શૂટિંગ પૂરું થયાના એક અઠવાડિયા પછી ખઈકે પાન બનારસવાલા... ગીત ઉમેરાયું જે ટ્રમ્પ-કાર્ડ સાબિત થયું
‘ખઈકે પાન બનારસવાલા...’ સોંગમાં અમિતાભ બચ્ચન
ચંદ્ર બારોટે પોતાની ડિરેક્ટર તરીકેની કરીઅરની શરૂઆત ‘ડૉન’થી કરી હતી. તેમણે એક ઇન્ટરવ્યુમાં આ ફિલ્મ બનવાનો આખો ઘટનાક્રમ જણાવ્યો છે. એમાં તેમણે કહ્યું હતું કે ‘હું ‘રોટી કપડા ઔર મકાન’માં અસિસ્ટન્ટ ડિરેક્ટર હતો અને નરીમાન ઈરાનીએ એમાં સિનેમૅટોગ્રાફરની જવાબદારી નિભાવી હતી. આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન અમિતાભ બચ્ચન, ઝીનત અમાન અને હું મિત્રો બન્યાં. નરીમાન ઈરાની પછી પ્રોડ્યુસર બન્યા અને તેમણે બે ફિલ્મો પ્રોડ્યુસ કરી હતી. તેમની પહેલી ફિલ્મ હતી સુનીલ દત્ત સાથેની ‘ઝિંદગી ઝિંદગી’ તથા બીજી હતી અમિતાભ બચ્ચનની ‘ડૉન’. ફિલ્મ ‘ઝિંદગી ઝિંદગી’ ખરાબ રીતે બૉક્સ-ઑફિસ પર પીટાઈ ગઈ હતી અને એ સમયે નરીમાન ઈરાની પર ૧૨ લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. નરીમાન ઈરાનીને આર્થિક તંગીમાંથી બહાર લાવવા માટે અમિતાભ બચ્ચન, ઝીનત અમાન, મેં તથા મનોજકુમારે તેમને એક બીજી ફિલ્મ બનાવવાનું કહ્યું હતું. આ બીજી ફિલ્મ એટલે ‘ડૉન’. નરીમાન ઈરાનીનાં પત્ની હેરડ્રેસર હતાં અને તેઓ લેખક સલીમ ખાનને જાણતાં હતાં. આ કારણે તેમણે સલીમ ખાનને પતિ માટે ફિલ્મની સ્ક્રિપ્ટ લખવાની વિનંતી કરી. સલીમ પાસે તૈયાર વાર્તા નહોતી, પણ તેમણે કહ્યું કે એક સ્ક્રિપ્ટ છે જેને કોઈ સમજતું નથી. આ સાંભળીને મેં કહ્યું કે અમને આનાથી કોઈ ફરક પડતો નથી, અમને માત્ર ફિલ્મના પોસ્ટર પર ‘સલીમ-જાવેદ’ લખેલું જોઈએ છે. એ સ્ક્રિપ્ટ તૈયાર હતી અને અમે એને લઈને તરત એના પરથી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. એ સ્ક્રિપ્ટનું નામ પણ નક્કી નહોતું અને એને ઇન્ડસ્ટ્રીમાં ‘ડૉનવાલી સ્ક્રિપ્ટ’ તરીકે ઓળખવામાં આવતી હતી.’
‘ડૉન’માં ડબલ રોલ કરવા માટે અમિતાભ બચ્ચનની પસંદગીના કારણની ચર્ચા કરતાં ચંદ્ર બારોટે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘ડૉન’ ફિલ્મની ઑફર ધર્મેન્દ્ર, જિતેન્દ્ર અને દેવ આનંદ સહિત ટોચના બીજા કેટલાક સ્ટાર્સને કરવામાં આવી હતી, પણ બધાએ આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી. આખરે અમિતાભે આ ફિલ્મમાં કામ કરવાની તૈયારી બતાવી હતી. જોકે ‘ડૉન’નું શૂટિંગ પૂરું થાય એ પહેલાં નિર્માતા નરીમાન ઈરાનીનું આકસ્મિક મૃત્યુ થયું. તેમના મૃત્યુ પછી ફિલ્મ સાથે સંકળાયેલા લોકોએ ફિલ્મને આગળ વધારવા માટે ભંડોળ એકઠું કર્યું અને આ રીતે માંડ-માંડ ‘ડૉન’ બની. આ ફિલ્મ ૧૯૭૮ની ૧૨ મેએ રિલીઝ થઈ હતી. ‘ડૉન’ની સફળતામાં ‘ખઈકે પાન બનારસવાલા...’ ગીતનો મોટો ફાળો હતો, પણ નવાઈની વાત એ છે કે ઓરિજિનલ પ્લાન મુજબ એ ફિલ્મમાં હતું જ નહીં. ચંદ્ર બારોટે જ્યારે ફિલ્મ મનોજકુમારને દેખાડી ત્યારે તેમને લાગ્યું કે ફિલ્મ ખૂબ જ ગંભીર છે એટલે તેમણે સેકન્ડ હાફમાં કંઈક હળવાશ ઉમેરવાનું સૂચન કર્યું. એને પગલે શૂટિંગ સંપૂર્ણપણે પૂરું થયાના એક અઠવાડિયા પછી ‘ખઈકે...’નું શૂટિંગ કરવામાં આવ્યું. ૭૦ લાખમાં બનેલી આ ફિલ્મે ૭ કરોડની કમાણી કરી. આ તમામ કમાણી નરીમાન ઈરાનીનાં પત્નીને આપવામાં આવી જેમાંથી તેમણે પતિનું સંપૂર્ણ દેવું ચૂકવી દીધું હતું.
ADVERTISEMENT
ખઈકે... મૂળ તો બનારસી બાબુ માટે હતું
‘ખઈકે પાન બનારસવાલા...’ મૂળ તો દેવ આનંદની ફિલ્મ ‘બનારસી બાબુ’ માટે રેકૉર્ડ થયું હતું, પણ પછી ફિલ્મ માટે એ યોગ્ય નહીં લાગતાં એને પડતું મુકાયું હતું


