Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > માંડ-માંડ બચ્યો એ.આર. રહેમાનનો દીકરો! ચેન્નાઈમાં કાર અકસ્માતમાં ઘાયલ થયો એ.આર. અમીન

માંડ-માંડ બચ્યો એ.આર. રહેમાનનો દીકરો! ચેન્નાઈમાં કાર અકસ્માતમાં ઘાયલ થયો એ.આર. અમીન

Published : 10 August, 2026 01:24 PM | IST | Chennai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

AR Ameen Car Accident: ચેન્નાઈના ગિન્ડીમાં ઓલિમ્પિયા ટેક પાર્ક નજીક સંગીતકાર એ.આર. રહેમાનના પુત્ર એ.આર. અમીનની કાર એક કેબ સાથે અથડાતાં તેને સામાન્ય ઈજા થઈ હતી; પોલીસ આ અકસ્માતની તપાસ કરી રહી છે; અકસ્માત સર્જાયો ત્યારે યંગ મ્યુઝિશિયન સાથે હતો એક મિત્ર

એ.આર. રહેમાન દીકરા એ.આર. અમીન સાથે

એ.આર. રહેમાન દીકરા એ.આર. અમીન સાથે


ઓસ્કાર વિજેતા સંગીતકાર એ.આર. રહેમાન (AR Rahman) ના પુત્ર અને પ્લેબેક સિંગર એ.આર. અમીન (AR Ameen) સોમવાર, ૧૦ ઓગસ્ટના રોજ વહેલી સવારે ચેન્નાઈ (Chennai) ના ગિન્ડી (Guindy) વિસ્તારમાં એક કેબ સાથે તેમની કાર અથડાતાં અકસ્માતનો ભોગ બન્યા હતા. આ ઘટનામાં તેઓ સામાન્ય ઈજાઓ સાથે ઉગરી ગયા છે. ઓલિમ્પિયા ટેક પાર્ક (Olympia Tech Park) ટ્રાફિક સિગ્નલ નજીક આ અકસ્માત સર્જાયો ત્યારે યંગ મ્યુઝિશિયન તેમના મિત્ર સાથે મુસાફરી કરી રહ્યા હતા. બંનેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપી દેવામાં આવી હતી.

ઓલિમ્પિયા ટેક પાર્ક નજીક મોડી રાત્રે અથડામણ



પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના (AR Ameen Car Accident) સોમવારે સવારે ૩:૩૦ વાગ્યાની આસપાસ બની હતી જ્યારે અમીન અને તેમના મિત્ર ગિન્ડી તરફ કાર લઈને જઈ રહ્યા હતા. તેમની કાર જ્યારે ઓલિમ્પિયા ટેક પાર્ક સિગ્નલ નજીક પહોંચી ત્યારે એક બાજુના રોડ પરથી આવી રહેલી કેબ સાથે તેમની કારની જોરદાર ટક્કર થઈ હતી.


અથડામણના કારણે બંને વાહનોને મોટું નુકસાન થયું હતું. અકસ્માત ગંભીર હોવા છતાં, કારની અંદર રહેલા સેફ્ટી ફીચર્સના કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને કારમાં સવાર બંને લોકોને માત્ર મામૂલી ઈજાઓ પહોંચી હતી.

હોસ્પિટલમાં સારવાર બાદ ડિસ્ચાર્જ કરાયા


અકસ્માત બાદ ઇમરજન્સી સેવાઓએ અમીન અને તેમના મિત્રને ચેન્નાઈની કાવેરી હોસ્પિટલ (Kauvery Hospital) ખસેડ્યા હતા. તબીબોએ બંનેની પ્રાથમિક તપાસ કરી ઈજાઓની સારવાર કર્યા બાદ સોમવારે સવારે જ તેમને ડિસ્ચાર્જ કરી દીધા હતા.

અકસ્માતમાં સામે સામે ભટકાએલી કેબમાં સવાર એક મુસાફરને પણ મામૂલી ઈજાઓ થઈ હતી. સત્તાવાળાઓએ તે મુસાફરને તબીબી તપાસ માટે કલાઈગ્નાર સેન્ટેનરી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાંથી સારવાર બાદ તેમને પણ રજા આપી દેવામાં આવી હતી.

ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી

ચેન્નાઈ સિટી પોલીસના અડયાર ટ્રાફિક ઇન્વેસ્ટિગેશન વિંગે આ મામલે કેસ નોંધીને વિધિવત તપાસ શરૂ કરી છે. પોલીસ અધિકારીઓએ અકસ્માત સ્થળનું નિરીક્ષણ કર્યું હતું, આસપાસના સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજ એકત્ર કર્યા હતા અને ટેકનિકલ તપાસ માટે બંને ક્ષતિગ્રસ્ત વાહનોને કબજે લીધા હતા.

મોડી રાત્રે બનેલી આ ઘટનામાં વધુ પડતી સ્પીડ, ટ્રાફિક સિગ્નલનો ભંગ કે વિઝિબિલિટી (દ્રશ્યતા) નો અભાવ જવાબદાર હતો કે કેમ તે જાણવા માટે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ચાલુ તપાસના ભાગરૂપે બંને વાહનોના ડ્રાઇવરો અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો નોંધવામાં આવશે.

એ.આર. અમીન વિશે

૬ જાન્યુઆરી, ૨૦૦૩ના રોજ જન્મેલા એ.આર. અમીન સંગીતકાર એ.આર. રહેમાન અને સાયરા બાનો (Saira Banu)ના પુત્ર છે. તેમણે નાની ઉંમરે જ પોતાના પિતાના માર્ગદર્શન હેઠળ ગાવાનું શરૂ કર્યું હતું. તેમણે ૨૦૧૫માં મણિરત્નમ (Mani Ratnam)ની ફિલ્મ `ઓ કાધલ કણમણી` ના `મૌલા વા સલ્લિમ` ગીતથી બાળ ગાયક તરીકે પોતાના મ્યુઝિક કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે `૨.૦` જેવી ફિલ્મો અને સ્વતંત્ર સિંગલ્સ પ્રોજેક્ટ્સ પર કામ કર્યું છે. ૨૦૧૯માં તેમણે `સાગો` (Sago) ગીત દ્વારા સોંગ પ્રોડક્શન ક્ષેત્રે ડેબ્યૂ કર્યું હતું.

અમીને આ વર્ષની શરૂઆતમાં જસલીન રોયલ (Jasleen Royal) સાથે `ભીગી ભીગી` ગીત દ્વારા બોલિવૂડમાં પ્લેબેક સિંગર તરીકે ડેબ્યૂ કર્યું હતું, જેમાં અભિનેતા દુલકર સલમાન અને અભિનેત્રી મૃણાલ ઠાકુર જોવા મળ્યા હતા. તેઓ સ્વતંત્ર મ્યુઝિક પ્લેટફોર્મ `રૂહ રેકોર્ડ્સ` (Rooh Records) સાથે પણ જોડાયેલા છે, જે એ.આર. રહેમાન, એ.આર. અમીન અને વોર્નર મ્યુઝિક ઇન્ડિયા વચ્ચેનું નવું સંયુક્ત સાહસ (Joint venture) છે.

Whatsapp-channel Whatsapp-channel

10 August, 2026 01:24 PM IST | Chennai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK