Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > દાદા-દાદીઓ પણ સમજે દિલ કા હાલ

દાદા-દાદીઓ પણ સમજે દિલ કા હાલ

29 September, 2021 08:14 AM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

આજે વર્લ્ડ હાર્ટ ડેના દિવસે જાણીએ આ હૃદય ફેલ્યરમાં શું થાય છે અને  બચવા માટે કેવી મહેનત કરવી જરૂરી છે એ

દાદા-દાદીઓ પણ સમજે દિલ કા હાલ

દાદા-દાદીઓ પણ સમજે દિલ કા હાલ


૬૫ વર્ષથી ઉપરના લોકોના હૉસ્પિટલાઇઝેશન માટેનું સૌથી આગળ પડતું કારણ હાર્ટ-ફેલ્યર છે. જ્યારે હૃદય પોતાનું સિલેબસ ભૂલી જાય અને એના ધબકારા થકી લોહીને આગળ ધકેલવાનું કામ ખોરવાય છે ત્યારે એ ફેલ થયું ગણાય છે. એને ફેલ્યરથી બચાવવાની મહેનત તો તમારે ખુદે જ કરવી પડશે. આજે વર્લ્ડ હાર્ટ ડેના દિવસે જાણીએ આ હૃદય ફેલ્યરમાં શું થાય છે અને  બચવા માટે કેવી મહેનત કરવી જરૂરી છે એ

