કહ્યું કે હું તેમનાં પ્રેમ, કાળજી, ગૌરવ, પ્રતિભા અને સ્મિત બદલ હંમેશાં ઋણી રહીશ
અભિષેક તેમને પ્રેમથી અશોકદાદા કહેતો હતો
અભિષેક બચ્ચનના વર્ષો જૂના મેકઅપ આર્ટિસ્ટ અશોક સાવંતનું રવિવારે અવસાન થયું છે. અભિષેક તેમને પ્રેમથી અશોકદાદા કહેતો હતો. તેમના અવસાન પછી અભિષેકે સોશ્યલ મીડિયા પર અશોકદાદા સાથેની બે તસવીરો શૅર કરીને ઇમોશનલ નોંધ લખી છે. અભિષેકે પોતાની આ પોસ્ટમાં લખ્યું છે, ‘અશોકદાદા મારા માટે માત્ર મેકઅપ આર્ટિસ્ટ નહોતા, પરંતુ પરિવારનો એક ભાગ હતા. તેમણે મારી પ્રથમ ફિલ્મથી લઈને ૨૭ વર્ષથી વધુ સમય સુધી મારો મેકઅપ કર્યો. અશોકદાદાના મોટા ભાઈ દીપક લગભગ ૫૦ વર્ષ સુધી પપ્પાના મેકઅપમૅન રહ્યા હતા.’
અશોકદાદા સાથેના પોતાના સંબંધ વિશે વાત કરતાં અભિષેકે લખ્યું છે, ‘અશોકદાદા છેલ્લાં કેટલાંક વર્ષોથી બીમાર હતા, તેથી તેઓ સેટ પર આવી શકતા નહોતા. આ સ્થિતિમાં પણ તેઓ હંમેશાં મારા હાલચાલ પૂછતા અને પોતાના સહાયકને મારો મેકઅપ કરવા માટે મોકલતા. તેઓ અત્યંત પ્રેમાળ, શાંત અને મળતાવડા સ્વભાવના હતા. તેમના ચહેરા પર હંમેશાં સ્મિત રહેતું અને તેઓ સેટ પર સાથે ચેવડો કે ભાખરવડી જેવી નાસ્તાની વસ્તુઓ લાવતા. રવિવારે રાત્રે તેમનું નિધન થયું.’
ADVERTISEMENT
અભિષેકે પોતાની પોસ્ટના અંતમાં લખ્યું હતું, ‘દરેક નવી ફિલ્મના પહેલા શૉટ પહેલાં હું અશોકદાદાને પગે લાગીને તેમના આશીર્વાદ લેતો. હવે હું આકાશ તરફ જોઈ તેમના આશીર્વાદ માગીશ. તેમનાં પ્રેમ, કાળજી, ગૌરવ, પ્રતિભા અને સ્મિત બદલ હું હંમેશાં ઋણી રહીશ. તેમના વિના સેટ પર જવું ખૂબ મુશ્કેલ રહેશે. ઈશ્વર કરે તેમનો આત્મા શાંતિ પામે અને જ્યારે ફરી મળીએ ત્યારે હું તેમને ભેટી શકું.’


