Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > બહેનોની, બહેનો માટેની અને બહેનો દ્વારા ચાલતી અનોખી બાલિકા પંચાયત

બહેનોની, બહેનો માટેની અને બહેનો દ્વારા ચાલતી અનોખી બાલિકા પંચાયત

Published : 25 July, 2021 03:54 PM | IST | Mumbai
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

નાની એજથી જ વહીવટી તંત્રનો અનુભવ મેળવીને મહિલાઓ ખરા અર્થમાં રાજકીય વહીવટોમાં સહભાગીદારી કરે એ માટે આ ઉદાહરણીય અને આવકારદાયી પગલું છે

મસ્કા ગામે બાલિકા પંચાયતની નવી ઑફિસ પાસે બાલિકા પંચાયતની સભ્યો

મસ્કા ગામે બાલિકા પંચાયતની નવી ઑફિસ પાસે બાલિકા પંચાયતની સભ્યો


કચ્છનાં ત્રણ ગામોમાં આવી અનોખી પંચાયત શરૂ કરવામાં આવી છે જે હવે સૉલ્વ કરશે ગામની બહેનોની સમસ્યાઓ. આ પંચાયત ગામની ૧૦થી ૨૧ વર્ષની છોકરીઓમાં લીડરશિપના ગુણો કેળવીને મહિલા વિકાસના મુદ્દાઓ પર કામ કરશે. નાની એજથી જ વહીવટી તંત્રનો અનુભવ મેળવીને મહિલાઓ ખરા અર્થમાં રાજકીય વહીવટોમાં સહભાગીદારી કરે એ માટે આ ઉદાહરણીય અને આવકારદાયી પગલું છે

કચ્છમાં આવેલા કુનરિયા ગામમાં હમણાં ચૂંટણી યોજાઈ. મતદાનના દિવસે ગામમાં મતદાનમથકે ૧૦ વર્ષની દીકરી મતદાન કરવા ગઈ. ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા કર્મચારીએ તેનું નામ મતદારયાદીમાં ચેક કર્યું. નાની ઉંમરની આ મતદાર દીકરીની આંગળી પર કાળી શાહીનું ટપકું કરાયું અને એ દીકરીએ તેના જીવનમાં પહેલી વાર મતદાન કર્યું. તેના ચહેરા પર એક પ્રકારની ખુશી છલકતી હતી અને જાણે કહી રહી હતી કે મેં મારા ઉજ્જવળ ભવિષ્ય માટે મતદાન કર્યું.



હા, કુનરિયા ગામમાં માત્ર આ ૧૦ વર્ષની દીકરીએ જ નહીં, તેના જેવી ૨૦૯ જેટલી ૧૦થી ૨૧ વર્ષની છોકરીઓએ મતદાન કર્યું. આ ચૂંટણીનું રિઝલ્ટ ડિક્લેર થયું અને ગામની ૨૧ વર્ષની યુવતી ભારતી હરિભાઈ ગરવા બાલિકા પંચાયતની પહેલી સરપંચ બની.


ગુજરાતમાં આવકારદાયક, પ્રેરણાદાયક અને અનુકરણીય પહેલ થઈ છે. આ પહેલ એટલે બાલિકા પંચાયત. બાલિકા પંચાયત આમ તો સંવિધાનિક દરજ્જો નથી, પણ એ ગામની પંચાયતની પૅરૅલલ કામ કરશે. ગામની છોકરીઓ આગળ આવે, તેમનામાં લીડરશિપના ગુણ કેળવાય, નેતૃત્વશક્તિ ખીલે, સક્રિય રાજકારણમાં રસ લેતી થાય, ગામમાં જેઓ બોલી નથી શકતી તેવી બહેનો અને મહિલાઓનો અવાજ બને, ગામની અબળાના પડખે ઢાલ બનીને ઊભી રહે, પંચાયતનું કામ

કેવી રીતે થાય છે એ જુએ, છોકરીઓ અને મહિલાઓ માટેની સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર થાય તેમ જ વહીવટી પ્રક્રિયાનો અનુભવ મળે એ સહિતની બાબતોથી ગામની કિશોરીઓ અને યુવતીઓ વાકેફ થાય અને તેમના જેવી ગર્લ્સ–વિમેન્સ માટે કામ કરે અને તેમને સમજાવે-શીખવાડે અને ગામના વિકાસમાં તેમની પણ સહભાગીદારી બને એવા ઉમદા ઉદ્દેશ સાથે બાલિકા પંચાયતની શરૂઆત


થઈ છે.

