આવું રિઝલ્ટ જો કોઈનું આવ્યું હોય અને એ સ્ટુડન્ટ એવું કહે કે પોતે આઇપીએસ ઑફિસર બનવા માગે છે તો દુનિયા ખડખડાટ હસે!
મહારાષ્ટ્ર કેડરના આઇપીએસ ઑફિસર મનોજ શર્માની લાઇફ પર આધારિત ‘12th fail’
આવું રિઝલ્ટ જો કોઈનું આવ્યું હોય અને એ સ્ટુડન્ટ એવું કહે કે પોતે આઇપીએસ ઑફિસર બનવા માગે છે તો દુનિયા ખડખડાટ હસે! મહારાષ્ટ્ર કેડરના આઇપીએસ ઑફિસર મનોજ શર્માની લાઇફ પર આધારિત ‘12th fail’માં એ બધું છે જે એક નિષ્ફળ માણસના જીવનમાં હોય અને એ પછી પણ મનોજ શર્મા આજે એ સ્થાન પર છે જ્યાં તેને રોજ સેંકડો લોકો સૅલ્યુટ કરે છે
‘તમે તેની વાતો સાંભળો તો દરેક વાત પર તમારી આંખો મોટી થવા માંડે. હારવા માટે, પડવા માટે અને બધું છોડી દેવા માટે તેની પાસે એક હજાર કારણો હતાં અને એ પછી પણ એ માણસે ક્યાંય હાર સ્વીકારી નહીં અને એ જ તેની જીતનું સૌથી મોટું રહસ્ય છે,’ ઇન્દોર બેઝ્ડ લેખક અનુરાગ પાઠક કહે છે, ‘જે સમયે મેં મનોજ શર્મા પર બાયોગ્રાફી લખવાનું નક્કી કર્યું એ જ સમયે મને ખબર હતી કે હું એક એવું ક્રીએશન કરવા જઈ રહ્યો છું જે માત્ર મને જ નહીં, પણ મારી ‘12th fail’ને પણ લાખો લોકો સુધી પહોંચાડી દેશે.’
ADVERTISEMENT
વાત કરીએ છીએ મહારાષ્ટ્ર કેડરના આઇપીએસ ઑફિસર મનોજ શર્માની. મધ્ય પ્રદેશના મંદસુર નામના એક નાનકડા ગામના મનોજ શર્માની લાઇફ કોઈ ફિલ્મથી સહેજ પણ ઓછી ઇન્ટરેસ્ટિંગ નથી અને એટલે જ તો ફિલ્મ ડિરેક્ટર વિધુ વિનોદ ચોપડાએ શર્માજીની લાઇફ પર લખાયેલી બુક ‘12th fail’ પરથી આ જ નામની ફિલ્મ બનાવી છે, જે આ મહિને રિલીઝ થવાની છે. અગાઉ ‘વૉટ્સઍપ પર ક્રાંતિ’ બુક લખી ચૂકેલા અનુરાગ પાઠક જ્યારે મનોજ શર્મા સાથે બેઠા ત્યારે તેમની પણ આંખો ફાટી ગઈ. અનુરાગ પાઠક કહે છે, ‘જો લાઇફમાં આટઆટલું બને તો માણસ ખરેખર તૂટી જાય, બધું છોડીને ગામમાં જઈને નાનકડી સરકારી કે અર્ધસરકારી નોકરી સ્વીકારી લે, પણ મનોજ શર્માને દરેક નિષ્ફળતા વધારે ઝનૂન આપતી હતી અને એ ઝનૂને જ તેમને આજની આ વાહવાહી આપી છે, આજનું આ પદ આપ્યું છે.’
કોણ બન્યું મનોજ શર્મા? | આઇપીએસ ઑફિસર મનોજ શર્મા બનવાનું કામ ફિલ્મ ‘12th fail’માં વિક્રાન્ત મેસીએ કર્યું છે તો વિક્રાંત મેસીનાં મમ્મી જાણીતાં ઍક્ટ્રેસ અને ‘મિડ-ડે’નાં કૉલમનિસ્ટ સરિતા જોષી બન્યાં છે. વિક્રાન્ત મેસી કહે છે, ‘ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળતાં પહેલાં મેં મનોજસરની બાયોગ્રાફી એવી ‘12th fail’ વાંચી અને એ પછી મેં નક્કી કર્યું કે મારે સ્ક્રિપ્ટ વાંચવી જ ન જોઈએ. જે માણસ લાઇફમાં આટઆટલી નિષ્ફળતા પછી પણ સહેજે તૂટ્યો ન હોય એનું કૅરૅક્ટર કરવું એ જ સૌથી મોટી વાત છે.’
અનુરાગ પાઠકની ‘12th fail’ પરથી પહેલાં વેબ સિરીઝનું પ્લાનિંગ પણ થયું હતું પણ વેબ સિરીઝમાં શરૂ થયેલો સીઝનનો શિરસ્તો નડતર બનતો હોવાથી વેબ સિરીઝના વિચારને પડતો મૂકવામાં આવ્યો અને ફિલ્મ પર કામ શરૂ કરવામાં આવ્યું.
લાઇફનો એક જીવનમંત્ર | ‘12th fail’ના ટાઇટલ જોશો તો એના પર એક ક્વોટેશન લખેલું વાંચવા મળશે. હારા વહી, જો લડા નહીં. આઇપીએસ ઑફિસર મનોજ શર્માનો આ જીવનમંત્ર છે અને આ જ જીવનમંત્રના આધારે તેમણે પોતાની લાઇફની સક્સેસ સ્ટોરી લખી છે. મનોજ શર્મા કહે છે, ‘જીવનની મહત્ત્વની કહેવાય એવી એક પણ સક્સેસ તમારી સામે પ્લેટમાં મૂકવામાં નથી આવતી અને જે પ્લેટમાં પીરસાયેલી હોય એ સક્સેસ હોતી નથી. સક્સેસ માટે તમારે લડવું પડે, ઝઝૂમવું પડે.’
બહુ ઓછા લોકોને ખબર છે કે શરૂઆતમાં શર્માજી ‘12th fail’ લખાય એ માટે તૈયાર નહોતા, પણ જ્યારે અનુરાગ પાઠકે તેમને સમજાવ્યા કે દેશમાં તેમના જેવા અનેક યંગસ્ટર્સ છે જે ક્યાંક અને ક્યાંક સપનાંઓ જુએ છે પણ એ પૂરાં કરવાની હિંમત નથી. એમના માટે આ બુક લખાય એ બહુ જરૂરી છે. પોતાના અનુભવો અને એ અનુભવો દરમ્યાન મોટિવેશન માટે ઉપયોગી બનેલી એકેક વાતને આંખ સામે રાખીને મનોજ શર્મા ‘12th fail’ માટે તૈયાર થયા અને અનુરાગ પાઠકે આ બાયોગ્રાફી નૉવેલ ફૉર્મમાં લખી.

