અક્ષય કુમારે પોતે મની-માઇન્ડેડ હોવાની ઇમેજ વિશે સ્પષ્ટતા કરી
અક્ષય કુમાર
અક્ષય કુમારનો સમાવેશ ભારતના સૌથી વધુ ટૅક્સ ચૂકવનાર સ્ટાર્સની યાદીમાં થાય છે પણ તેની ઇમેજ છે કે તે પૈસા પાછળ ભાગે છે. હાલમાં અક્ષય કુમારે એક ટીવી-શોમાં તેની આ ઇમેજ વિશે સ્પષ્ટતા કરી છે. અક્ષય કુમારે કહ્યું હતું કે ‘એ વાત સાચી છે કે મને પૈસા કમાવાનું ગમે છે. મારી પાસે જે પૈસા છે એ લૂંટીને નથી મેળવ્યા, હું કામ કરીને કમાયો છું. છેલ્લાં ૮ વર્ષથી હું સૌથી વધુ ટૅક્સ ચૂકવનાર રહ્યો છું એટલે હું મની-માઇન્ડેડ કે પૈસા પાછળ ભાગતી વ્યક્તિ નથી. જોકે હું માનું છું કે પૈસો જીવનનું એક મહત્ત્વનું પાસું છે એટલે આ મામલે પ્રૅક્ટિકલ હોવું જોઈએ.’
પૈસા કમાવાના પોતાના અભિગમ વિશે વાત કરતાં અક્ષય કુમારે કહ્યું હતું કે ‘હું પૈસા કમાઉં છું, ટૅક્સ ચૂકવું છું અને એ પૈસાથી ઘણી સેવા કરું છું. આ મારો ધર્મ છે. બાકી લોકો ગમે તે કહે, હું એમાં માનતો નથી. જો મને રિબન કાપવાથી પૈસા મળે છે તો શું સમસ્યા છે? લોકો પૈસા આપવા તૈયાર છે. જ્યાં સુધી તમે પૈસાની ચોરી નથી કરતા, જ્યાં સુધી તમે કોઈને લૂંટતા નથી અને જ્યાં સુધી તમે મહેનત કરો છો ત્યાં સુધી કોઈ સમસ્યા નથી. એ પછી લોકો મને મની-માઇન્ડેડ એટલે કે પૈસા પાછળ ભાગનાર કહે તો મને કશો ફરક નથી પડતો.’