વિચારબીજ ફિલિપિન્સમાંથી

હાલમાં ગુજરાતના કચ્છ જિલ્લામાં ભુજ, માંડવી અને નખત્રાણા તાલુકાનાં ત્રણ ગામમાં ગામની જ કિશોરીઓ–યુવતીઓ દ્વારા સંચાલિત બાલિકા પંચાયતની શરૂઆત થઈ છે જે ગ્રામ પંચાયત સાથે મળીને ગામની દીકરીઓ અને મહિલાઓના ઉત્કર્ષ માટે કામ કરશે. બાલિકા પંચાયતનો વિચાર કેવી રીતે સ્ફૂર્યો અને એનું અમલીકરણ કઈ રીતે થયું એ વિશે કુનરિયા ગામના સરપંચ સુરેશ છાંગા કહે છે, ‘ફિલિપિન્સમાં યુથ કાઉન્સિલ ચાલે છે. એના વિશે જાણ્યું અને થયું કે ગામની દીકરીઓને ગામના કારભારમાં સહભાગીદાર બનાવીએ. આપણે ત્યાં મહિલા અનામત છે, તેઓ ચૂંટાય પણ છે; પરંતુ હકીકતમાં તો ઘણા કેસમાં તેમના બદલે પુરુષો જ કામ કરતા હોય છે. તો બહેનોની ભાગીદારી ક્યાં? એટલે બાલિકા પંચાયતની શરૂઆત કરી. કુપોષણ, એજ્યુકેશન, હેલ્થના ઇશ્યુ છે તે પંચાયતો દ્વારા અટેન્ડ કરવા; પણ ગ્રાઉન્ડ લેવલથી આ સબ્જેક્ટ રેઝ નથી થતા. સૅનિટરી પૅડના વિતરણ માટે ફિલ્મ બને, પણ લોકલ ગવર્નન્સ શું કરે છે? બાલિકા પંચાયત આવા બધા વિષયો ઉઠાવશે. એજ્યુકેશનમાં દીકરીઓનો ડ્રૉપઆઉટ રેશિયો ઘટે, છોકરીઓને ભણતરની દિશામાં વધુ પ્રોત્સાહિત કરવામાં આવે એ દિશામાં આ બાલિકા પંચાયત કામ કરશે. આ ઉપરાંત ગામની કિશોરીઓ–યુવતીઓ પણ નિર્ણય પ્રક્રિયામાં ભાગીદાર થાય અને પૉલિટિક્સમાં આગળ આવે એ હેતુ પણ બાલિકા પંચાયત પાછળનો છે.’

ચૂંટણી કઈ રીતે યોજાઈ?

કુનરિયા ગામમાં બાલિકા પંચાયતની ચૂંટણી કેવી રીતે યોજાઈ અને મતદાન કેવી રીતે થયું એ સહિતની ચૂંટણી-પ્રક્રિયા વિશે વાત કરતાં સુરેશ છાંગા કહે છે, ‘ગામની દીકરીઓ સાથે અમે બેઠક યોજી હતી. તેમને બાલિકા પંચાયતનો કન્સેપ્ટ સમજાવ્યો. ગામમાં રહેતી ૧૦થી ૨૧ વર્ષની કિશોરીઓ તેમ જ યુવતીઓની મતદારયાદી બનાવી. એમાં ૪૧૦ મતદારોની યાદી બની. બાલિકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી ફૉર્મ ભરાયાં. ૪ બહેનોએ ઉમેદવારી ફૉર્મ પાછાં ખેંચ્યાં જેથી ૪ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. જે ઉમેદવારો હતા તેમણે ડોર-ટુ-ડોર પ્રચાર પણ કર્યો. ગામના અલગ-અલગ વૉર્ડમાં દીકરીઓની મીટિંગ તેમ જ ચૂંટણીસભા પણ યોજાઈ. ગામની લાઇબ્રેરીમાં મતદાનમથક બનાવ્યું હતું જ્યાં ગયા સોમવારે મતદાન યોજાયું હતું. ૨૦૯ દીકરીઓ અને યુવતીઓએ મતદાન કર્યું હતું. મતદાન બાદ મતગણતરી હાથ ધરાઈ હતી જેમાં સરપંચ તરીકે ભારતી ગરવા સૌથી વધુ મત મેળવીને ચૂંટાઈ આવી હતી.’

આ પંચાયત કરશે શું?

