આવીબધી શરતોને કારણે પ્રભાસની સ્પિરિટમાંથી દીપિકાની હકાલપટ્ટી
દીપિકા પાદુકોણ
થોડા સમય પહેલાં સમાચાર હતા કે ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની પ્રભાસને ચમકાવતી ફિલ્મ ‘સ્પિરિટ’માં દીપિકા પાદુકોણને ૨૦ કરોડ રૂપિયા જેટલી મસમોટી ફી આપીને સાઇન કરી લેવામાં આવી છે. આ ફિલ્મ ઇન્ટરનૅશનલ લેવલને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહી છે. જોકે હવે ખબર છે કે આ ફિલ્મમાંથી દીપિકાને પડતી મૂકવામાં આવી છે. રિપોર્ટ પ્રમાણે દીપિકા અને ફિલ્મનિર્માતાઓ વચ્ચે વાતચીત બહુ સારી રીતે આગળ વધી રહી હતી, પણ પછી દીપિકાએ મૂકેલી કેટલીક શરતો ફિલ્મના મેકર્સને યોગ્ય ન લાગતાં આખરે આ ફિલ્મમાં તેને સાઇન કરવાનો નિર્ણય પડતો મૂકવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મમાં કામ કરવા માટે દીપિકાએ પોતાની ફી ઉપરાંત નફામાં હિસ્સેદારી માગી હતી, તેલુગુમાં ડાયલૉગ્સ બોલવાનો ઇનકાર કર્યો હતો અને કામના કલાકોની મર્યાદા જેવી કેટલીક શરતો મૂકી હતી.
દીપિકાની આ શરતો ફિલ્મના ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાને પસંદ નહોતી પડી અને તેમણે જ દીપિકાને સાઇન ન કરવાનો નિર્ણય લીધો હતો. જોકે આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ. ‘ઍનિમલ’ પછી સંદીપ રેડ્ડી વાંગાની રિલીઝ થનારી આ પહેલી ફિલ્મ હશે એટલે આ ફિલ્મ માટે તેમના ફૅન્સમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
દીપિકાને સ્પિરિટનું નુકસાન, પણ AA22×A6નો ફાયદો
ચર્ચા છે કે દીપિકાની શરતોને કારણે તેના હાથમાંથી પ્રભાસની ‘સ્પિરિટ’ સરકી ગઈ છે, પણ મળતી માહિતી પ્રમાણે તેને અલ્લુ અર્જુનની ૭૦૦ કરોડ રૂપિયાના બજેટવાળી નવી ઍક્શન મૂવી ‘AA22×A6’ મળી ગઈ છે. ઍટલીની આ ફિલ્મમાં દીપિકા અને અલ્લુ અર્જુનની જોડી પહેલી વખત ઑનસ્ક્રીન જોવા મળશે. દીપિકા આ પહેલાં પણ ઍટલી સાથે ‘જવાન’માં કામ કરી ચૂકી છે એટલે તેમની વચ્ચે સારો તાલમેલ છે. અલ્લુ અર્જુન આ મૂવીમાં પ્રથમ વખત ડબલ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં દીપિકા ઉપરાંત મૃણાલ ઠાકુર અને જાહ્નવી કપૂર પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. ‘કિંગ’નું શૂટિંગ પૂર્ણ કર્યા બાદ દીપિકા પાદુકોણ ‘AA22×A6’નું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મનું નામકરણ હજી નથી થયું પણ અલ્લુ અર્જુન (AA)ની આ બાવીસમી ફિલ્મ છે અને ઍટલી (A)ની છઠ્ઠી ફિલ્મ છે એટલે એને કામચલાઉ ધોરણે AA22xA6 નામ આપવામાં આવ્યું છે.


