એકતા શાહની સિદ્ધિથી તેના પપ્પા અર્જુન શાહ અને મમ્મી લતા શાહની ખુશીનો કોઈ પાર નથી
એકતા શાહ
નામ આપ્યાં દૃષ્ટિ, શ્રવણ, સુરભિ, રુચિ, સ્પર્શ અને સ્મૃતિ ઃ આણંદમાં ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કર્યા બાદ વડોદરા અને મુંબઈ IIT માં કર્યો ઉચ્ચ અભ્યાસ ઃ યુનિવર્સિટી ઑફ કૅલિફૉર્નિયા, ડેવિસમાં NASA અનુદાનિત ફેલોશિપ મેળવીને અંતરીક્ષમાં છ નવી આકાશગંગાના સમૂહ શોધી કાઢ્યા
મધ્ય ગુજરાતના આણંદમાં રહેતા મધ્મયવર્ગીય પરિવારની પુત્રી એકતા શાહે સફળતા સાથે સિદ્ધિ મેળવી છે. ઍસ્ટ્રોનૉમર એકતા શાહે અમેરિકાની યુનિવર્સિટી ઑફ કૅલિફૉર્નિયા, ડેવિસમાં નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન (NASA-નાસા) અનુદાનિત ફેલોશિપ મેળવીને અંતરીક્ષમાં છ નવી આકાશગંગાના સમૂહને શોધ્યા છે એટલું જ નહીં, આ છ નવા આકાશગંગા સમૂહને દૃષ્ટિ, શ્રવણ, સુરભિ, રુચિ, સ્પર્શ અને સ્મૃતિ જેવાં ભારતીય નામો આપીને એક અલગ ઓળખ આપી છે.
ADVERTISEMENT
એકતાએ આણંદમાં ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કર્યા બાદ વડોદરા અને ત્યાર બાદ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT)-બૉમ્બે માં ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ અમેરિકાની રૉચેસ્ટર યુનિવર્સિટીમાં ઍસ્ટ્રોફિઝિક્સમાં ડૉક્ટર ઑફ ફિલોસૉફી (PhD)નો અભ્યાસ કરવા ગઈ હતી જ્યાં એકતા શાહને નાસા દ્વારા અનુદાનિત પ્રોજેક્ટમાં કામ કરવાની તક મળી હતી. ભારત પરત ફરેલી એકતા શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં જે શોધ કરી એ બ્રહ્માંડના બાળપણના સમયની ગૅલેક્સીઓની છે. બહુ ઓછી આવી રચનાઓ શોધાઈ છે. મારું સંશોધન બે ગૅલૅક્સી અથડાયા બાદ એની અસરો પર આધારિત હતું. સંશોધન દરમ્યાન આકાશમાં બ્રહ્માંડના બાળપણમાં રહેલા ગૅલૅક્સીના છ નવા સમૂહો શોધી કાઢ્યા હતા. આ નવા છ સમૂહને દૃષ્ટિ, શ્રવણ, સુરભિ, રુચિ, સ્પર્શ અને સ્મૃતિ નામ આપ્યાં હતાં. આ નામો આપવા પાછળનું કારણ એ હતું કે આવી કોઈ પણ શોધ જ્યારે થાય છે ત્યારે ઘણા લોકો પોતાનું નામ આપતા હોય છે, પરંતુ મેં વિચાર્યું કે આ શોધ પાછળ બધા રિલેટ કરી શકે એવાં નામ રાખીએ કેમ કે એક રીતે આપણે બ્રહ્માંડનો ભાગ છીએ. આપણી પાસે ઇન્દ્રિયો અને ચેતના છે. એના મારફત આપણે બ્રહ્માંડનું આટલુંબધું જાણી શકીએ છીએ. જો તમે તમારી ઇન્દ્રિયોનો પ્રૉપર ઉપયોગ કરો, પ્રૉપર ડિરેક્શનમાં ફોકસ કરો તો જાણી શકો છો. આપણી ચેતના છે એનાથી બ્રહ્માંડ સાથે કનેક્ટ થઈએ છીએ એટલે આ નામ આપ્યાં છે.’
અમેરિકામાં સિદ્ધિ મળ્યા બાદ નામ, કામ અને દામ મળ્યાં છે તેમ છતાં એકતા શાહ સ્વદેશ પરત ફરી છે. એની પાછળનું કારણ જણાવતાં એકતા શાહે કહ્યું હતું કે ‘ત્યાં વધારે ઑપોર્ચ્યુનિટી મળે, ફાઇનૅન્શિયલ વધારે બેટર પણ મને થયું કે હું દેશ પરત ફરું. મારું રિસર્ચ અહીંથી પણ કરી શકું છું. આપણે ત્યાં ઇન્ક્રેડિબલ ટૅલન્ટ છે. મને આપણા દેશમાં સારું ગાઇડન્સ મળ્યું છે. ઘણી વસ્તુઓ આપણા આત્માના ગ્રોથ માટે જરૂરી છે અને એ ભારતમાં છે. મારે ભારતમાં મારો રોલ કરવો છે એટલે હું પરત ફરી છું. આપણાં બાળકોમાં કેવી રીતે સાયન્ટિફિક અભિગમ કેળવાય, પોતાનામાં રહેલી પ્રતિભાનો ગ્રોથ કરીને સોસાયટીના પ્રૉબ્લેમ સૉલ્વ કરે, પોતે આગળ આવે અને સોસાયટીને આગળ લાવે એવી ટ્રાય કરવી છે.’
એકતા શાહની સિદ્ધિથી તેના પપ્પા અર્જુન શાહ અને મમ્મી લતા શાહની ખુશીનો કોઈ પાર નથી. અર્જુન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એકતાએ આણંદની શાળામાં ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કર્યો હતો. એ પછી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી ગ્રૅજ્યુએશન કર્યું. ત્યાર બાદ IIT-બૉમ્બેમાં પોસ્ટ-ગ્રૅજ્યુએશન કર્યું હતું. એ પછી અમેરિકાની રૉચેસ્ટર યુનિવર્સિટીમાં ઍસ્ટ્રોફિઝિક્સમાં PhD કરવા ગઈ હતી. તે જ્યારે નાની હતી ત્યારે અમને એવી કલ્પના નહોતી કે અમારી દીકરી આ લેવલે પહોંચશે અને સિદ્ધિ મેળવશે. અમારી દીકરી પર અમને ગર્વ છે.’
