ભક્તિગીત-ગાયિકાએ સોશ્યલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે
જાણીતાં ભક્તિગીત-ગાયિકા અનુરાધા પૌડવાલ
તાજેતરમાં સમગ્ર દેશમાં ખાસ કરીને ઉત્તર ભારતમાં કાવડયાત્રા ચાલી રહી હતી અને ૨૩ જુલાઈએ ઉત્તર ભારતમાં ઊજવાઈ રહેલા શ્રાવણ મહિનાની શિવરાત્રિના દિવસે ભગવાન શિવ પર જળાભિષેક કરીને એનું સમાપન કરવામાં આવ્યું છે. જોકે આ કાવડયાત્રા દરમ્યાન સોશ્યલ મીડિયા પર કાવડયાત્રાના અનેક વિડિયો વાઇરલ થયા, પરંતુ એક એવો વિડિયો સામે આવ્યો જેને જોઈને લોકોમાં ગુસ્સો ફેલાયો અને જાણીતાં ભક્તિગીત-ગાયિકા અનુરાધા પૌડવાલ બહુ દુખી થયાં છે અને સોશ્યલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે. વાઇરલ થયેલા આ વિડિયોમાં કેટલીક ડાન્સર્સ ટ્રૅક્ટરની સવારીમાં અશ્લીલ નૃત્ય કરતી જોવા મળી અને તેમની સાથે મોટી ભીડ પણ એકઠી થયેલી જોવા મળી. આ વિડિયો ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાનો હોવાનું કહેવાય છે. જોકે એની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
અનુરાધા પૌડવાલે આ વાઇરલ વિડિયો પર તીવ્ર નારાજગી વ્યક્ત કરી. તેમણે સોશ્યલ મીડિયા પર વિડિયોના કમેન્ટ-સેક્શનમાં લખ્યું, ‘કૃપા કરીને આ બકવાસ બંધ કરો. કાવડયાત્રા એ આસ્થાનું પ્રતીક છે, કોઈ ફૅશન-શો કે જાહેર તમાશો નથી.’


