Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > માતાના મઢની પતરીવિધિ આ વખતે ખાસમખાસ કેમ?

માતાના મઢની પતરીવિધિ આ વખતે ખાસમખાસ કેમ?

17 October, 2021 11:14 AM IST | Mumbai
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

આ ઐતિહાસિક ઘટના પાછળની વાતો શું છે અને આશાપુરા માના ધામની જાણી-અજાણી વાતો શું છે એ જાણીએ...

પતરીવિધિ વખતે આશાપુરા મા સમક્ષ ખોળો પાથરીને ઊભાં રહેલાં પ્રીતિદેવી.

પતરીવિધિ વખતે આશાપુરા મા સમક્ષ ખોળો પાથરીને ઊભાં રહેલાં પ્રીતિદેવી.


આ નવરાત્રિમાં વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ માતાનો મઢ પતરીવિધિને લઈને ચર્ચામાં છે. આશાપુરા માતાજીના મંદિરના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે રાજવી પરિવારની મહિલા પતરીવિધિમાં જોડાયાં અને પતરીનો પ્રસાદ ઝોળીમાં ઝીલીને માતાજીના આશીર્વાદ મેળવ્યા હોય. આ ઐતિહાસિક ઘટના પાછળની વાતો શું છે અને આશાપુરા માના ધામની જાણી-અજાણી વાતો શું છે એ જાણીએ...

