અમ્રિતા રાવે પોતાનો અનુભવ જણાવતાં કહ્યું કે આના કારણે મેં મોટી ફિલ્મો ગુમાવી હતી
અમ્રિતા રાવ
અમ્રિતા રાવે હાલમાં એક પૉડકાસ્ટમાં ખુલાસો કર્યો છે કે એક તબક્કે બૉલીવુડમાં તેના પર બ્લૅક મૅજિક કરવામાં આવ્યું હતું જેના કારણે તેણે ૩ મોટી ફિલ્મો ગુમાવી દીધી હતી અને સાઇનિંગ અમાઉન્ટ મળ્યા પછી પણ આ ફિલ્મોનું શૂટિંગ થઈ શક્યું નહોતું.
આ મુદ્દે વાત કરતાં અમ્રિતાએ કહ્યું હતું કે ‘મારી કરીઅર બહુ સારી ચાલી રહી હતી ત્યારે એક તબક્કે હું મારા ગુરુને મળી. તેમણે મને આશીર્વાદ આપ્યા, પણ એના એક-બે દિવસ પછી તેમણે મારી માતા સાથે વાત કરી અને કહ્યું કે કોઈએ મારા પર બ્લૅક મૅજિક કર્યું છે. આ સાંભળીને મને આઘાત લાગ્યો. મેં મારા જીવનમાં ક્યારેય બ્લૅક મૅજિક જેવી બાબતોમાં વિશ્વાસ કર્યો નથી અને જો મારા ગુરુ સિવાય કોઈએ આ કહ્યું હોત તો કદાચ મેં આ વાત પર વિશ્વાસ ન કર્યો હોત. જોકે હું જાણું છું કે મારા ગુરુ એકદમ સાચા છે. તેમને કોઈ પણ વસ્તુનો લોભ નથી અને કંઈ પણ ગુમાવવાનો ડર નથી. તેણે મને ફક્ત સત્ય કહ્યું હતું. તેમની વાત સાંભળ્યા પછી મને સમજાયું કે કદાચ મારા પર બ્લૅક મૅજિક થયું હતું. મેં પહેલાં બીજી હિરોઇનો પાસેથી સાંભળ્યું હતું કે બૉલીવુડમાં બ્લૅક મૅજિક થાય છે. મારા જીવનમાં એક વળાંક ત્યારે આવ્યો જ્યારે મેં મોટાં બૅનર્સની ૩ મોટી ફિલ્મો સાઇન કરી અને આ ત્રણેય ફિલ્મો ક્યારેય બની નહીં. મેં સાઇનિંગ અમાઉન્ટ પણ લીધી હતી, પરંતુ એ પ્રોજેક્ટ્સ પડતા મૂકવામાં આવ્યા.’


