અમીષા પટેલે એક કાર્યક્રમમાં સલમાન-રશ્મિકાના એજ-ગૅપની ચર્ચા વિશે પોતાનો મત આપ્યો. હવે અમીષા પટેલે આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી અને સની દેઓલ સાથેની પોતાની જોડીનું ઉદાહરણ પણ આપ્યું હતું.
સુન્ની દેઓલ અને અમીષા પટેલ
હાલમાં સલમાન ખાનને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ‘સિકંદર’ની હિરોઇન રશ્મિકા મંદાના અને સલમાન વચ્ચેની ઉંમરના તફાવતની બહુ ચર્ચા ચાલી રહી છે. હવે અમીષા પટેલે આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી અને સની દેઓલ સાથેની પોતાની જોડીનું ઉદાહરણ પણ આપ્યું હતું. હાલમાં એક ફંક્શનમાં અમીષાને સલમાન અને રશ્મિકા વચ્ચેની ઉંમરના તફાવત વિશે પોતાનો અભિપ્રાય પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે ‘મારા અને સની દેઓલ વચ્ચે ૧૮થી વધુ વર્ષની ઉંમરનો મોટો તફાવત છે, પણ જ્યારે ફિલ્મ ચાલે છે ત્યારે બધું માફ થઈ જાય છે અને આ તફાવત સામે આંખ આડા કાન થઈ જાય છે. મેં સની દેઓલ સાથે ‘ગદર: એક પ્રેમ કથા’ અને ‘ગદર 2’માં બે વાર કામ કર્યું છે. આ બન્ને ફિલ્મો હિટ થઈ હતી.’
‘સિકંદર’ની રિલીઝ વખતે સલમાન અને રશ્મિકાના એજ-ગૅપની બહુ ચર્ચા થઈ રહી હતી ત્યારે સલમાને પોતાનો મુદ્દો વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘બધા કહે છે કે મારી અને હિરોઇન વચ્ચે ૩૧ વર્ષનું અંતર છે. અરે, આ મામલે જ્યારે હિરોઇનને પ્રૉબ્લેમ નથી, હિરોઇનના પપ્પાને પ્રૉબ્લેમ નથી તો બીજા બધાને શું તકલીફ થઈ રહી છે? કાલે રશ્મિકાનાં લગ્ન થશે અને તેની દીકરી સ્ટાર બનશે તો હું તેની સાથે પણ કામ કરીશ, મમ્મીની પરમિશન તો મળી જ જશે.’