મા આશાપુરા માતાજીનું આ ભજન ભાવપૂર્વક ભાવિકો ગાય છે અને આશાપુરા માને વંદન એટલા માટે કરે છે, કેમ કે કચ્છની ધરા પર માતાના મઢમાં મા આશાપુરા હાજરાહજૂર છે. દેવી આશાપુરાએ જ્યાં તેમનાં બેસણાં કર્યાં એ સતની જગ્યા છે, કેમ કે મંદિરમાં આશાપુરા માતાજીની સ્વયંભૂ મૂર્તિ છે. જોકે આ મૂર્તિ આખી નથી. આ પાવન ભૂમિ પર દેશ-દેશાવરના ભાવિકો આશાપુરા માના ચરણે શીશ નમાવવા આવે છે અને તેમની આશા-મનોકામના આશાપુરા મા પૂરી કરી રહ્યાં છે ત્યારે હમણાં આ વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ પતરીવિધિને લઈને ચર્ચામાં આવ્યું છે. આશાપુરા માના મંદિરના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે રાજવી પરિવારની મહિલા પતરીવિધિમાં જોડાયાં હોય. અત્યાર સુધીનો ઇતિહાસ રહ્યો છે કે આશાપુરા માતાજીના મંદિરમાં રાજ કુટુંબના પુરુષસભ્ય પતરીવિધિ કરતા આવ્યા છે, પરંતુ પહેલી વાર એવું બન્યું કે કોર્ટના આદેશના પગલે દેવીના મંદિરમાં રાજવી પરિવારનાં મહારાણી પ્રીતિદેવી પતરીવિધિમાં સામેલ થયાં હતાં અને માતાજી સમક્ષ ઝોળી ફેલાવીને પતરીનો પ્રસાદ ઝીલી આશાપુરા માના આશીર્વાદ મેળવ્યા હતા.
શરણે આવેલા સૌની આશા પૂર્ણ કરનાર આ મઢવાળી માતાના મંદિરમાં વર્ષોથી એટલે કે રાજા–મહારાજાઓના સમયથી નવરાત્રિના પર્વમાં પતરીવિ‌ધિની પરંપરા ચાલી આવી છે. નવું વર્ષ કેવું રહેશે એનો અણસાર આશાપુરા મા રાજવી પરિવારને આપતાં હોવાની માન્યતા છે અને એટલે જ આ સતના દરબારે માઈભક્તો માતાને શ્રદ્ધાપૂર્વક નમન કરે છે. 
૪૦૦ વર્ષમાં પહેલી વાર 
કચ્છના વિશ્વવિખ્યાત યાત્રાધામ માતાના મઢમાં આશાપુરા માના મંદિરમાં નવરાત્રિની આઠમના દિવસે પતરીવિધિ કરનાર પ્રથમ મહિલા એવાં કચ્છનાં મહારાણી પ્રીતિદેવી કહે છે, ‘આ માતાજીની કૃપા છે. બહુ ગૌરવની વાત છે મહિલાઓ માટે કે મને પતરીવિધિની પૂજા કરવા મળી. ૪૦૦ વર્ષમાં કોઈ બાઈમાણસે આ પૂજા કરી હોય એવું પ્રથમ વખત બન્યું છે. આ માતાજીની કૃપા થઈ છે. માની દયા છે એટલે મને પતરીવિધિ કરવા મળી. માતાજીના આશીર્વાદ મળ્યા છે 
એ મને જ નહીં, પરંતુ આખા કચ્છની પ્રજા માટે મળ્યા છે.’ 
મૂળ ત્રિપુરાનાં પ્રિન્સેસ એવાં પ્રીતિદેવી મહિલાઓ વિશે વાત કરતાં કહે છે, ‘જેમ બીજી સ્ત્રીઓ છે તેમના જેવી જ હું છું અને હવે તો જે પહેલાં નહોતી કરી શકતી એ બધું હવે કરી શકું છું.’ 
કુંવરપદ આપીને કચ્છના રાજ પરિવારનું ચિહ્‍‍ન ૨૦૧૯માં જેમને પ્રદાન કરાયું હતું અને મહારાવ શ્રી પ્રાગમલજી ઑફ કચ્છ–ત્રીજાના ત્રણ ઉત્તરાધિકારીમાંના એક અને જેઓએ ત્રણ વાર પતરીવિધિ કરી છે તે ઇન્દ્રજિતસિંહજી જાડેજા પતરીવિધિના મુદ્દે કહે છે, ‘મહારાણીએ કોર્ટમાં દાવો કર્યો હતો કે મહિલા પણ પૂજાવિધિ કરી શકે છે અને કોર્ટના હુકમના આધારે મહારાણી પ્રીતિદેવીએ આઠમના દિવસે પતરીવિધિ કરી હતી. મહારાવસાહેબની પણ ઇચ્છા હતી કે બહેનો પણ મંદિરમાં આ પૂજા વિધિ કરે. આ એક ચમત્કાર છે. માતાજીના આશીર્વાદ મળ્યા છે. અમારે ત્યાં પાંચમના દિવસથી પૂજા ચાલુ થાય છે. ભુજથી ચામરયાત્રા નીકળે છે અને માતાના મઢ જાય છે. યાત્રા એક રાત નખત્રાણા રોકાય છે અને સાતમના દિવસે રાતે આરતીના સમયે ચામર લઈને દર્શન કરવા આવે છે. બીજા દિવસે સવારે ચાચરા કુંડમાં સ્નાન કરી ચાચરા ભવાની માતાજીની પૂજા-અર્ચના કરી ઉઘાડા પગે ચાલીને માતાના મઢ જવાનું હોય છે. આ સમયે ડાકલા વગાડતા કલાકારો ઊંધા પગે ચાલે છે અને માતાના મઢ પહોંચી પૂજા-આરાધના કરવામાં આવે છે. રાજ પરિવારના એક સભ્ય માતાજી સન્મુખ ઊભા રહે છે અને પતરીવિધિ યોજાય છે. આ વર્ષે મહારાણી ખોળો પાથરીને માતાજી સમક્ષ ઊભાં રહ્યાં હતાં અને કચ્છના લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. તેઓએ પ્રાર્થના કરતાં કહ્યું કે ‘મા, હું તમારી સેવક છું.’ આ વર્ષે મહારાણીના ખોળામાં બધી પતરી પડી હતી અને માતાજીના આશીર્વાદ મળ્યા હતા. મહારાણીએ પોતાની જાતને ભાગ્યશાળી સમજ્યાં હતાં અને તેમને થયું કે માતાજીની કૃપા થઈ છે અને મહારાવસાહેબ મારી સાથે જ છે.’ 
પતરીવિધિ શું છે?
શું છે આ પતરીની પ્રથા? કેવી રીતે થાય છે આ પતરીની પ્રથા? માતાના મઢમાં જેમની હાજરીની દિવ્યતાનાં દર્શનનો અહેસાસ આજે પણ થાય છે એવા આશાપુરા મા રાજવી પરિવારને નવરાત્રિમાં કેવી રીતે આપે છે અણસાર? એની વાત કરતાં માતાના મઢ, જાગીર ટ્રસ્ટના ટ્રસ્ટી ખેંગારજી જાડેજા કહે છે, ‘આસો મહિનાની નવરાત્રિની આઠમે આ પતરીવિધિ થાય છે. રાજા–મહારાજાઓના સમયથી ચાલી આવતી આ પરંપરામાં આ વિધિ પરથી રાજમાં નવું વર્ષ કેવું જશે એની ખબર પડે છે. પતરી નામની એક વનસ્પતિ આવે છે. આ વનસ્પતિની સાથે તુલસી અને જવારાને ભેગા કરી જૂડી બનાવવામાં આવે છે. આ જૂડી માતાજીની મૂર્તિના જમણા ખભે મૂકવામાં આવે છે. રાજવી પરિવારના સભ્યો આ વિધિમાં ભાગ લેવા આવે છે. આ સભ્યો પૈકીનો એક સભ્ય માતાજીની સન્મુખ ખોળો પાથરીને ઊભો રહે છે. જૂનું ચામર બદલાય છે અને માતાજીની પૂજા કરવામાં આવે છે અને પછી વિધિ દરમ્યાન ઘંટારવ થાય અને ડાક વાગે છે. એ સમય દરમ્યાન માતાજીના ખભે રહેલી જૂડીમાંથી પાન રાજવી પરિવારના સભ્ય ખોળો પાથરીને ઊભા હોય તેમના ખોળામાં આવીને પડે છે. આ માતાજીનો અણસાર છે. જો પતરીનાં પાન ન પડે તો આ વિધિ ફરીથી કરવામાં આવે છે. પૂજા દરમ્યાન જો પતરી ખોળામાં પડે તો માતાજીની કૃપા થઈ ગણાય છે અને જો પતરી મોડી પડે તો એવું મનાય છે કે માતાજીની કૃપા ઓછી છે, માતાજીએ કંઈક સંકેત આપ્યો છે. આગળ જતાં મુશ્કેલીનો સંકેત આપ્યો છે. આ મંદિરની વિશિષ્ટતા છે. લગભગ ૪૦૦–૪૫૦ વર્ષ જૂની આ પરંપરા–પ્રથા છે.’
ઘટસ્થાપન એક દિવસ પહેલાં
નવરાત્રિ દરમ્યાન આશાપુરા માના મંદિરની બીજી વિશિષ્ટતાઓ જણાવતાં ખેંગારજી જાડેજા કહે છે, ‘નવરાત્રિમાં મોટા ભાગનાં મંદિરોમાં ઘટસ્થાપન નવરાત્રિના પહેલા દિવસે થાય છે, પરંતુ આશાપુરા માના મંદિરમાં ઘટસ્થાપન નવરાત્રિના આગલા દિવસે અમાસની રાતે થાય છે. આ ઘટસ્થાપન ગાદીપતિ રાજા બાવા યોગેન્દ્રસિંહજી ભક્તિભાવપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક કરે છે, એટલું જ નહીં, નવરાત્રિમાં દરેક જગ્યાએ હવન અષ્ટમીએ થાય છે, પરંતુ અહીં માતાજીના મંદિરે હવન સપ્તમીએ થાય છે. આ પરંપરા છે. આમ થવા પાછળનું કારણ એ છે કે આ માતાજીનું પ્રાગટ્યસ્થાન છે, મૂળ સ્થાન છે એટલે ઘટસ્થાપનની વિધિ અમાસના દિવસે થાય છે. હવન સાતમે થવા પાછળનું કારણ પણ એ જ કે આ માતાજીનું મૂળ સ્થાનક છે એટલે અહીં હવન થઈ ગયા પછી બીજાને છૂટ મળે છે, જે ભાવિકને પોતાના ગામ જવું હોય તે જઈ શકે છે. મહારાજ કુમાર શ્રી હિંમતસિંહજીસાહેબની પુસ્તિકામાં આનો ઉલ્લેખ છે.’
સાઇકલ અને પદયાત્રા