ગુજરાતના કોઈ ગામમાં બાલિકા પંચાયતનો આવો કન્સેપ્ટ નથી, પહેલી વાર અમે બાલિકા પંચાયતનો કન્સેપ્ટ લાવ્યા છીએ એમ જણાવતાં સરપંચ સુરેશ છાંગા કહે છે, ‘અમારા ગામની બાલિકા પંચાયતમાં એક સરપંચ અને એક ઉપસરપંચ સાથે ૮ સભ્યો છે. આ સભ્યો ૧૬થી ૨૧ વર્ષના છે. આ સભ્યો માટે ઑફિસ અને મીટિંગ માટે હૉલ ગ્રામ પંચાયત પ્રોવાઇડ કરશે. જેન્ડર સેન્સેટિવ બજેટ છે જેમાંથી મહિલા ઉત્કર્ષનાં કામો કરવાનાં હોય છે. એમાંથી બાલિકા પંચાયત માટે ઉપયોગ થશે. મફત કાનૂની સહાય, બહેનો માટે વિવિધ યોજનાઓની ઍપ્લિકેશન અને માર્ગદર્શન સહિતનાં કામો આ સભ્યો કરશે.’

‘બેટી બચાવો, બેટી પઢાઓ’ અંતર્ગત આ પહેલ થઈ છે એની વાત કરતાં કચ્છ જિલ્લા મહિલા અને બાળઅધિકારી અવનિ દવે કહે છે, ‘ગુજરાતનાં ત્રણ ગામમાં બનેલી બાલિકા પંચાયત હાલમાં પ્રાઇમરી લેવલની છે, પરંતુ કંઈક કરી છૂટવા માટે ગામની કિશોરીઓનો ઉત્સાહ જોઈને કચ્છ જિલ્લામાં બીજાં પાંચ ગામમાં બાલિકા પંચાયત શરૂ થાય એ માટે પ્રયાસો શરૂ કર્યા છે. થોડા સમય પહેલાં કેટલાંક ગામના સરપંચ સાથે અમારી બેઠક થઈ હતી. એમાં કંઈક અલગ કરવા વિચારણા થઈ હતી અને બાલિકા પંચાયતનો કન્સેપ્ટ અમલમાં મુકાયો. એની ચૂંટણી માટે અમારો સ્ટાફ ઉપરાંત આંગણવાડી અને શાળાના શિક્ષકો પણ સામેલ થયા. પંચાયતીરાજમાં મહિલા અનામત છે, પણ મોટા ભાગે એવું બને છે કે બહેન ચૂંટાઈને આવે અને વહીવટ તેમના હસબન્ડ કરે છે. બાલિકા પંચાયત પાછળનો અમારો આશય એ છે કે ગામની છોકરીઓ રાજનીતિમાં આગળ આવે, નેતૃત્વ શીખે, પંચાયતની કામગીરીથી અવગત થાય અને એમાં હિસ્સેદારી થાય, સરકારી વહીવટી પ્રક્રિયાની સમજણ આવે, ચૂંટણી-પ્રક્રિયાથી વાકેફ થાય. ગામડાંઓમાં આજે પણ ઘૂંઘટપ્રથા અને એવાં બીજાં કારણોસર સરપંચ સુધી ઘણી બહેનો તેમનો અવાજ પહોંચાડી શકતી નથી ત્યારે ગામની દીકરીઓ આવી બહેનો–મહિલાઓના પ્રશ્નો સાંભળશે અને ઉકેલ લાવશે. આવું બધું જ્યારે ગામની મહિલાઓએ સાંભળ્યું ત્યારે તેમણે કહ્યું કે અમારા માટે આ સારી વાત કહેવાય. અમારા પ્રશ્નો બાલિકા પંચાયત સુધી પહોંચાડી શકીશું.’

મોટા અંગિયામાં સમરસ સરપંચ

નખત્રાણા તાલુકાના મોટા અંગિયા ગામના સરપંચ ઇકબાલ ઘાંચી કહે છે, ‘અમારા ગામમાં બાલિકા પંચાયત માટે સરપંચ સમરસ થયા છે. બાલિકા પંચાયત માટે કેટલાક માપદંડ રાખ્યા હતા જેમાં સૌથી વધુ એજ્યુકેશન કોનું, કામ કરવા માટે સમય કોણ આપી શકે, બધા સાથે કામ કરવાનું હોવાથી તેમ જ મીટિંગ અટેન્ડ કરવાની હોવાથી ઘરેથી સપોર્ટ મળે કે નહીં એવા માપદંડ રાખ્યા હતા. ગામના દરેક વૉર્ડમાંથી દીકરીઓને બોલાવી તેમને પૂછીને ૧૬ સભ્યો નક્કી કર્યા અને એમાંથી સર્વાનુમતે બાલિકા પંચાયતના સરપંચ તરીકે એમએસડબ્લ્યુનો અભ્યાસ કરતી પૂજા ગરવાને નક્કી કરવામાં આવી છે. બાલિકા પંચાયતને પાણી બચાવોની તેમ જ વૃક્ષારોપણની જવાબદારી હમણાં આપી છે તેમ જ ગામની લાઇબ્રેરીનું સંચાલન સોંપ્યું છે જેથી તેમનામાં કૉન્ફિડન્સ આવે. ગામની દીકરીઓના ડેવલપમેન્ટ માટે બાલિકા પંચાયતના સભ્યોનો શું દૃષ્ટિકોણ છે એની ચર્ચા કરીને આગળનું પ્લાનિંગ કરીશું.’

