તમને ખબર છે? વાળ શેવ કરાવી નાખો તો ફરીથી એને ખભા સુધી લાંબા થતા એવરેજ ત્રણ વર્ષનો સમય લાગે છે અને કમર સુધી આવતાં ૭ વર્ષ જેટલો સમય લાગે છે.
સ્પેશ્યલ સ્ટોરી
મીરલ જોશી, નિધિ ટીલ્લુ અને ડૉલી સોલંકી
હેરસ્ટાઇલ ચેન્જ કરો એટલે તમારો આખો લુક અને પર્સનાલિટી બદલાઈ જાય, પણ ક્યારેક આવો ચેન્જ તમને સૂટ ન થાય, ક્યારેક ખોટી રીતે કાતર ફરી જાય ત્યારે વાળ સાથે અવળચંડાઈ કર્યાનો અફસોસ પણ થાય. મેકઓવર માટે હેરકટ કરાવતી વખતે કેવા ખાટામીઠા અનુભવો થાય છે એ શૅર કરે છે કેટલીક માનુનીઓ
નોકરીનો ઇન્ટરવ્યુ આપવા જતાં પહેલાં આશના રૉય નામની દિલ્હીની એક મૉડલ ફાઇવસ્ટાર હોટેલના સૅલોંમાં વાળ કપાવવા ગઈ હતી. હેરસ્ટાઇલિસ્ટે ખોટી રીતે હેરકટ કરતાં તેણે મૅનેજરને ફરિયાદ કરી. મૅનેજરે ફ્રીમાં પ્રૉપર સ્ટાઇલ કરી આપવાની બાંયધરી આપી પણ હેરસ્ટાઇલિસ્ટે એને વધુ ખરાબ કરી નાખતાં આશના આઘાતમાં સરી પડી. ઇન્ટરવ્યુ મિસ થઈ જતાં તેણે ગ્રાહક તકરાર કમિશનના દરવાજા ખખડાવ્યા. હોટેલ સામે લેખિત માફીનામું અને ત્રણ કરોડ રૂપિયાનો દાવો માંડ્યો. તકરાર નિવારણ કમિશન અને સુપ્રીમ કોર્ટ સમક્ષ જાતે દલીલ કરીને તે આ કેસ જીતી ગઈ. કોર્ટે હોટેલને વળતરપેટે બે કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો.
ADVERTISEMENT
હ્યુમન સાઇકોલૉજી પ્રમાણે ટોળામાં અલગ તરી આવવું હોય તો તમારા વાળની સ્ટાઇલ હટકે હોવી જોઈએ. ફેશ્યલ મેકઓવરમાં હેરકટનો રોલ અગત્યનો હોવાથી આપણે બધા સમયાંતરે હેરસ્ટાઇલમાં ચેન્જ લાવીએ છીએ. અમુક બ્યુટિપાર્લરમાં કે સૅલોંમાં જઈને જ વાળ કપાવવાના, ફલાણો કે ફલાણી હેરસ્ટાઇલિસ્ટ જ જોઈએ એવો આગ્રહ રાખવા છતાં ક્યારેક ચૂક થઈ જાય છે. હેરકટ કરાવતી વખતે કેવા-કેવા અનુભવો થતા હોય છે જુઓ.
ડ્રાસ્ટિક ચેન્જને ઍક્સેપ્ટ કરવાનું અઘરું
લાખો ફૉલોઅર્સ ધરાવતા ઇન્સ્ટાગ્રામ પેજ ધ બૉમ્બે બ્રુનેટને હૅન્ડલ કરતાં ડિજિટલ ક્રીએટર અને બ્યુટી ઍન્ડ સ્કિન બ્લૉગર ડૉલી સોલંકીને જુદાં-જુદાં સૅલોં રીલ્સ બનાવવા માટે ઇન્વિટેશન મોકલતાં હોય છે. ઘણીબધી જગ્યાએ જવાથી તેમને અનેક સારાનરસા અનુભવો થયા છે. પોતાના એક્સ્પીરિયન્સ શૅર કરતાં ડૉલી કહે છે, ‘ઇન્ફ્લુઅન્સર હોવાના નાતે મારા માટે કન્ટેન્ટ મહત્ત્વની છે. ચારેક વર્ષ પહેલાં હેરસ્ટાઇલિંગનો બીફોર-આફ્ટર વિડિયો બનાવવા ગઈ હતી. હેરને ટ્રિમ કરવાની વાત કરી હતી પણ હેરસ્ટાઇલિસ્ટે ચોટલાને જ નીચેથી કાપી નાખ્યો. આ રીતે ડાયરેક્ટ કટ કરવાથી વાળ ખોલ્યા પછી અનઈવન લુક થઈ ગયો. હેરસ્ટાઇલિંગનો વિડિયો ખરાબ હેરકટમાં કન્વર્ટ થઈ જતાં આંચકો લાગ્યો. ત્યાર બાદ હેરસ્ટાઇલિસ્ટે બ્લન્ટ કટ કરીને હેર પ્રૉપર કરી આપ્યા, પરંતુ લેંગ્થ એકદમ શૉર્ટ થઈ ગઈ. કપાઈ ગયેલા વાળને પાછા ચોંટાડી તો ન શકાય એટલે મન મનાવી લીધું. ડ્રાસ્ટિક ચેન્જને ઍક્સેપ્ટ કરવામાં વાર લાગે છે. જોકે મારા સર્કલમાં અને ફૉલોઅર્સને ફ્રેશ લુક ખૂબ ગમ્યો હતો. બીજો પણ એક કિસ્સો બન્યો હતો જેમાં ખરાબ હેરકલરિંગથી વાળની નીચેની ત્વચા અને રૂટ્સને નુકસાન થયું હતું. હેર ડૅમેજ માટે સૅલોંની ઓનરે માફી માગી હતી. હેરની કોઈ પણ ટ્રીટમેન્ટ રૉન્ગ જવાથી કૉન્ફિડન્સ ડાઉન થઈ જાય છે. મને તો રૂટીન લાઇફમાં પણ શૅમ્પૂ કર્યા પછી બ્લો ડ્રાય કરવાનું રહી જાય તો એવું લાગે કે આજે હું સારી નથી લાગતી. જૂના ફોટો જોઈને ક્યારેક શૉર્ટ હેર કરાવવાનું ટેમ્પ્ટેશન થાય પણ કરાવતી નથી. વાળ લાંબા કરવામાં બહુ મહેનત લાગે છે.’
આ પણ વાંચો : વરરાજાનો વટ પડે એવો વરઘોડો કાઢવા મુંબઈની બહાર જવું પડે
હેરસ્ટાઇલ એનર્જી બૂસ્ટર
હેરકટને મહિલાઓના અપીરન્સ અને મૂડસ્વિંગ્સ સાથે ડાયરેક્ટ કનેક્શન છે. સોશ્યલ મીડિયા પર મૉમ મંચકિન્સ સ્કૉવ્ડ નામનું વિમેન કમ્યુનિટી પેજ હૅન્ડલ કરતાં મીરલ જોશી આવો અભિપ્રાય આપતાં જણાવે છે, ‘મને યાદ છે, બિગ બૉસની એક સીઝનમાં ટાસ્ક દરમિયાન વાળ કાપી નાખવામાં આવતાં મહિલા પાર્ટિસિપન્ટની આંખમાં આંસુ આવી ગયાં હતાં. વાળની સુંદરતા સાથે મહિલા ઇમોશનલી અટૅચ્ડ હોય છે. હેર ઇઝ સમથિંગ લાઇક ગ્રો વિથ હર ઍન્ડ ગો વિથ હર. સ્કૂલમાં ચોટલા વાળીને જતાં, કૉલેજમાં એન્ટર થઈએ એટલે ઓપન હેર ગમે, લગ્ન બાદ વળી જુદી સ્ટાઇલ કરાવીએ. આ ટ્રાન્ઝિશન લાઇફના દરેક સ્ટેજ પર ચાલતું રહે છે. સોસાયટીનું ઇન્ફ્લુઅન્સ પણ હોય છે. મેસી હેર જોઈને કમેન્ટ્સ આવશે હોમમેકર હશે, નાનું બાળક હશે એટલે વાળ ઓળવાનો ટાઇમ નહીં મળતો હોય, પ્રૉપર સ્ટાઇલ જોઈને લોકો કહેશે વાળ પાછળ બહુ ખર્ચો કરતી હશે. આ બધાં સ્ટેટમેન્ટ મારા માટે મહત્ત્વનાં છે, કારણ કે હું હેર માટે સ્પેન્ડ કરું છું. થર્ડ પાર્ટીની ભૂલના કારણે લુક બગડી જાય તો ડિપ્રેશન આવે. ઘણી વાર એ લોકો પોતાનો બચાવ કરતાં આપણને સમજાવે કે મૅડમ હેર ગ્રો હો જાએગા. અરે, પણ જે ઓકેઝન માટે વાળ કાપવાના હતા એ પાછું નહીં આવે. મારી સાથે આવું થયું હતું. ક્યારેક આપણે પોતે પણ ભૂલ કરી બેસતાં હોઈએ છીએ. એક વાર હેરસ્ટાઇલિસ્ટની વાતમાં આવીને સ્ટ્રેટનિંગ કરાવ્યું અને પછી ખૂબ પસ્તાવો થયો. જોકે હેરસ્ટાઇલિંગ મારા માટે એનર્જી બૂસ્ટર છે. સમયાંતરે સ્ટાઇલ ચેન્જ કરવાથી મૂડ સારો રહે છે. હજી ગયા અઠવાડિયે કમર સુધીના વાળને શૉર્ટ કરાવ્યા છે. નવા લુકથી ગુડ ફીલ કરું છું.’
મેકઓવર માટે ઘણી રાહ જોઈ
દરેક યંગ ગર્લને હેરસ્ટાઇલિંગનો ક્રેઝ હોય છે, પરંતુ ઇન્ડિયન મૉમ હેરકટિંગ માટે હા નથી પાડતી. તેમની એવી માન્યતા છે કે છોકરીઓ લાંબા વાળમાં જ સુંદર દેખાય. મારાં મમ્મી પણ હેરકટની વિરુદ્ધ હતાં એવી વાત કરતાં ઍડ્વોકેટ નિધિ ટિલ્લુ કહે છે, ‘મારા વાળ ખૂબ જ વાંકડિયા અને લાંબા હતા. વેરી યંગ એજથી વાળ કપાવવાની અદમ્ય ઇચ્છા હતી. જ્યારે પણ મમ્મી સામે હેરકટની વાત કરતી, જવાબ મળતો, સાસરે જઈને જે કરવું હોય એ કરજે. મને એમ હતું કે આ સપનું ક્યારેય પૂરું નહીં થાય. ડિસેમ્બરમાં મારાં મૅરેજ થઈ ગયાં. હસબન્ડને વાત કરી ત્યારે પણ મનમાં ડાઉટ હતો. જોકે તેમણે મારા નિર્ણયને સમર્થન આપ્યું એટલું જ નહીં, બોલ્ડ લુક માટે પ્રોત્સાહિત કરી. ફર્સ્ટ વૅલેન્ટાઇન ડેના ૧૮ ઇંચ જેટલા લાંબા વાળને ડાયરેક્ટ પિક્સી કટ કરાવી નાખ્યા. હેરકટ કરાવ્યા પછી મારો આત્મવિશ્વાસ વધ્યો છે. મજાની વાત એ કે હેરકટના કારણે હવે મારું પિયર્સિંગ દેખાય છે. પહેલાં વાંકડિયા વાળ પાછળ છુપાઈ જતી હતી. મોટા ભાગના લોકોએ મારી ડેરિંગની પ્રશંસા કરી છે તો કેટલાકને ન્યુ લુક ગમ્યો નથી. બીજા શું કહે છે એ વિચારવાનું છોડી દીધું, કારણ કે મને પોતાને મારો દેખાવ ખૂબ ગમ્યો છે. કાપી નાખેલા વાળને કૅન્સરના દરદીઓ માટે ડોનેટ કરી દેવાથી સારું કાર્ય કરવાનો સંતોષ પણ ચહેરા પર ઝળકે છે.’