પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ આરોપ મૂક્યો છે કે ઇવેન્ટમાં બીફ પાર્ટી કરવામાં આવી અને હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરવામાં આવ્યું
દાનિશ કનેરિયા અને હૃતિક રોશન
પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ હૃતિક રોશન પર બહુ મોટો આરોપ લગાવ્યો છે. દાનિશે હાલમાં હૃતિકે અમેરિકામાં કરેલી ટૂરની જાહેરમાં ટીકા કરી છે. આ કાર્યક્રમ રામનવમીએ અમેરિકાના હ્યુસ્ટનમાં ‘રંગોત્સવ’ના નામે યોજાયો હતો. દાનિશ કનેરિયાએ આરોપ લગાવ્યો છે કે હૃતિકે એવા કાર્યક્રમમાં પર્ફોર્મન્સ આપ્યો જેની સાથે ચરમપંથી અને ખાલિસ્તાન સમૂહ સાથે જોડાયેલા લોકો પણ સંકળાયેલા હતા. આ એવા લોકો છે જેમના પર ભારત સરકારે બૅન મૂક્યો છે.
દાનિશે સોશ્યલ મીડિયામાં આરોપ મૂક્યો છે કે ઇવેન્ટ દરમ્યાન ‘બીફ પાર્ટી’ કરવામાં આવી અને હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરવામાં આવ્યું. તેણે આવતા મહિને આ જ ગ્રુપ સાથે પર્ફોર્મ કરનારા ગાયક શાન વિશે પણ ચિંતા વ્યક્ત કરી છે. એ પછી દાનિશે ભારતીય ગૃહ મંત્રાલયને યોગ્ય કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે.
દાનિશ કનેરિયાના આ આરોપ પછી હૃતિક કે શાન તરફથી કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું. દાનિશ કનેરિયા મૂળ ગુજરાતી હિન્દુ છે. તે ઇન્ટરનૅશનલ સ્તરે પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરનાર હિન્દુ છે.
દાનિશના આરોપ પહેલાં પણ હૃતિકની ઇવેન્ટની સોશ્યલ મીડિયા પર બહુ ટીકા થઈ હતી. આ ઇવેન્ટ માટે લોકોએ સારી એવી રકમ ખર્ચી હોવા છતાં તેમને હૃતિક સાથેનો ફોટો મળી શક્યા નહોતા. આ ઇવેન્ટમાં બીફ અને શરાબ-વેચાણના વિડિયો પણ વાઇરલ થયા છે.