આશાપુરા માનું સત એવું છે કે મુંબઈથી અસંખ્ય ભાવિકો સાઇકલ પર અથવા પદયાત્રા કરીને ખાસ નવરાત્રિમાં માતાના મઢ દર્શન કરવા અચૂક જાય છે. જેમ ભાદરવી પૂનમે અંબાજીમાં પદયાત્રા કરીને માઈભક્તો અંબેમાનાં દર્શન કરવા જાય છે એમ નવરાત્રિમાં ભાવિકો કચ્છમાં આશાપુરા માના મંદિરે પદયાત્રા કરીને આવે છે એ વિશે વાત કરતા ખેંગારજી જાડેજા કહે છે, ‘નવરાત્રિમાં અંદાજે બેથી ત્રણ લાખ ભાવિકો પદયાત્રા કરીને મંદિરે દર્શન કરવા આવે છે. માર્ગમાં પદયાત્રીઓ માટે સેવાભાવી સંસ્થાઓ અને નાગરિકો સેવા કૅમ્પ યોજે છે. માત્ર ગુજરાતમાંથી જ નહીં; ગોવા, મુંબઈ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનથી પણ ભાવિકો પદયાત્રા કરીને માતાજીનાં દર્શન કરવા આવે છે. કોઈની બાધા કે માનતા પૂરી થાય ત્યારે ભાવિકો પદયાત્રા કરીને અહીં આવે છે. મૅન્ગલોરથી એક પાટીદાર કુટુંબ ૯ વર્ષ સુધી અહીં માતાજીનાં દર્શન કરવા આવતું હતું. આ કુટુંબે માનતા રાખી હતી અને દીકરો અવતર્યો એટલે આ કુટુંબ માતાજીની માનતા પૂરી કરવા અહીં આવતું હતું. આવા તો અનેક કિસ્સા છે. માતાજી ભાવિકોની આશા પૂર્ણ કરે છે.’ 
લોકવાયકા શું કહે છે?
દરેક મંદિરના નિર્માણ પાછળ કેટલીક ઐતિહાસિક વાતો પણ સંકળાયેલી હોય છે. એમાંની કેટલીક લોકવાયકા પણ હોય. એવું કહેવાય છે કે આશાપુરા માનું આ મંદિર લગભગ ૧૪મી સદીના આરંભમાં લાખા કુલાનીના પિતાના રાજમાં બંધાયેલું. આ રાજમાં બે વાણિયા મંત્રી હતા, અજો અને અનો. બીજી એક લોકવાયકા અનુસાર મારવાડથી આવેલા દેવચંદ નામના કરાડ વાણિયાએ માતાનું મંદિર બંધાવેલું. કચ્છમાં વેપાર અર્થે આવેલા દેવચંદે નવરાત્રિ દરમ્યાન આ જગ્યાએ માતાજીની સ્થાપના કરીને ખૂબ આરાધના કરેલી. આ આરાધનાથી ખુશ થઈને માતાજી દેવચંદના સપનામાં આવ્યા. તેમને રાતે સપનું આવેલું કે આ જગ્યાએ મંદિર બંધાવવું. આ જગ્યાએ તેઓ સ્વયંભૂ પ્રગટ થશે. વાણિયાને ઊંઘમાંથી જાગ્યા પછી તેના સપનાની ખાતરી થાય એ માટે સવારે ઊઠતાની સાથે તેને એક શ્રીફળ અને ચુંદડી પડેલી મળશે. જોકે દેવીએ તેને કહેલું કે મંદિર બંધાવ્યા પછી ૬ મહિના સુધી મંદિરના કમાડ ખોલવા નહીં. ૬ મહિના દરમ્યાન માતાનું સ્વરૂપ સ્વયંભૂ પ્રગટ થશે. જોકે મંદિર બંધાયાના પાંચ મહિના થયા ત્યાં સુધી વાણિયો શાંતિથી બેઠો, પણ પાંચ મહિના પછી તેને મંદિરની અંદરથી મધુર ગીત ગણગણાતું હોય એવો અવાજ સંભળાયો અને વાણિયાની ધીરજ ખૂટી ગઈ અને તેણે મંદિરના દરવાજા ખોલી નાખ્યા. 
કહેવાય છે કે મંદિરની અંદર માતાજીની મૂર્તિનું સ્વયંભૂ નિર્માણ થઈ રહ્યું હતું, પણ દરવાજો તેણે એક મહિનો વહેલો ખોલી નાખ્યો એટલે માતાજીની મૂર્તિનો ઘૂંટણ નીચેનો ભાગ અધૂરો રહી ગયો હતો. એક મહિનો વહેલું મંદિર ખોલી નાખવાને કારણે આમ થયું હતું. આને માટે વાણિયાએ ખૂબ માફી માગી અને પ્રાયશ્ચિત્ત પણ કર્યું એટલે માતાજીએ તેને માફ તો કરી દીધો, પણ સાથે એ પણ કહ્યું કે હવે મારી મૂર્તિ ઘૂંટણ સુધીની જ રહેશે. હાલમાં માતાજીની મૂર્તિ ૬ ફુટ ઊંચી અને ૬ ફુટ પહોળી છે. 
વાણિયા દ્વારા મંદિરના પહેલવહેલી વારના નિર્માણ પછી ૫૫૦ વર્ષ પહેલાં રાજાઓએ એ મંદિરનું પુનઃ નિર્માણ કરી ભવ્ય સ્વરૂપ આપ્યું. 



 આ એવું એક મંદિર છે જ્યાં ઘટસ્થાપન નવરાત્રિના આગલા દિવસે થાય છે અને હવન અષ્ટમીએ નહીં, પણ સપ્તમીએ થાય છે. આ પ્રથા વર્ષોજૂની છે જેનો ઉલ્લેખ મહારાજ કુમાર શ્રી હિંમતસિંહજીસાહેબની પુસ્તિકામાં છે


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2021 11:14 AM IST | Mumbai | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK