ઈશ્વર સાક્ષાત્કારની ઝંખના અને અદમ્ય ગુરુભક્તિ કેવા ચમત્કારો સરજી શકે છે એની રોમાંચક વાતો જાણીએ આજના ગુરુપૂર્ણિમાના દિવસે
ચંદ્રમૌલી સ્વામી
આજે એક ગુરુ પાસેથી જાણીએ આનો જવાબ. જ્યારે ગુરુ લંડન જઈને CA અને CS ભણ્યા હોય અને શિષ્યએ MBBSનો અભ્યાસ કર્યો હોય એમ છતાં તેમની ઈશ્વર સાક્ષાત્કારની ઝંખના અને અદમ્ય ગુરુભક્તિ કેવા ચમત્કારો સરજી શકે છે એની રોમાંચક વાતો જાણીએ આજના ગુરુપૂર્ણિમાના દિવસે
લ્ડિંગ કન્સ્ટ્રક્શનનું કામ શીખતા કડિયાને પણ ગુરુની જરૂર પડે. ગુરુ વિના જ્ઞાન ન મળે. ગોવિંદ સાથે પરિચય કરાવનારા ગુરુ ભગવાનથી પણ વિશેષ છે એવું કબીરજી કહેતા ગયા છે. આપણે ત્યાં ગુરુ-શિષ્ય પરંપરા દ્વારા જ્ઞાનનો અદ્ભુત વારસો પેઢી દર પેઢી વહન થતો આવ્યો છે. ગુરુ કહે તે સત્ય, બાકી બધું મિથ્યા એવું માનનારા શિષ્યોનો આપણે ત્યાં પાર નહોતો. ગુરુને સંપૂર્ણ સમર્પિત થવાનું જોકે આજના જમાનામાં શક્ય છે? જાતને ભૂલીને ગુરુની આજ્ઞાને પૂર્ણપણે સ્વીકારનારા શિષ્યો છે હજીયે? જવાબ છે હા. ભારતીય સંસ્કૃતિની ગુરુ-શિષ્ય પરંપરા અમૂલ્ય ધરોહર છે અને આજે ગુરુપૂર્ણિમાના દિવસે આ ગુરુ-શિષ્યની એક અનન્ય જોડી વિશે જાણીએ અને ખરેખર ગુરુ કઈ રીતે અંધકારને દૂર કરવાનું કામ નખશિખ રીતે કરી શકે છે એ પણ જાણીએ.
ગુરુ જ્યારે તમને શોધે
આઠ-દસ વર્ષનું બાળક ભગવાન દત્તાત્રેયને પ્રાર્થના કરતો હોય કે હું સાચા ગુરુની શોધ કરીને થાકી ગયો, હવે ગુરુ જ મને શોધી કાઢે એવું કંઈક કરો. પોતાના જીવનના બાળપણના દિવસોને યાદ કરતાં છેલ્લાં ૪૯ વર્ષથી સંન્યાસી જીવન જીવી રહેલા અને પોતાના ગુરુ તિમિર બરન સ્વામીજી માટે ભારોભાર અહોભાવ ધરાવતા શ્રી ચંદ્રમૌલી સ્વામીજી કહે છે, ‘અમદાવાદના ગાંધીનગર પાસે સાબરમતી નદીના કિનારે જન્મ થયો. બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યો છું એટલે ઘરમાં પૂજા-પાઠનો માહોલ હતો. જોકે દસ વર્ષની ઉંમરે જ સંન્યાસી બની જવાનું મને મન થઈ ગયું હતું. મેમરી બહુ જ પાવરફુલ હતી. સ્કૂલમાં ટૉપર હતો પણ મને સંન્યાસ લેવાની અદમ્ય ઇચ્છા જાગી કે ગુરુની શોધમાં લાગી ગયેલો. જોકે જે બે-ચાર જણ સાથે પરિચય થયો એ ગુરુઓ આડંબરવાળા અને ઢોંગી વિશેષ લાગ્યા. ત્યારે એહસાસ થયો કે સાચા ગુરુની શોધ આટલી સરળ નથી હોતી. નાનપણથી દત્તાત્રેય ભગવાનની ઉપાસના કરતો હતો. કોઈ મેળ નહોતો પડતો એટલે દત્તાત્રેય