રણબીર કપૂરની આ સાઇડને ક્યારેય કોઈ ડિરેક્ટરે એક્સપ્લોર નથી કરી, જે અહીં જોવા મળશે : ઍક્શન અને બૅકગ્રાઉન્ડ મ્યુઝિક પણ જોરદાર છે, પરંતુ ઇન્ટરવલ બાદ ફિલ્મ ધીમી અને વધુપડતી ઇમોશનલ બની ગઈ છે
`એનિમલ`માં રણબીર કપૂર
ઍનિમલ
કાસ્ટ : રણબીર કપૂર, અનિલ કપૂર, રશ્મિકા મંદાના, બૉબી દેઓલ
ADVERTISEMENT
ડિરેક્ટર : સંદીપ રેડ્ડી વાંગા
રિવ્યુ : ત્રણ સ્ટાર (ટાઇમ પાસ)
રણબીર કપૂરની ‘ઍનિમલ’ ગઈ કાલે થિયેટર્સમાં રિલીઝ થઈ હતી. સંદીપ રેડ્ડી વાંગાની સ્ટાઇલ છે કે તેની ફિલ્મમાં પુરુષોની દુનિયાને વધુ દેખાડવામાં આવે છે. એને કારણે તેની દરેક ફિલ્મને મિસૉજિનિસ્ટ અને મૅસ્ક્યુલિનિટીને લઈને સવાલ કરવામાં આવે છે. આ ફિલ્મની સ્ટોરી અને ડિરેક્શનની સાથે એનું એડિટિંગ પણ સંદીપે કર્યું છે. આ ફિલ્મ ત્રણ કલાક અને ૨૧ મિનિટની છે.
સ્ટોરી ટાઇમ
રણવિજય કહો કે વિજય એ પાત્ર રણબીર કપૂરે ભજવ્યું છે જે મલ્ટિ-મિલ્યનેર બિઝનેસમૅનનો છોકરો હોય છે. તે તેના પિતાને તેનો હીરો માનતો હોય છે. બાળપણથી તે તેના પિતાને કામ કરતા જોતો હોય છે અને તેના માટે ફક્ત તેના પિતાનો સમય મહત્ત્વનો હોય છે. આ ફિલ્મની સ્ટોરી ઍક્શન કે બદલા કરતાં એક પિતા-પુત્રના સંબંધની છે. વિજયના પિતા બલબીર સિંહનું પાત્ર અનિલ કપૂરે ભજવ્યું છે. તેના માટે તેની કંપની ફાઇનૅન્શિયલ યરમાં કેટલો પ્રૉફિટ કરે છે એ જ મહત્ત્વનું હોય છે. તેના માટે તેનાં બાળકો પ્રાયોરિટી નથી હોતાં. વિજય સ્કૂલમાં હોય છે ત્યારે એવું કંઈ કરે છે જેના કારણે તેને બોર્ડિંગ સ્કૂલમાં મોકલી દેવામાં આવે છે. તે જ્યારે સ્ટડી પૂરો કરીને ફરી તેના ઘરે આવે છે ત્યારે તેની બહેનના પતિ સાથે તેનો ઝઘડો થાય છે. આ ઝઘડાનું કારણ હોય છે કે તેને તેની બહેનનો પતિ પસંદ નથી હોતો. અહીંથી તેના અને તેના પિતા વચ્ચેના ઝઘડા વધે છે. ત્યાર બાદ તે ગીતાંજલિનું પાત્ર ભજવતી રશ્મિકા મંદાના સાથે લગ્ન કરીને અમેરિકામાં સેટ થઈ જાય છે. જોકે આઠ વર્ષ પછી તેના પિતાનું કોઈ મર્ડર કરવાની કોશિશ કરે છે. તે ફરી ઇન્ડિયા આવે છે અને ત્યાર બાદ તેના પિતાને મારવાની કોશિશ કરનારને મારી નાખવાનું વચન લે છે. ત્યાર બાદ શું થાય છે એ જોવું રહ્યું.
સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
સંદીપ વાંગાનું વિઝન છે એ જ તેણે સ્ટોરીમાં ઉતાર્યું, એની ફિલ્મ બનાવી અને એ જ એડિટ કર્યું. આ જ કારણ છે કે ફિલ્મને તેણે ત્રણ કલાક અને ૨૧ મિનિટ લાંબી બનાવી છે. ફિલ્મની સ્ટોરીનો મુખ્ય હેતુ પિતા-પુત્ર વચ્ચેનો સંબંધ છે. જોકે તેણે એમાં બદલો, પ્રેમ અને પરિવાર વચ્ચેના સંબંધ, ઘણી વસ્તુને સમાવી લેવાની કોશિશ કરી છે. આ સાથે જ તેણે કાસ્ટ અને ક્લાસ પર પણ કમેન્ટ કરવાની તક નથી છોડી. સંદીપની ફિલ્મોમાં હીરોનું પાત્ર ખૂબ જ કન્ટ્રોવર્શિયલ હોય છે. આ ફિલ્મ જોયા બાદ ઘણા લોકોને લાગશે કે ‘કબીર સિંહ’માં એટલા પ્રોબ્લેમ નહોતા જેટલા વિજયમાં છે.
