જે વ્યક્તિ પોતાની માતૃભાષાથી અજાણ છે અથવા ઉપરછલ્લી રીતે પરિચિત છે એ વ્યક્તિને આપણી સંસ્કૃતિનો પૂરેપૂરો પરિચય થતો નથી. અને આપણી માતૃભાષા અને સંસ્કૃતિ પ્રત્યેની ઉદાસીનતા એ એક પ્રકારનો સાંસ્કૃતિક આપઘાત જ છે.
પ્રતીકાત્મક તસવીર
આપણી ભાષા અને સંસ્કૃતિ ગાઢ રીતે જોડાયેલાં છે. જે વ્યક્તિ પોતાની માતૃભાષાથી અજાણ છે અથવા ઉપરછલ્લી રીતે પરિચિત છે એ વ્યક્તિને આપણી સંસ્કૃતિનો પૂરેપૂરો પરિચય થતો નથી. અને આપણી માતૃભાષા અને સંસ્કૃતિ પ્રત્યેની ઉદાસીનતા એ એક પ્રકારનો સાંસ્કૃતિક આપઘાત જ છે. જર્મની અને જપાનમાં થયેલા સર્વેક્ષણ મુજબ જે બાળકો પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મેળવે છે તેમની તનાવ સહન કરવાની શક્તિ (સ્ટ્રેસબેરિંગ કૅપેસિટી) બીજાં બાળકો કરતાં વધારે હોય છે. ભલે આપણે ઇચ્છીએ કે આપણાં બાળકોને જિંદગીમાં તકલીફ કે તનાવ ન આવે, પણ સંજોગવશાત્ આવો તનાવ આવે ત્યારે એનાં મૂળિયાં મજબૂત કરવાનું આપણા હાથમાં જ છે. જે વૃક્ષનાં મૂળિયાં મજબૂત નથી હોતાં એ મામૂલી તોફાનમાં પણ ઊખડી જાય છે. દુનિયાભરના કેળવણીકારોએ એ સિદ્ધાંત સ્વીકાર્યો છે કે માતૃભાષા બાળકની કેળવણીનું સર્વોત્તમ માધ્યમ છે. બાળક માતૃભાષા દ્વારા અભ્યાસના વિષયોને જલદીથી અને સહેલાઈથી ગ્રહણ કરી શકે છે. માતૃભાષા દ્વારા પ્રાપ્ત થયેલું શિક્ષણ સમજપૂર્વકની જ્ઞાનપ્રાપ્તિ બને છે એટલે આવા શિક્ષણની અસર પણ ચિરંજીવ રહેતી હોય છે. દરેક દેશમાં પ્રજાની જાગૃતિ પણ માતૃભાષા-રાજ્યભાષા દ્વારા જ લાવી શકાતી હોય છે. સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક મેળવનાર ટાગોરે પોતાની મૂળ કૃતિઓ પોતાની માતૃભાષા બંગાળીમાં જ લખી હતી. વિજ્ઞાનના ક્ષેત્રમાં નોબેલ પારિતોષિક મેળવનાર સર સી. વી. રામને શાળાનું પ્રાથમિક શિક્ષણ પોતાની માતૃભાષામાં જ લીધું હતું. મુંબઈની ન્યુ એરા સ્કૂલમાં ૧૯૯૮ સુધી પ્રાથમિક શિક્ષણ માતૃભાષા ગુજરાતીમાં જ અપાતું હતું. આ સ્કૂલના અનેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતપોતાના ક્ષેત્રમાં નામના મેળવીને સફળતા પ્રાપ્ત કરી ચૂક્યા છે. સૌ જાણે છે કે ગુજરાતી માધ્યમમાં ભણેલાઓનું અંગ્રેજી વ્યાકરણ અંગ્રેજી માધ્યમમાં ભણેલાઓ કરતાં વધારે પાકું હોય છે. મુંબઈમાં આજે જેટલા નામાંકિત ડૉક્ટરો, વરિષ્ઠ વકીલો, સફળ વેપારીઓ, સિનિયર ચાર્ટર્ડ અકાઉન્ટન્ટો, એન્જિનિયરો છે તેમાંના મોટા ભાગનાઓએ પોતાનું પ્રાથમિક શિક્ષણ પોતાની માતૃભાષામાં જ લીધું હતું. પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં અને પાંચમા ધોરણથી ન્યુ એરા સ્કૂલની પ્રણાલિકા મુજબ અંગ્રેજી માધ્યમ હોય તો બાળક બન્ને ભાષાઓ પર એકસરખું પ્રભુત્વ મેળવી શકે છે. હકીકતમાં બાળક શાળામાં ગુજરાતી, હિન્દી, મરાઠી અને અંગ્રેજી ચારેય ભાષાઓ સહેલાઈથી શીખી શકે છે. બાળક માતા પાસે ઊછરે અને આયા પાસે ઊછરે એ બે પરિસ્થિતિમાં જેમને ફરક દેખાય છે એ જ વ્યક્તિ માતૃભાષા દ્વારા પ્રાથમિક શિક્ષણ અને અંગ્રેજી માધ્યમમાં અપાઈ રહેલાં શિક્ષણ વચ્ચેનો ફરક સમજી શકશે.
-હેમંત ઠક્કર