ભગવાનને કહી દીધેલું કે હું જ્યારે તૈયાર હોઉં ત્યારે સાચા ગુરુ મને સામેથી બોલાવે એવું કંઈક કરજો. રોજ ભગવાન સામે આ બાબત માટે કરગરતો. હાથ જોડતો. ૧૪ વર્ષનો હોઈશ લગભગ અને એક ઘટના ઘટી. હું રોજ સાંજે ચાલવા માટે ગામની બહાર એક ફાર્મહાઉસ હતું ત્યાં સુધી જતો. એક દિવસ એવું બન્યું કે ફાર્મહાઉસ પાસે પહોંચ્યો તો જોયું કે લાલ લાઇટવાળી ઘણી ગાડીઓ ત્યાં ઊભી હતી. હું તો ચાલતો હતો મારા રસ્તે. ત્યાં કોઈ સ્વામીજી આવ્યા છે એવી ખબર પડી. એ સમયે પૂજ્ય તિમિર બરન સ્વામીજી એ ફાર્મહાઉસની ટેરેસ પર વૉક કરી રહ્યા હતા. તેમણે મને જોયો અને તેમના માણસને મને બોલાવવા માટે મોકલ્યો. કેટલાક સરકારી અધિકારીઓ અને IAS ઑફિસરો સ્વામીજીને મળવા આવ્યા હતા. તેમણે મને ટેરેસ પર બોલાવ્યો અને બીજી બધી મીટિંગ કૅન્સલ કરી દીધી. હું ત્યાં ગયો તો સ્વામીજીએ મને બેસાડ્યો અને પોતે ધ્યાનમાં બેસી ગયા. મને મનોમન પ્રશ્નો પણ થતા હતા કે આ તે કેવા મહારાજ છે કે મને મળવા બોલાવે છે અને પોતે આંખ મીંચીને બેસી રહ્યા છે. લગભગ અઢી કલાક પછી તેમણે આંખ ખોલી અને પોતાના રૂમમાં જતા રહ્યા, મારી સામું પણ જોયા વિના. મને હજીયે તાજ્જુબ થયું. પછી સ્વામીજીએ મને તેમના રૂમમાં બોલાવ્યો. તેમની પાસે બેઠો અને કોને ખબર પણ મને ખૂબ જ રડવું આવી ગયું. મારી પહેલી જ વાત તેમને હતી કે મારે સંન્યાસ લેવો છે.’
દીર્ઘદૃષ્ટા ગુરુ
૧૯૩૫માં બંગલા દેશમાં જન્મેલા પૂજ્ય તિમિર બરન સ્વામી પશ્ચિમ બંગાળના ખૂબ જ સંપન્ન પરિવારમાંથી આવતા હતા. ૧૯૫૨થી ૧૯૬૨ સુધી તેઓ બ્રિટનમાં રહ્યા અને એ જમાનામાં તેમણે કંપની સેક્રેટરી અને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ તરીકેની ડિગ્રી ત્યાંથી લીધેલી. ભારત પાછા આવ્યા ત્યારે તેમને મુંબઈમાં બહુ જ ઊંચા હોદ્દાની જૉબ પણ મળી ગઈ હતી. મુંબઈની તાજમહેલ હોટેલમાં તેમને કંપનીએ ઉતારો આપેલો. તાજમાં હજી તો પહેલી જ રાત હતી અને અડધી રાતે તેમને કોઈક ચમકારો થયો. દુર્ગામાના સાક્ષાત્કારના એ અનુભવ પછી તેમણે નોકરી ત્યાં જ પડતી મૂકી અને સંન્યાસ લેવાનો નિર્ણય લીધો. એ જ ગુરુજી ગુજરાતમાં સ્વામી ચંદ્રમૌલીજીને મળ્યા ત્યારના અનુભવને આગળ વર્ણવતાં તેઓ કહે છે, ‘મારું રડવાનું પૂરું થયું એટલે તેમણે મને મારું નામ પૂછ્યું. ‘ચંદ્રમૌલી.’ તેઓ વધારે પડતું ઇંગ્લિશમાં વાત કરતા હતા અથવા બંગાળી. પછી તો તેઓ હિન્દી પણ બહુ સરસ બોલતા. જોકે એ દિવસે તેમણે કહ્યું કે ઇટ્સ ટૂ લૉન્ગ નેમ, આઇ વિલ કૉલ યુ મૌલી. મેં કહ્યું કે તમે મને જે નામથી બોલાવો એ ચાલશે. મારી સંન્યાસની વાત સાંભળીને તેમણે કહ્યું કે પહેલાં તું ભણવાનું પૂરું કર. ભણવામાં બેસ્ટ રહેવાનું છે તારે. મેં સામે થોડીક દલીલ પણ કરી કે આમ પણ સંન્યાસ જ લેવાનો હોય તો શું કામ સમય બગાડવો છે? તો તેઓ કહે, ‘ડુ યુ નો મોર ધૅન મી?’ પછી તો દલીલનો પ્રશ્ન જ નહોતો. એ પછી તેમણે મને અમુક નિયમોનું પાલન કરવાનું કહેલું. હું તો તેઓ જે કહે એ કરવા તૈયાર હતો. મેડિકલ ફીલ્ડમાં મને રસ હતો એટલે આગળ એમાં જ ભણ્યો. એમબીબીએસની ફાઇનલમાં રાજ્ય કક્ષાએ પહેલો આવેલો. ભણવાનું ચાલુ હતું ત્યારે દર વેકેશનમાં તેમની પાસે જતો. ભણવાનું પૂરું કર્યું અને ઇન્ટર્નશિપ બાકી હતી ત્યારે હું સીધો તેમની પાસે પહોંચી ગયેલો. એ પણ બહુ રોચક કિસ્સો છે. તેઓ મોટેભાગે ચાણોદ રહેતા. હું તેમની પાસે જઈ રહ્યો હતો ત્યારે ત્યાં બહુ વરસાદ હતો, વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો. લગભગ બાવીસ કિલોમીટર પગપાળા ચાલીને હું ગુરુજી પાસે પહોંચ્યો હતો. એ મુલાકાત વખતે તેઓ મને સંન્યાસ આપવા તૈયાર હતા. મારાં માતાની આજ્ઞા હતી જ. બસ, જીવન પાછું બદલાઈ ગયું.’
નિયમબદ્ધ જીવન
સંન્યાસ લીધા પછીના નિયમો વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘ગુરુદેવે ચોવીસ વર્ષ સુધી પૈસાને હાથ ન લગાડવો, આઠ મહિના પરિવ્રાજક તરીકે જુદી-જુદી જગ્યાએ જઈને સાધના કરવી અને ચાર મહિના ચાતુર્માસમાં તેમની સાથે રહેવું, સીવેલાં કપડાં ન પહેરવાં, પાંચ ઘરની ભિક્ષા પર જીવનનિર્વાહ કરવો. એક જ ટાઇમ ભોજન લેવું અને ચોવીસ કલાકના દિવસમાંથી બારથી પંદર કલાક મૌનયુક્ત ધ્યાનમાં પસાર કરવા આવા નિયમો પાળવાનું વચન મારી પાસે લીધું હતું. મારા ગુરુદેવ મેડિટેશનને ખૂબ મહત્ત્વપૂર્ણ ગણતા. ઘણી વાર આળસ કરીએ તો અમને વઢતા, ગુસ્સો કરતા. તેઓ કહેતા કે જો તું ગુરુને સંપૂર્ણ સમર્પિત નહીં થઈ શકે તો ઈશ્વરને પણ સમર્પિત નહીં થઈ શકે, ગુરુને પૂર્ણપ્રેમ નહીં કરી શકે તો ઈશ્વરને પણ પૂરો પ્રેમ નહીં કરી શકે. ગુરુ પર વિશ્વાસ નહીં હોય તો ઈશ્વર પ્રત્યે પણ વિશ્વાસ નહીં રાખી શકે. સંન્યાસ પછી તરત જ તેમણે મને કાશ્મીરમાં ગુલમર્ગ, સોનમર્ગ મોકલેલો. એ સમયે ત્યાં અત્યાર જેટલો આતંક નહોતો. ઘણી જુદી-જુદી