત મત છે અને અરજીકર્તાઓએ સાબિત કરવું પડશે કે તેમને આનાથી વ્યક્તિગત રીતે કયું નુકસાન થયું છે.


