ઍક્ટર્સની ભારે ફીની ડિમાન્ડ પર કરણ જોહરે કહ્યું...
ફિલ્મમેકર કરણ જોહર
બૉલીવુડના કેટલાક ઍક્ટર્સ ભારે ફીની ડિમાન્ડ કરે છે એટલું જ નહીં, તેમનાં નખરાં પણ પ્રોડ્યુસરોને ઉઠાવવાં પડે છે. એને લઈને અગાઉ અનેક સેલિબ્રિટીએ પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા. હવે એ જ વિષય પર ફિલ્મમેકર કરણ જોહરે પણ ટીકા કરી છે. તેનું કહેવું છે કે ફિલ્મોને આજે થિયેટરમાં રિલીઝ કરવાની સાથે જ ડિજિટલ પ્લૅટફૉર્મ પર પણ રિલીઝ કરવામાં આવે છે. સાથે જ તે એમ પણ માને છે કે જે પ્રકારની ફિલ્મો ચાલે એવી જ ફિલ્મો વારંવાર બનાવવામાં આવે છે. ઍક્ટર્સની ફી વિશે કરણ જોહર કહે છે, ‘૩૫ કરોડ રૂપિયાની ડિમાન્ડ કરનારા સ્ટાર્સની ફિલ્મ બૉક્સ-ઑફિસ પર પહેલા દિવસે ૩.૫ કરોડ રૂપિયાનું કલેક્શન કરે છે. આ કેવું ગણિત છે? એને તમે કેવી રીતે મૅનેજ કરો છો? આમ છતાં તમારે ફિલ્મ બનાવતા રહેવાનું હોય છે, કેમ કે તમારે ઑર્ગેનાઇઝેશનનું પણ ભરણપોષણ કરવાનું હોય છે. એથી ખૂબ ડ્રામા હોય છે.’