સંદીપે સ્ટોરીમાં બૅલૅન્સ કરવા કરતાં તેને જે યોગ્ય લાગ્યું એ દેખાડવાની કોશિશ કરી છે. તેણે વિજયનું પાત્ર હોય કે પછી ગીતાંજલિ, બન્નેને એકસમાન દેખાડવાની કોશિશ કરી છે. વિજય જેટલું વાયલન્સ કરતો હોય છે એ જ રીતે ગીતાંજલિ પણ તેના પર હાથ ઉપાડતી જોવા મળી છે. જોકે બેમાંથી એક પણ એકમેક પર કારણસર હાથ ઉઠાવતાં હોય એવું નથી દેખાડવામાં આવ્યું. સંદીપનું એક ચોક્કસ વિઝન છે કે તેનાં બન્ને પાત્ર ખરાબ તો બન્ને ખરાબ અને સારાં તો બન્ને સારાં. આ બે પાત્ર વચ્ચેની વાત છે જેને ત્રીજો જજ નહીં કરી શકે. તેણે દરેક દૃશ્ય, દરેક ડાયલૉગ અને દરેક વસ્તુને ખૂલીને કહેવાની કોશિશ કરી છે. તેની ફિલ્મોમાં એક અલગ જ ગુસ્સો જોવા મળે છે અને આ ફિલ્મમાં રેજ એક અલગ જ લેવલ પર છે.
આ એક એવી ફિલ્મ છે કે ૨૦૦-૩૦૦ જણ બંદૂક લઈને બિલ્ડિંગમાં ઘૂસી આવે તો પોલીસ શું કરી રહી હતી એ વિચારવાને લાયક આ ફિલ્મ નથી. વિજયને કોઈ સમજી નથી શકતું એને તેણે ઇન્ટરવલ પહેલાંના પાર્ટમાં ખૂબ જ સારી રીતે દેખાડ્યું છે. તેનો રસ્તો ખોટો છે, પરંતુ તે જે બોલે છે એ એકદમ સાચું હોય છે અને એમ છતાં સમાજ તેને સમજી નથી શકતો. તેને હંમેશાં ચૂપ કરાવી દેવાય છે એનો ગુસ્સો વિજયમાં સતત વધતો જાય છે. પહેલો પાર્ટ સંદીપે ગજબનો બનાવ્યો છે. ઇન્ટરવલ દરમ્યાનની જે ઍક્શન સીક્વન્સ છે એ એકદમ ખતરનાક છે. ઇન્ટરવલ સુધી સ્ટોરી અને ડિરેક્શન પર સંદીપનો ગજબનો હોલ્ડ જોવા મળ્યો છે. જોકે ઇન્ટરવલ બાદ ફિલ્મનો ટેમ્પો ધીમો થયો અને એ સાઇડ ટ્રૅક પર સરકે છે. ઇન્ટરવલ સુધી તો બૉબી દેઓલની એન્ટ્રી પણ નથી થતી અને એથી એવું લાગે છે કે પહેલા પાર્ટમાં ફિલ્મ આટલી જોરદાર છે તો પછી બીજા પાર્ટમાં તો શું હશે. જોકે થોડી ડિસઅપૉઇન્ટમેન્ટ જરૂર થાય છે.
આ ડિસઅપૉઇન્ટમેન્ટનાં કારણો છે નકામાં દૃશ્ય અને લવ સ્ટોરી. પોતાની ફિલ્મ પોતાને ખૂબ જ પ્રિય હોય એથી એડિટિંગ ટેબલ પર તેને ફિલ્મ એડિટ કરવામાં તકલીફ પડી હોય એવું બની શકે છે. ફિલ્મનાં ઘણાં દૃશ્યો પર કાતર ચલાવી શકાત.
પર્ફોર્મન્સ
રણબીરને વિજયના પાત્રમાં જોવાનું ડરામણું છે. તેનું આ પાત્ર જોઈને તેની બાજુમાં ઊભા રહેવાનો પણ ડર લાગે, પરંતુ એક ઍક્ટર માટે આ સૌથી મોટી જીત છે. ટૉક્સિક વ્યક્તિત્વ ભજવનાર રણબીરનો પર્ફોર્મન્સ અદ્ભુત છે. તેને આ રીતે કોઈએ ક્યારેય નહીં જોયો હોય. તેની ઍક્ટિંગ અને તેની ઍક્શન એકદમ ટૉપ નૉચ છે. ફિલ્મની મોટા ભાગની ફ્રેમમાં તે છે અને તે અલગ-અલગ લુકમાં છે. માર્વલ સિનેમૅટિક યુનિવર્સમાં થાનોસ જ્યારે દુનિયાને ખતમ કરી નાખે છે ત્યાર બાદ થોરની જે હાલત હોય છે એવી હાલત અહીં રણબીરની પણ હોય છે. તેણે તેનાં ઇમોશન, તેની બૉડી લૅન્ગ્વેજ, તેની ઍક્શન દરેક માટે ખૂબ જ મહેનત કરી છે અને એ જોઈ શકાય છે. આ ફિલ્મમાં અનિલ કપૂરે તેના પિતાનુ પાત્ર ભજવ્યું છે. તેનું આ પાત્ર પણ લિમિટેડ છે. તેનું પાત્ર એ રીતે નથી લખવામાં આવ્યું કે તે પોતાની ઍક્ટિંગ ક્ષમતા દેખાડી શકે. આ સાથે જ શક્તિ કપૂર, પ્રેમ ચોપડા અને સુરેશ ઑબેરૉયને પણ નામપૂરતા લેવામાં આવ્યા છે.
