આ ફિલ્મને યુટ્યુબ પર ૭૦ કરોડ કરતાં વધારે વ્યુઝ મળ્યા છે.
અમિતાભ બચ્ચનની સૂર્યવંશમ
ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક તબક્કે ‘શોલે’નો ઉલ્લેખ ભારતીય સિનેમાની સૌથી વધારે લોકોએ જોઈ હોય એવી ફિલ્મ તરીકે થતો હતો. જોકે હવે આવી ફિલ્મ બની ગઈ છે ‘સૂર્યવંશમ.’ સેટમૅક્સ પર વારંવાર દર્શાવવામાં આવતી આ ફિલ્મે યુટ્યુબ પર ૭૦ કરોડ કરતાં વધારે વ્યુઝ મેળવ્યા છે અને એણે વ્યુઅરશિપના તમામ રેકૉર્ડ તોડી નાખ્યા છે. ‘શોલે’ જ્યારે રિલીઝ થઈ હતી ત્યારે ભારતમાં એની ૨૦ કરોડ કરતાં વધારે ટિકિટ વેચાઈ હતી અને વિદેશોમાં પણ એની લાખો ટિકિટોનું સેલિંગ થયું હતું. જોકે કેબલ ટીવી અને ઇન્ટરનેટના આગમન પછી આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આ સંજોગોમાં ‘સૂર્યવંશમ’ને અલગ જ સફળતા મળી છે.
અમિતાભ બચ્ચન અને સૌંદર્યાને મુખ્ય રોલમાં ચમકાવતી ૧૯૯૯માં રિલીઝ થયેલી આ ફિલ્મને એ સમયે બૉક્સ-ઑફિસમાં ખાસ સફળતા નહોતી મળી. એ સમયે એણે આખી દુનિયામાંથી કુલ ૧૨.૬૫ કરોડ રૂપિયાની જ કમાણી કરી હતી અને ભારતમાં એની ૪૦ લાખ કરતાં ઓછી ટિકિટ વેચાઈ હતી. ‘સૂર્યવંશમ’ને સૌથી વધારે વ્યુઅરશિપ યુટ્યુબમાંથી મળી છે. આ ફિલ્મને સત્તાવાર રીતે ગોલ્ડમાઇન્સ એન્ટરટેઇનમેન્ટ દ્વારા યુટ્યુબ પર અપલોડ કરવામાં આવી છે. ગોલ્ડમાઇન્સે ફિલ્મને ત્રણ અલગ-અલગ ચૅનલ પર અપલોડ કરી છે જેના અંદાજે કુલ ૭૦ કરોડ વ્યુઝ છે. બીજી ફિલ્મોની વાત કરીએ તો ‘શોલે’ને યુટ્યુબ પર બે મિલ્યન વ્યુઝ મળ્યા છે, જ્યારે ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ને એક મિલ્યનથી પણ ઓછા વ્યુઝ મળ્યા છે. જોકે ‘બાહુબલી ધ બિગિનિંગ’ને અંદાજે ૨૦ મિલ્યન જેટલા વધારે વ્યુ મળ્યા છે છતાં એ ‘સૂર્યવંશમ’થી તો બહુ ઓછા છે.