તાલીમ પણ શરૂ

બાલિકા પંચાયત માટે કામ કરવા માંડવી તાલુકાના મસ્કા ગામે તો ઑફિસ પણ ફાળવી દીધી છે અને સભ્યોની મોટિવેશન ટ્રેઇનિંગનું આયોજન પણ કર્યું છે એની વાત કરતાં મસ્કા ગામના સરપંચ કીર્તિ ગોર કહે છે, ‘અમારા ગામની ૧૨મા ધોરણમાં અભ્યાસ કરતી ૧૭ વર્ષની વિધિ નાકર (રાજગોર) બાલિકા પંચાયતની સરપંચ બની છે. બાલિકા પંચાયતના સભ્યોને માર્ગદર્શન મળે એ માટે અધિકારીઓ અને પ્રજાના પ્રતિનિધિઓ સાથે મીટિંગ પણ યોજી છે. પંચાયતમાં ઠરાવો કેવી રીતે થાય, આરોગ્ય–શિક્ષણ સહિતના મુદ્દાઓ, વિવિધ સરકારી યોજનાઓથી આ દીકરીઓને માહિતગાર કરાશે અને એ રીતે તેમને કામગીરી સોંપવામાં આવશે. સામાજિક સમરસતા સાથે સરકારી યોજનાઓ, મહિલા સશક્તીકરણનાં કાર્યો દીકરીઓના માધ્યમથી લોકો સુધી પહોંચશે અને યુવા લીડરશિપ તૈયાર થાય એવો અમારો પ્રયાસ રહેશે.’

બાલિકા પંચાયતની બાલિકા સરપંચોનું વિઝન શું છે?

ગામની છોકરીઓને એજ્યુકેટ કરવી છે ઃ ભારતી ગરવા

કુનરિયા ગામની બાલિકા પંચાયતની પહેલી સરપંચ બનેલી ૨૧ વર્ષની ભારતી ગરવાએ તેના ગામની છોકરીઓને એજ્યુકેટ કરવાનો સંકલ્પ લીધો છે. ભારતી ગરવા કહે છે, ‘પહેલી વાર સરપંચ બનતાં મને પ્રાઉડ ફીલ થાય છે. ગામની ઘણી છોકરીઓ ગામની બહાર નીકળતી નથી; પરંતુ હવે હું સરપંચ બની છું તો છોકરીઓ પણ ભણવા બહાર જાય, દહેજનું દૂષણ બંધ થાય એ સહિતનાં કામ કરવાં છે.’

બી.એ. વિથ ઇકૉનૉમિક્સ સાથે અભ્યાસ કરનાર ભારતી ગરવા કહે છે, ‘સરપંચ તરીકે મને એક વર્ષની તક મળી છે ત્યારે ગામની બહેનોના આરોગ્ય માટે કામ કરવું છે. ખાસ તો પ્રાઇમરી શિક્ષણ પર ભાર મૂકીને કામ કરીશ, કેમ કે ૮મા ધોરણ પછી છોકરીઓ ભણવામાંથી ઊઠી જાય છે. એટલે ગામના આગેવાનોને સાથે રાખીને ડ્રૉપઆઉટ રેશિયો ઘટાડવા માટે કામ કરવું છે. એના માટે આવી છોકરીઓના ઘરે જઈને તેમનાં માતા-પિતાને દીકરીઓને શાળાએ મોકલવા સમજાવીશું. બીજું, મારે મહિલાઓની સુરક્ષા માટે તેમ જ ગામની છોકરીઓ અને મહિલાઓ માનસિક રીતે સ્વસ્થ બને એ માટે કામ કરવું છે. મને મત આપ્યો છે તો હું તેમના ઉત્કર્ષ માટે કામ કરીશ, ગામ માટે કામ કરીશ. ગામમાં ઘણી એવી છોકરીઓ છે જેમનામાં ભરતગૂંથણ સહિતની આર્ટ છે. તેમને પ્લૅટફૉર્મ મળે એ માટે પ્રયત્ન કરવા છે.’

