ફિલ્મમેકર માને છે કે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં હજી સારી વાર્તાઓ પર કામ થઈ રહ્યું છે અને એટલે જ તે બૅન્ગલોર શિફ્ટ થઈ ગયો છે
અનુરાગ કશ્યપ
બૉલીવુડના ટૅલન્ડેડ ફિલ્મમેકર અનુરાગ કશ્યપે કાયમ માટે બૉલીવુડ છોડીને સાઉથમાં શિફ્ટ થવાનો ચોંકાવનારો નિર્ણય લીધો છે. એક ઇન્ટરવ્યુમાં બૉલીવુડને ‘ટૉક્સિક’ ગણાવીને અનુરાગે કહ્યું છે કે ‘આ ઇન્ડસ્ટ્રી હવે સર્જનાત્મકતાને બદલે ફક્ત પૈસા પાછળ દોડી રહી છે. અહીં બધા ૫૦૦-૮૦૦ કરોડની ફિલ્મો બનાવવામાં વ્યસ્ત છે. મને નવું કંઈ કરવા મળી નથી રહ્યું એને કારણે હું ફિલ્મો બનાવવાનો ઉત્સાહ ગુમાવી બેઠો છું.’
અનુરાગ માને છે કે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં હજી સારી વાર્તાઓ પર કામ થઈ રહ્યું છે અને એટલે જ તે બૅન્ગલોર શિફ્ટ થઈ ગયો છે. પોતાની આ લાગણી પાછળનું કારણ જણાવતાં અનુરાગ કહે છે, ‘બૉલીવુડમાં માત્ર રીમેક બની રહી છે. ફિલ્મમેકર્સ કંઈ નવું કરવા નથી માગતા. હું આ માનસિકતાથી કંટાળી ગયો છું. એજન્સીઓ કલાકારોને સ્ટાર બનાવવાની અને પૈસા કમાવા માટે ગ્લૅમરની લાલચ આપી રહી છે. તેઓ ઍક્ટરને વર્કાશૉપમાં મોકલવાને બદલે જિમમાં મોકલવા માગે છે. હું એકલો એવો નથી જેણે કંટાળીને મુંબઈ છોડી દીધું હોય. મારા પહેલાં ઘણા ફિલ્મમેકર્સ આ શહેર છોડી ચૂક્યા છે.’

