જોકે જેમને હોંશ છે તેઓ ડેસ્ટિનેશન વેડિંગ પ્લાન કરી લેટેસ્ટ સ્ટાઇલમાં વરઘોડો કાઢી જબરો જલસો કરે છે
શાદી મેં ઝરૂર આના
પ્રતીકાત્મક તસવીર
ઘોંઘાટ કરવાની મનાઈ, સૉફિસ્ટિકેટેડ ક્રાઉડ, ટ્રાફિક, સમયનો અભાવ જેવાં કારણોસર મુંબઈમાં ઘોડી પર બેઠેલા વરરાજા અને રસ્તાની વચ્ચે બેરોકટોક નાચતા જાનૈયાઓ ભાગ્યે જ જોવા મળે છે. જોકે જેમને હોંશ છે તેઓ ડેસ્ટિનેશન વેડિંગ પ્લાન કરી લેટેસ્ટ સ્ટાઇલમાં વરઘોડો કાઢી જબરો જલસો કરે છે
ADVERTISEMENT
ભાવનગર જેવા વિશાળ વરઘોડા તમને ક્યાંય જોવા નહીં મળે એવી જાણકારી સાથે વાતની શરૂઆત કરતાં બોરીવલી વેસ્ટમાં આવેલા આંગન ક્લાસિક હૉલના મૅનેજર માનવ ગોહિલ દરબાર કહે છે, ‘ગુજરાતની પ્રજા આજે પણ જૂના રીતરિવાજોને અનુસરે છે. ગામડાંમાં નિરાંતનું જીવન હોવાથી તેઓ દરેક વિધિ માટે પૂરતો સમય ફાળવે છે અને પ્રસંગને અઠવાડિયા સુધી માણે છે. આપણી પાસે એવો સમય નથી. એક જ દિવસમાં તમામ વિધિ આટોપી લેવાની હોય એમાં કલાકો સુધી વરઘોડામાં નાચી ન શકાય. બીજું, વરઘોડામાં નાચવા માટે ક્રાઉડ જોઈએ. મુંબઈનાં લગ્નમાં મહેમાનોની સંખ્યા મર્યાદિત હોય છે. શહેરના એક ખૂણેથી બીજા ખૂણામાં આવેલી વાડીમાં પહોંચતાં અડધો દિવસ નીકળી જાય. નાના શહેરમાં રહેતા પરિવારો અને મુંબઈના લોકોનો માઇન્ડ સેટ પણ જુદો છે. વરઘોડો રોડ પર નીકળે છે. વરરાજા ઘોડી પર બેઠા હોય, આખું કુટુંબ રસ્તા પર નાચે, પબ્લિક જોતી હોય તોય બધા એન્જૉય કરે. મુંબઈમાં સૉફિસ્ટિકેટેડ ક્રાઉડ છે. તેઓ પ્રી-વેડિંગ ફંક્શનમાં હૉલની ચાર દીવાલની અંદર ડાન્સ કરે છે, પરંતુ રસ્તા પર આવતાં-જતાં લોકો જુએ એ રીતે નાચવાનું પસંદ નથી કરતા. ઘોડી પર બેઠેલા વરરાજાનો રુઆબ અને કારમાં બેઠેલા વરરાજાનો અંદાજ અલગ છે. મુંબઈના વરરાજા પરસેવે રેબઝેબ થતાં ઘોડી પર બેસીને પરણવા નથી આવતા. જાનૈયાઓ વેન્યુ સુધી એસી કારમાં આવે છે. ઘોંઘાટ સંબંધિત સરકારી પૉલિસી પણ નડે છે. આવાં અનેક કારણોસર મેટ્રો સિટીમાં વરઘોડાની પ્રથા ખતમ થઈ રહી છે. અમારા હૉલમાં દરેક જ્ઞાતિના લોકો પોતાના રીતરિવાજો પ્રમાણે લગ્ન કરી શકે છે, પરંતુ ગેટની અંદર એન્ટર થયા પછી બૅન્ડવાજા કે ડીજે વગાડવાની મનાઈ છે.’
આ પણ વાંચો : મંગળફેરા : મ્યુઝિકલ કે ટ્રેડિશનલ?
બારાત ઑન વ્હીલ્સ
મુંબઈમાં વરઘોડો નીકળે છે ખરો, પરંતુ આપણે ઇચ્છીએ એવી મોજ કરવા નથી મળતી. એક કિસ્સો શૅર કરતાં કારપેડિએમ ઇવેન્ટ પ્લાનરના ઍન્કર ઍન્ડ પ્લાનર ગ્રીષ્મા રેલિયા ઠક્કર કહે છે, ‘આ સીઝનમાં અંધેરીના ક્લાયન્ટ્સે ઘરેથી વેન્યુ સુધી વરઘોડો કાઢવા અમારી પાસે બૅન્ડબાજાનું બુકિંગ કરાવ્યું હતું. થયું એવું કે સોસાયટી અને હૉલવાળા બન્નેએ બૅન્ડ વગાડવાની પરમિશન ન આપી. જોકે તેમને ખૂબ હોંશ હતી તેથી મન મનાવીને રસ્તામાં નાચી લીધું. મુંબઈમાં બિઝી સ્ટ્રીટ અને નૉઇસ પૉલ્યુશન રિલેટેડ પ્રોટોકૉલના કારણે વરઘોડો કાઢવામાં ઘણા ઇશ્યુ આવે છે. મોટા ભાગનાં લગ્નો ફાઇવ સ્ટાર હોટેલમાં અથવા બૅન્ક્વેટ હૉલમાં થાય છે. એ લોકો બૅન્ડ વગાડવાની પરમિશન આપતાં નથી તેથી વરઘોડાની પ્રથાને પૂરતો ન્યાય આપી શકાતો નથી. કચ્છ, ગુજરાતનાં શહેરો, લોનાવલા, મહાબળેશ્વર વગેરે આઉટસાઇડ પ્રૉપર્ટીમાં વેડિંગ લેવાનાં જુદાં-જુદાં કારણોમાં વરઘોડો કાઢવા માટે મુંબઈમાં રિસ્ટ્રિક્શન પણ એક કારણ છે. મુંબઈની બહાર પ્રોટોકૉલ નડતા નથી તેથી અમને પણ નવતર પ્રયોગ કરવાની તક મળે છે. બારાત ઑન વ્હીલ્સ વરઘોડો કાઢવાની લેટેસ્ટ સ્ટાઇલ છે. એમાં વરરાજાની પાછળ ઓપન ટ્રકમાં લાઇવ બૅન્ડ, ઢોલી અને આર્ટિસ્ટ હોય છે. વરરાજાની આગળ પરંપરા પ્રમાણે બારાતીઓ ડાન્સ કરે છે. ડેસ્ટિનેશન વેડિંગમાં સામાન્ય રીતે પબ્લિકની અવરજવર ઓછી હોય તેથી બેરોકટોક બારાત નીકળે અને નાચવા માટે જોઈએ એટલો ટાઇમ લઈ શકો છો.’
ગામડાંમાં પ્રસંગને અઠવાડિયા સુધી માણે છે. આપણી પાસે એવો સમય અને ક્રાઉડ નથી. એક જ દિવસમાં તમામ વિધિ આટોપી લેવાની હોય એમાં કલાકો સુધી વરઘોડામાં નાચી ન શકાય. - માનવ ગોહિલ દરબાર