૮૪ વર્ષના બિગ બીએ ફૅન્સ સાથે શૅર કરી તેમની સમસ્યા.
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન પોતાના અંગત બ્લૉગ દ્વારા અવારનવાર ચાહકોને પોતાના રોજિંદા જીવનની ઝલક આપતા રહે છે. પોતાની લેટેસ્ટ પોસ્ટમાં અમિતાભે ઊંઘ ન આવવાની સમસ્યા, ફરીથી નિયમિત જિમ જવાના પ્રયાસો અને ૮૪ વર્ષની ઉંમરે વ્યસ્ત કામકાજના સમયપત્રક સાથે તાલમેલ બેસાડવાના પડકારો વિશે વાત કરી છે.
અમિતાભે સોમવારે લખેલા બ્લૉગમાં લખાણના ફૉન્ટના કદ સાથે થઈ રહેલી મુશ્કેલી વિશે વાત કરી હતી. તેમણે લખ્યું હતું કે ‘બ્લૉગ લખતી વખતે અક્ષરોના ફૉન્ટના કદને લઈને હજી પણ મુશ્કેલી અનુભવી રહ્યો છું. જો કોઈને આ વિશે જાણકારી હોય તો મને સમજાવે. મેં ગૂગલ પર પણ શોધ્યું, પણ ત્યાં આપેલી સૂચનાઓ સમજી શક્યો નહીં.’
ADVERTISEMENT
અમિતાભે બ્લૉગમાં પોતાની ઊંઘ ન આવવાની સમસ્યાની વાત કરીને એ માટે અલગ-અલગ રીતો અજમાવવાનો પણ ઉલ્લેખ કર્યો હતો, પણ એમાંથી કોઈ રીત કામ લાગી નહોતી. આખરે તેમણે ચાદર ઓઢીને ગર્ભમાં રહેલા બાળકની જેમ શરીરને સંકોચીને સૂઈ જવાનો પ્રયાસ કર્યો, જેથી ઊંઘ આવી શકે.
અમિતાભે પોતાની ફિટનેસ-દિનચર્યા વિશે પણ વાત કરી હતી. તેમણે સ્વીકાર્યું કે છેલ્લા કેટલાક સમયથી જિમમાં જવાનું અનિયમિત બની ગયું છે. જોકે હવે તેઓ ફરીથી નિયમિત થવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે કામનું વ્યસ્ત સમયપત્રક તેમના શરીર અને મન બન્ને પર અસર કરે છે. તેથી હવે તેમણે પોતાની ફિટનેસ અને સ્વાસ્થ્ય પર થોડું વધુ ધ્યાન આપવું જરૂરી બન્યું છે. પોતાની સ્થિતિ વિશે અમિતાભે લખ્યું હતું કે ‘મન કહે છે કે હા, પણ શરીર કહે છે કે થોડી વાર થોભો દોસ્ત. વૃદ્ધાવસ્થાને તમારા પર હાવી ન થવા દો. કહેવું સહેલું છે, પણ કરવું મુશ્કેલ છે. છતાં કરવાનું તો છે જ. એટલે હું એ કરીશ.’