‘ઍનિમલ’ કા વિલન તરીકે બૉબી દેઓલ હોય છે. તેના પાત્રને લઈને તેની સાથે તો દૂરની વાત પરંતુ દર્શકો સાથે પણ દગો થયો હોય એવું લાગે છે. આ ફિલ્મમાં તેનું પાત્ર એટલું જ છે જેટલું ફિલ્મના ટ્રેલરમાં દેખાડવામાં આવ્યું છે. બૉબી અલગ અવતારમાં દેખાશે એવી આશા ઠગારી નીવડે છે, કારણ કે તે ક્યારે આવ્યો ને ક્યારે ગયો દર્શકો એય નોટિસ નથી કરી શકતા.
રશ્મિકા મંદાના એક ઇન્ડિપેન્ડન્ટ મહિલા હોય છે. તેનું પાત્ર એકદમ આઇડિયલ છે. આઇડિયલ એટલા માટે, કારણ કે મોટા ભાગની ઇન્ડિપેન્ડન્ટ મહિલા આવી હોય છે. તેને પોતાને શું જોઈએ છે એ તો ખબર હોય છે, પરંતુ એમ છતાં તેના લાઇફ-પાર્ટનરને પ્રાયોરિટીમાં રાખે છે. તે તેનું બધું કહેલું માનતી હોય છે. તેના પતિ વિજયે જે સારું કર્યું હોય એનાં તે વખાણ પણ કરે છે અને ખરાબ કર્યું હોય તો તેને મારે પણ છે. તેના અને તેના પતિ વચ્ચેની વાતચીતને લઈને ઘણા લોકો વિરોધ કરી શકે છે, પરંતુ કોઈ માણસને કંઈ બોલવાનો આપણે હક આપીએ ત્યારે જ સામેવાળી વ્યક્તિ એ રીતે બોલતી હોય છે.
મ્યુઝિક
પર્ફોર્મન્સ અને ઍક્શન બાદ આ ફિલ્મનો સૌથી મોટો સ્ટ્રૉન્ગ પૉઇન્ટ હર્ષવર્ધન રામેશ્વરનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક છે. સ્ટાર્ટિંગમાં ‘છોટી સી આશા’ અને ‘રોજા જાનેમન’ ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિકથી લઈને ઍક્શન દૃશ્ય અને ઇમોશનલ દૃશ્ય દરેક મ્યુઝિક એકદમ અસરદાર છે.
એક જ ફાઇટમાં જેમ-જેમ ઍક્શન ચેન્જ થતી જાય એમ મ્યુઝિક પણ બદલાતું જાય છે. સાઉથ-નૉર્થ અને બૉલીવુડ દરેક સ્ટાઇલનું મ્યુઝિક એમાં આપવામાં આવ્યું છે એટલે કે સાઉથના બૅકગ્રાઉન્ડ મ્યુઝિકની જેમ પંજાબી ઢોલ અને મહારાષ્ટ્રના ઢોલ-તાશાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. મ્યુઝિકમાં જે શિફ્ટ આવતાં રહે છે એ ખૂબ જ જોરદાર છે. આ સાથે જ જે પણ ગીતનો સમાવેશ કરવામાં આવ્યો છે એ પણ સિચુએશન પ્રમાણે ખૂબ જ સારાં છે. ‘અરજન વેલી’, ‘પાપા મેરી જાન’ અને ‘સારી દુનિયા જલા દેંગે’ યાદ રહી જાય એવાં છે.
આખરી સલામ
આ ફિલ્મમાં ત્રિપ્તી ડિમરીનું પાત્ર નકામું ઍડ કર્યું હોય એવું લાગે છે અને સેકન્ડ પાર્ટમાં એને ખેંચવામાં પણ આવ્યું હોય એવું લાગે છે. જોકે ફિલ્મ પૂરી થયા બાદ પોસ્ટ ક્રેડિટ જે છે એ જોયા બાદ લાગે છે કે એ દૃશ્ય જરૂરી હતું. પોસ્ટ ક્રેડિટમાં ફિલ્મની સીક્વલ ‘ઍનિમલ પાર્ક’ની જાહેરાત કરવામાં આવી છે. આ પોસ્ટ ક્રેડિટ ખરેખર ખૂબ જ ઘાતકી છે અને એ કમજોર દિલના લોકો માટે નથી. ફિલ્મની પોસ્ટ ક્રેડિટ તો ફિલ્મ કરતાંય ખતરનાક છે.