સમાજમાં સુધારો લાવવા માગતા હો તો કાં તો લડી લો અથવા ખૂણે બેસીને રડી લો ઃ પૂજા ગરવા

એમએસડબ્લ્યુનો અભ્યાસ કરી રહેલી મોટા અંગિયા ગામની બાલિકા પંચાયતની સરપંચ બનેલી પૂજા ગરવાનો સ્પષ્ટ મત છે કે સમાજમાં સુધારો લાવવા માગતા હો તો કાં તો લડી લો અથવા તો પછી ઘરના ખૂણે બેસીને રડી લો. પૂજા કહે છે, ‘મારા માટે પૉલિટિક્સ અને લીડરશિપ નવું છે. ગામમાં છોકરીઓ ભણે છે, પણ મેં જોયું છે કે સરકારી સહિતની સ્પર્ધાત્મક પરીક્ષા અને એજ્યુકેશન માટે ગામમાં અવેરનેસ નથી. એટલે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ગામની છોકરીઓ સજાગ થાય અને ભણે એ માટે તેમ જ તેઓ જાતે નિર્ણય લેતી થાય એ પ્રકારની કામગીરી કરવા માગું છું, કેમ કે તમે શિ​ક્ષિત થશો તો સમાજમાં સારાં કામ કરી શકશો. છોકરીઓ એજ્યુકેટેડ થશે તો પરિસ્થિતિ બદલાશે અને પુરુષો પર ડિપેન્ડ નહીં રહેવું પડે. ઘણી વખત મહિલા સરપંચ હોય તો તેમના હસબન્ડ જ કામ કરતા હોય છે, પણ હું પ્રૅક્ટિકલી કામગીરી કરીશ. ગામની છોકરીઓ અને મહિલાઓને મોટિવેટ કરીને તેમનામાં કૉન્ફિડન્સ લાવીશ કે તમે પણ લીડરશિપ લઈ શકો છો, ગામમાં સારું કામ કરી શકો છો એવી કામગીરી કરવા હું પ્રયત્નશીલ રહીશ.’

ગામની દીકરીઓના ઉત્કર્ષ માટે કાર્યો કરવાં છે : વિધિ નાકર

૧૨મા ધોરણમાં અભ્યાસ કરતી ૧૭ વર્ષની ઉંમરની માંડવી તાલુકાના મસ્કા ગામની બાલિકા પંચાયતની સરપંચ બનેલી વિધિ વિજય નાકર ઉર્ફે રાજગોરને કન્યાકેળવણી અને સ્વચ્છતા અભિયાન પર કામ કરવું છે. કેળવણી વિશે વિધિ નાકર કહે છે, ‘મારે ગામની દીકરીઓ અને મહિલાઓના ઉત્કર્ષ અને ઉત્થાન માટે કાર્યો કરવાં છે. ગામમાં સ્વચ્છતા અભિયાનને વેગવંતું બનાવવું છે અને કન્યાકેળવણીને પ્રોત્સાહન મળે એ માટે કામ કરવું છે. ગામમાં ઘણી દીકરીઓ ભણતી નથી તેમને અને તેમના વાલીઓને મળીને તેમને જાગૃત કરવા છે. આજના સમયે અભ્યાસનું શું મહત્ત્વ છે એ તેમને સમજાવવું છે અને તેમની દીકરીઓ પણ ભણતી થાય એ માટે પ્રયાસ કરીશ. બીજું એ કે મારા ગામની દીકરીઓ પોલીસ-સ્ટાફમાં હોય એ પણ મારે જોવું છે. ટૂંકમાં કહું તો મારા ગામની દીકરીઓ બધાં ક્ષેત્રોમાં આગળ વધે એવાં કામો કરવાં છે.’

મોટા થઈને સી.એ. બનવાની ઇચ્છા ધરાવતી વિધિ કહે છે, ‘મને નાની ઉંમરે સરપંચનું સ્ટેજ મળ્યું છે એ મારા માટે ગૌરવની વાત છે. આવું પ્લૅટફૉર્મ દરેક છોકરીને મળે તો તેઓ આગળ વધી શકે છે. બાલિકા પંચાયત બન્યા પછી અમને ગાઇડન્સ આપવા માટે પોલીસસ્ટાફ, તાલુકાના આગેવાન તેમ જ ઍડ્વોકેટ આવ્યા હતા અને અમને માર્ગદર્શન આપ્યું છે એનાથી અમને ઘણીબધી બાબતો જાણવા મળી છે અને અમારામાં કૉન્ફિડન્સ આવ્યો છે.’

Whatsapp-channel Whatsapp-channel

25 July, 2021 03:54 PM IST | Mumbai | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK