૨૨ એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામ ખાતે પર્યટકો પર આતંકવાદી હુમલો થયો અને તેમની નિર્મમ હત્યા કરવામાં આવી. આ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવપૂર્ણ સ્થિતિ છે. જોકે વાતાવરણ હવે ધીમે-ધીમે થાળે પડી રહ્યું છે.
પહલગામમાં અતુલ કુલકર્ણી
૨૨ એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામ ખાતે પર્યટકો પર આતંકવાદી હુમલો થયો અને તેમની નિર્મમ હત્યા કરવામાં આવી. આ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવપૂર્ણ સ્થિતિ છે. જોકે વાતાવરણ હવે ધીમે-ધીમે થાળે પડી રહ્યું છે. આ પરિસ્થિતિમાં અતુલ કુલકર્ણી કાશ્મીર પહોંચ્યો હતો અને તેણે કાશ્મીરની ઝલક દેખાડી છે.
બૉલીવુડમાં અનેક ફિલ્મો અને વેબ-સિરીઝમાં કામ કરી અતુલ કુલકર્ણીએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં તેની ફ્લાઇટની તસવીરની સાથે-સાથે ત્યાંની વર્તમાન પરિસ્થિતિ પણ શૅર કરી. આ શૅરિંગની સાથે-સાથે અતુલે લખ્યું છે ‘આના જરૂરી હૈ.’ આ વાત એક ખાસ લાગણીનું પ્રતીક છે. આ વાત જણાવે છે કે દેશ આતંકી હુમલાથી ડરવાનો નથી અને કાશ્મીર અમારું છે અને અમારું જ રહેશે.
અતુલ કુલકર્ણીએ કાશ્મીર પહોંચીને ત્યાંની વર્તમાન સ્થિતિ પણ દર્શાવી હતી. અતુલના ફોટો અને વિડિયો દર્શાવે છે કે કાશ્મીરના લોકલ લોકો આતંકી હુમલાના વિરોધમાં રસ્તા પર ઊતરી આવ્યા છે અને માર્ચ કાઢી રહ્યા છે. હવે કાશ્મીરમાં પરિસ્થિતિ નૉર્મલ થઈ રહી છે અને સેના પરિસ્થિતિ પર બરાબર નજર રાખી રહી છે.
એક ઇન્ટરવ્યુમાં અતુલ કુલકર્ણીએ જણાવ્યું છે કે ‘એક દુર્ઘટના થઈ ગઈ એ બહુ ખરાબ થયું. આપણે તેમને શ્રદ્ધાંજલિ આપીએ અને મનમાં ડર છે એને બહાર કાઢીએ. આપણને આતંવાદીઓએ સંદેશ આપ્યો કે અહીં ન આવો, પણ હું તો તેમને કહીશ કે હું તો આવીશ કારણ કે કાશ્મીર મારું છે. અમે આવીશું અને મોટી સંખ્યામાં આવીશું. મારી લોકોને વિનંતી છે કે બુકિંગ કૅન્સલ ન કરાવતા. અહીં બધું સેફ છે. અહીં મોટી સંખ્યામાં લોકો હાજર છે. જો તમે બીજી કોઈ જગ્યાએ ફરવા જવાનો પ્લાન બનાવ્યો હોય તો એ કૅન્સલ કરીને કાશ્મીર આવી જાઓ. કાશ્મીરને સંભાળવું જરૂરી છે અને કાશ્મીરીઓને પ્રેમ આપવો જરૂરી છે.’

