ફૅન્સને વધુ સારા અભિનેતા તેમ જ વ્યક્તિ બનવાનું પણ વચન આપ્યું
અહાન પાંડે
‘સૈયારા’ સ્ટાર અહાન પાંડેએ પોતાની ડેબ્યુ ફિલ્મની જબરદસ્ત સફળતાનું શ્રેય પોતાનાં દાદીને આપીને સોશ્યલ મીડિયા પર તેમના માટે એક હૃદયસ્પર્શી નોંધ લખી છે. અહાને પોતાની પોસ્ટમાં લખ્યું છે : ‘ક્યારેય નહોતું વિચાર્યું કે મને આટલો પ્રેમ મળશે... દાદી મને હંમેશાં ‘રાજ’ કહેતાં. કાશ તેઓ આજે ‘ક્રિશ’ને જોઈ શકતા હોત. હું હંમેશાં ભગવાનને કહેતો હતો કે જો દુનિયા મને પસંદ નહીં કરે તો પણ મને ખબર હતી... ‘સિતારોં મેં સિતારા, એક તન્હા તારા... સૈયારા’ એવી મારી દાદી... ત્યાંથી જોઈને મને સ્માઇલ આપશે. આ ફક્ત તમારા માટે છે દાદી.’
અહાને પોતાની પોસ્ટમાં ફૅન્સને પોતાની સ્કિલને વધારે નિખારવાનું અને વધુ સારા અભિનેતા તેમ જ વ્યક્તિ બનવાનું વચન આપ્યું છે. અહાને પોસ્ટમાં લખ્યું છે : ‘મને ખબર નથી કે મારા માટે આગળ શું છે, પરંતુ હું આ ક્ષણે તમારો પ્રેમ મારા હાડ સુધી અનુભવું છું. હું તમારા દરેક માટે આ અનુભવું છું અને હું આને હંમેશાં અનુભવીશ. હું વચન આપું છું કે હું ડબલ મહેનત કરીશ, બમણો સારો દેખાવ કરીશ અને આ બધું તમારા બધા માટે તો કરીશ જ; પણ મારી અંદર રહેલા એ બાળક માટે પણ કરીશ જે સ્ટેજ પર જતાં પહેલાં ગભરાટ અનુભવતું હતું અને જેને હંમેશાં કહેવામાં આવતું હતું કે તું આ નહીં કરી શકે. આપણા બધામાં એ બાળક હોય છે અને હું આશા રાખું છું કે તમે બધા તમારી અંદર રહેલા એ બાળકને ખુશ રાખશો. આ ચમત્કાર માટે આભાર. હું ઇચ્છું છું કે હું તમને દરેકને ગળે લગાવી શકું, તેરે બિના તો કુછ ના રહેંગે...’