જગ્યાએ ગુફામાં રહીને ધ્યાન સાધનાઓ કરવાનું માર્ગદર્શન અને દિશાસૂચન તેમની પાસેથી મળ્યું છે. મને યાદ છે કે પહેલાં બે વર્ષ તો તેમણે મને કોઈ પુસ્તક વાંચવાની પણ અનુમતિ નહોતી આપી. માત્ર ધ્યાનસ્થ થઈને સ્થિરતાનો અભ્યાસ કર આ એક જ તેમની આજ્ઞા હતી. એ પછી તેમણે મને કાશી મોકલીને વેદાંતનો અભ્યાસ કરાવ્યો, પછી કુરાન, બાઇબલ જેવાં અન્ય ધર્મનાં પુસ્તકોનો અભ્યાસ પણ કરાવ્યો. આજે વિચારું છું તો લાગે કે કેટલી મોટી કૃપા તેમની મારા પર રહી. જ્યારે તમે પાણી હો ત્યારે ગુરુની કૃપા અને માર્ગદર્શનથી એક જુદા જ આકારમાં તમે ઢળતા હો છો. સંન્યાસનાં પહેલાં ચોવીસ વર્ષમાં મારી પૈસા અને શરીરની નિર્ભરતા ઓછી કરાવી તેમણે. સાચા ગુરુને તમે ક્યાં ઓછા પડો છો એની ખબર છે અને તમારા માટે શું જરૂરી છે એ ખબર હોય છે. ગૂગલને એની ન ખબર પડે. ગૂગલમાં તમને માહિતીઓ પુષ્કળ મળે પણ વિવેકબુદ્ધિ સાથેનું જ્ઞાન તો કોઈ કાળે ન મળે. ગૂગલ જ શું કામ, આખો રૂમ ભરીને ધર્મના અને અધ્યાત્મના પુસ્તકો પડ્યાં હોય તો તમે કંઈ પંડિત નથી થઈ જતા. ઇન્ફર્મેશન અને નૉલેજ જુદી બાબત છે. દરેક વ્યક્તિને હું કહીશ કે તમે સાચા ગુરુ મળે તો સમર્પિત થઈ જાઓ અને ધારો કે તમને એવા ગુરુ નથી મળ્યા તો તમારા ઇષ્ટદેવની મનોમન ગુરુ તરીકે તમારા હૃદયમાં સ્થાપના કરો અને રોજ નિશ્ચિત સમયે નિયમિતપણે તેમનું ધ્યાન ધરો.’
ADVERTISEMENT
બહુ જ મોટી શીખ
મેડિટેશનને ખૂબ મહત્ત્વ આપનારા સ્વામી તિમિરબરનજીની સલાહ વિશે વાત કરતાં ચંદ્રમૌલી સ્વામીજી કહે છે, ‘મારા ગુરુજી પતંજલિ યોગસૂત્રના અભ્યાસ વખતે અમને કહેતા કે કોઈ પણ સામાન્યમાં સામાન્ય વ્યક્તિએ પણ તેમની ઉંમરના આંકડા મુજબનો ધ્યાનનો અભ્યાસ રોજેરોજ નિયમિત કરવો જ જોઈએ. તેઓ કહેતા કે જો ૨૭ સેકન્ડ સુધી તમારું મન વિચારરહિત રહે તો તમે પ્રત્યાહારની અવસ્થા સુધી પહોંચ્યા ગણાઓ. રોજ છ મહિના સુધી તમારી ઉંમર મુજબની મિનિટ માટે તમે અભ્યાસ કરો તો છ મહિનામાં જ તમારું મન વધુ ઉચ્ચ અભ્યાસ માટે તૈયાર થઈ જતું હોય છે. તમારે પ્રોગ્રેસ માટે સ્પેસ ક્રીએટ કરવી પડશે. ખોટી બાબતોમાંથી ધ્યાન હટાવશો તો એ સ્પેસ ક્રીએટ થશે અને જ સાચી બાબતોમાં ધ્યાન લાગશે.’
ધારો કે તમને સાચા ગુરુ નથી મળ્યા તો તમારા ઇષ્ટદેવની મનોમન ગુરુ તરીકે તમારા હૃદયમાં સ્થાપના કરો અને રોજ નિશ્ચિત સમયે નિયમિતપણે તેમનું ધ્યાન ધરો.

