કર્ણાટકના ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ ૧૦ ઓવરમાં ૨૩ રન આપીને ૨ વિકેટ લીધી હતી.
ઓપનર કામરાન ઇકબાલે ૧૧ ફોર અને ૧ સિક્સની મદદથી ૧૬૦ બૉલમાં અણનમ ૯૪ રન કર્યા હતા.
હુબલીમાં રમાતી રણજી ટ્રોફી ૨૦૨૫-’૨૬ની ફાઇનલમાં દબદબો જાળવી રાખીને જમ્મુ ઍન્ડ કાશ્મીર પોતાના પહેલવહેલા રણજી ટાઇટલની લગોલગ પહોંચી ગયું છે. જમ્મુ ઍન્ડ કાશ્મીરના પ્રથમ ઇનિંગ્સના ૫૮૪ રનના સ્કોરના જવાબમાં યજમાન કર્ણાટક ૯૩.૩ ઓવરમાં ૨૯૩ રન કરીને ઑલઆઉટ થઈ ગયું હતું. એનાથી જમ્મુ ઍન્ડ કાશ્મીરને ૨૯૧ રનની લીડ મળી હતી. ફૉલો-ઑન લાગુ ન કરવાનો નિર્ણય લેનાર જમ્મુ ઍન્ડ કાશ્મીરે પોતાની સ્થિતિ મજબૂત કરી હતી. ચોથા દિવસના અંતે મહેમાન ટીમે બીજી ઇનિંગ્સની ૫૭ ઓવરમાં ૧૮૬-૪નો સ્કોર કરીને ૪૭૭ રનની જંગી લીડ મેળવી લીધી હતી. કર્ણાટકે ચોથા દિવસે ૭૦મી ઓવરમાં ૨૨૦-૫ના સ્કોરથી પોતાની ઇનિંગ્સ આગળ વધારી હતી. કર્ણાટક માટે તેના ઓપનર મયંક અગરવાલે ૨૬૬ બૉલમાં ૨૧ ફોરની મદદથી ૧૬૦ રન કર્યા હતા. એ સિવાય કોઈ બૅટ્સમૅન નોંધપાત્ર યોગદાન આપી શક્યો નહોતો. જમ્મુ ઍન્ડ કાશ્મીરના ફાસ્ટ બોલર આકિબ નબીએ ૨૩ ઓવરમાં ૫૪ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. વર્તમાન સીઝનમાં તેણે સાતમી વખત પાંચ પ્લસ વિકેટ ઝડપી હતી. તેના સિવાય ફાસ્ટ બોલરો સુનીલ કુમાર અને યુદ્ધવીર સિંહને ૨-૨ સફળતા મળી હતી. બીજી ઇનિંગ્સની શરૂઆતની ૨૦.૧ ઓવરમાં જમ્મુ ઍન્ડ કાશ્મીરે ૭૨ રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર કામરાન ઇકબાલે ૧૧ ફોર અને ૧ સિક્સની મદદથી ૧૬૦ બૉલમાં અણનમ ૯૪ રન કરીને ટીમની ઇનિંગ્સને સ્થિરતા આપી હતી. કર્ણાટકના ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ ૧૦ ઓવરમાં ૨૩ રન આપીને ૨ વિકેટ લીધી હતી.
