આ જોડીએ પ્રિયદર્શનની ફિલ્મ હૈવાન માટે શૂટિંગ શરૂ કરી દીધું છે
અક્ષય કુમાર, સૈફ અલી ખાન નવી ફિલ્મ ‘હૈવાન’ના શૂટિંગની શરૂઆત
અક્ષય કુમારે તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં એક વિડિયો શૅર કર્યો છે જેમાં તે પોતાની નવી ફિલ્મ ‘હૈવાન’ના શૂટિંગની શરૂઆત કરતો જોવા મળી રહ્યો છે. આ વિડિયોમાં અક્ષય સાથે દિગ્દર્શક પ્રિયદર્શન અને સૈફ અલી ખાન પણ જોવા મળે છે અને ત્રણેય વચ્ચે કોઈ મામલે ચર્ચા થઈ રહી છે. આ વિડિયો શૅર કરતાં અક્ષયે કૅપ્શનમાં લખ્યું છે, ‘આપણે બધા જ થોડા શૈતાન છીએ; કોઈ ઉપરથી સંત, કોઈ અંદરથી હૈવાન. મારા સૌથી પ્રિય દિગ્દર્શક પ્રિયદર્શન સાથે ‘હૈવાન’નું શૂટિંગ આજથી શરૂ કર્યું. લગભગ ૧૮ વર્ષ બાદ સૈફ સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત અને ખુશ છું. ચાલો હૈવાનિયત શરૂ કરીએ.’
અક્ષય અને સૈફે સાથે મળીને ઘણી ફિલ્મો કરી છે; જેમાં ‘મૈં ખિલાડી તૂ અનાડી’, ‘યે દિલ્લગી’, ‘તૂ ચોર મૈં સિપાહી’, ‘કીમત’ અને ‘ટશન’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. બન્ને છેલ્લે ૨૦૦૮માં આવેલી ફિલ્મ ‘ટશન’માં જોવા મળ્યા હતા.


