ફિલ્મ સાથે સંકળાયેલા લોકોએ પહલગામમાં જીવ ગુમાવનારાઓનો મલાજો જાળવવા આ નિર્ણય લીધો.
આમિર ખાન
આમિર ખાનની આગામી ફિલ્મ ‘સિતારે ઝમીન પર’નું ટ્રેલર આ અઠવાડિયે અજય દેવગનની ‘રેઇડ’ સાથે જોડાઈને લૉન્ચ થવાનું હતું એવા રિપોર્ટ હતા. જોકે હવે લેટેસ્ટ સમાચાર પ્રમાણે આમિરે પહલગામ-અટૅકને કારણે ‘સિતારે ઝમીન પર’નું ટ્રેલર-લૉન્ચ પોસ્ટપોન કર્યું હોવાના સમાચાર છે. ફિલ્મ સાથે સંકળાયેલા લોકોએ પહલગામમાં જીવ ગુમાવનારાઓનો મલાજો જાળવવા આ નિર્ણય લીધો છે.
પહેલાં તો ‘સિતારે ઝમીન પર’ના ટ્રેલરને બહુ ભવ્ય ફંક્શનમાં લૉન્ચ કરવાનું પ્લાનિંગ હતું, પણ આમિર અને તેની ટીમને લાગે છે કે ભવ્ય ટ્રેલર-લૉન્ચિંગ માટે આ યોગ્ય સમય નથી. હવે એક વખત પરિસ્થિતિ થાળે પડી ગયા પછી ફરીથી ટ્રેલર-લૉન્ચની નવી તારીખ જાહેર કરવામાં આવશે. આમિરના મન પર પહલગામ-અટૅકની બહુ ઊંડી અસર પડી છે એટલે જ તેણે તાજેતરમાં ‘અંદાઝ અપના અપના’ના રીસ્ક્રીનિંગના ફંક્શનમાં પણ હાજરી નહોતી આપી.
‘સિતારે ઝમીન પર’ની રિલીઝ-ડેટ ૨૦ જૂન છે અને આમિરના ફૅન્સ આ ફિલ્મ જોવા માટે ઉત્સુક છે.