હાર્ટની તકલીફો આમ તો ઘણી જુદી-જુદી છે અને દરેક ઉંમરની વ્યક્તિને એ અસરકર્તા છે પણ જ્યારે હાર્ટ-ફેલ્યરની વાત કરીએ તો આ તકલીફ વધુપડતી ઉંમરલાયક વ્યક્તિઓમાં જોવા મળે છે. એક આંકડા મુજબ ૧૪ ટકા સિનિયર સિટિઝન પુરુષો અને ૧૩ ટકા સિનિયર સિટિઝન સ્ત્રીઓ હાર્ટ-ફેલ્યરનો શિકાર બને છે. હાર્ટનું કામ છે ધબકતા રહેવાનું અને એના આ ધબકારથી સતત શરીરમાં લોહીનું પરિભ્રમણ શક્ય બને છે. લોહીને આગળ ધકેલવાની આ પ્રક્રિયાને કારણે જ આખા શરીરમાં દરેક કણને ઑક્સિજન અને જરૂરી પોષક તત્ત્વો પૂરાં પાડી શકાય છે. આ તકલીફને કન્જેસ્ટિવ હાર્ટ-ફેલ્યર પણ કહે છે જે ઉંમરલાયક વ્યક્તિઓમાં વધુ જોવા મળે છે. બાકી અમુક જુદાં કારણોસર થતા હાર્ટ-ફેલ્યર પણ હોય છે જે યુવાનોમાં પણ જોવા મળી શકે છે. 
હાર્ટ ફેલ્યરનાં કારણો શું?
આમ તો હાર્ટ-ફેલ્યર થવા પાછળ એકથી વધુ કારણો જવાબદાર હોય છે, જે સમજાવતાં વૉકહાર્ટ હૉસ્પિટલ, મીરા રોડના કાર્ડિયો થૉરેસિક અને ટ્રાન્સપ્લાન્ટ સર્જ્યન ડૉ. ઉપેન્દ્ર ભાલેરાવ કહે છે, ‘એક કારણ છે હાર્ટની દીવાલો જાડી થઈ જવી. આવું થવાનું સૌથી મહત્ત્વનું કારણ છે ક્રૉનિક હાઈ બ્લડ-પ્રેશર. બીજું કારણ છે હાર્ટ પહોળું થવું અને એને કારણે એની દીવાલો પાતળી થઈ જવી, જેને લીધે ધબકારા નબળા પડે છે અને લોહીનું પરિભ્રમણ ખોરવાય છે. આ પરિસ્થિતિ થવા પાછળનું કારણ વ્યક્તિને એક કે તેથી વધુ આવેલા હાર્ટ-અટૅક છે અથવા કૉરોનરી આર્ટરી ડિસીઝ છે. ભારતમાં ૨૦૨૦માં ૪૭ લાખ લોકો કાર્ડિયો-વૅસ્ક્યુલર ડિસીઝના શિકાર બન્યા છે. જ્યારે આ ડિસીઝની સંભાળ વ્યવસ્થિત ન લેવામાં આવે ત્યારે નાની ઉંમરે હાર્ટ-ફેલ્યરની શક્યતા વધે છે. હાર્ટના વાલ્વની તકલીફ હોય, ધબકારા અનિયમિત હોય, હાર્ટના સ્નાયુ પર સોજો હોય કે સ્લીપ ઍપ્નિયા જેવી તકલીફ હોય તો પણ હાર્ટ-ફેલ્યર થઈ શકે છે.’ 
લક્ષણો ધીમે-ધીમે વધે છે...
સામાન્ય રીતે હાર્ટ સંબંધિત રોગોમાં એવું ધારવામાં આવે છે કે મૃત્યુ અચાનક જ થાય છે. પરંતુ હાર્ટ-ફેલ્યરમાં એવું સામાન્ય રીતે નથી થતું. આ એક એવો રોગ છે જે ધીમે-ધીમે વધે છે. 
એટલે થોડાં ચિહ્નો દેખાય કે વ્યક્તિ ડૉક્ટરનો સંપર્ક કરે. એ સંપર્ક કરવાથી તેમની જરૂરી ટેસ્ટ થાય અને નિદાન આવે એ મુજબ ઇલાજ ચાલુ થાય. પરંતુ મહત્ત્વની વાત એ છે કે મોટા ભાગે વર્ષો વીતતાં આ રોગ વધતો ચાલે અને દરદીનું એક સમયે આ રોગને કારણે જ મૃત્યુ થાય. અચાનક મૃત્યુ ત્યારે સંભવ છે જ્યારે મોટો અટૅક આવે અને એની સાથે હાર્ટ ફેલ થઈ જાય. આ પરિસ્થિતિમાં વ્યક્તિનું ત્યારે ને ત્યારે જ મૃત્યુ થઈ જતું હોય છે. આ સમજાવતાં ઝેન હૉસ્પિટલના કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. નારાયણ ગડકર કહે છે, ‘હાર્ટ-અટૅકનાં ચિહ્નો ઘણી વખત લોકો સમજી નથી શકતા, પરંતુ હાર્ટ-ફેલ્યરનાં ચિહ્નો ન સમજાય એવાં હોતાં નથી. એ વાત જુદી છે કે મોટી ઉંમરે જો તમે ખુદને લઈને કોઈ કાળજી રાખતા ન હો, તમારા દેખાતાં ચિહ્નોને અવગણી નાખતા હો અને સમજતા હો કે વૃદ્ધાવસ્થાને કારણે આ પરિસ્થિતિ સરજાય છે તો તમને નુકસાન થઈ શકે છે. બીજા રોગોની જેમ આ રોગમાં પણ જેટલું જલદી નિદાન થઈ શકે એટલું એને કાબૂમાં લઈ શકવું સરળ બને છે. ખૂબ થાક લાગે, થોડી ઍક્ટિવિટી કરીએ ત્યાં શ્વાસ ફૂલી જાય, પગ, પંજા અને ઘૂંટી પર સોજા આવી જાય, છાતીમાં એકદમ દબાવ કે અજુગતું લાગે, એકદમ ગભરાટ થાય કે કન્ફ્યુઝન થાય. કફ વધી જાય કે ચક્કર આવે.’  
રીહૅબિલિટેશનનું મહત્ત્વ 
હાર્ટ-ફેલ્યરનો ઇલાજ એના કારણમાં છુપાયેલો હોય છે. કયા કારણથી તમારું હાર્ટ ફેલ થયું છે એ મુજબ એનો ઇલાજ શક્ય છે. આ માટે દવાઓ, સર્જરી અને છેલ્લે કંઈ ન થઈ શકે ત્યારે ટ્રાન્સપ્લાન્ટ એકમાત્ર ઇલાજ બચે છે. આપણે ત્યાં હાર્ટનો પ્રૉબ્લેમ આવે એટલે લોકો ડૉક્ટર અને મેડિસિન પર ધ્યાન આપે છે. પરંતુ એ સિવાય બીજું કશું કરતા નથી. ઍન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ જેવાં ઑપરેશન કરાવ્યાં હોય કે પછી એક વાર એમાંથી રિકવર થયા હોય એ પછી પણ ફક્ત દવાઓ અને રેગ્યુલર વિઝિટને જ ઈલાજ સમજવામાં આવે છે. એ જ રીતે હાર્ટ-ફેલ્યરનું નિદાન એક વખત થયું પછી દરદી ફક્ત દવાઓ પર આધારિત રહે એ બરાબર નથી. ફેલ્યરને અટકાવી શકાતું નથી પરંતુ વ્યક્તિનું જીવન ઘણું સારું કરી શકાય છે. તમને હાર્ટ-ફેલ્યર આવ્યું એનો અર્થ એ નથી કે હવે પછીનું જીવન તમારે પરાવલંબી બની જવું. રીહૅબિલિટેશન અને લાઇફસ્ટાઇલ પર ધ્યાન તમને એક સારું જીવન આપવા માટે સક્ષમ છે. 
હાલમાં વેઇક ફૉરેસ્ટ યુનિવર્સિટીના સંશોધકોએ જાણ્યું કે એક્સરસાઇઝ રીહૅબિલિટેશન પ્રોગ્રામ દ્વારા અતિ વૃદ્ધ, કેટલાક પથારીવશ, અશક્ત એવા હાર્ટ-ફેલ્યરના દરદીઓની ક્ષમતા, તાકાત, બૅલૅન્સ અને ક્વૉલિટી લાઇફ બધું જ મેળવી શકાયું છે. આ માટે તેમણે ૩૪૯ હાર્ટ-ફેલ્યરના દરદીઓને આ રિસર્ચમાં સામેલ કર્યા હતા જેમાં દરદીને હાર્ટ-ફેલ્યર સિવાય ઓછામાં ઓછા બીજા પાંચ રોગ હતા જેમાં ડાયાબિટીઝ, ઓબેસિટી, હાઈ બ્લડ-પ્રેશર, ફેફસાના રોગ અને કિડની ડિસીઝ સામેલ છે. એમાંથી અડધા લોકોએ રીહૅબ જૉઇન કર્યું હતું અને બાકીના અડધા લોકોએ નહીં. જેણે રીહૅબ જૉઇન કર્યું હતું તેમની લાઇફની ક્વૉલિટી ઘણી સુધરેલી જોવા મળી હતી. આ રિસર્ચને ન્યુ ઇંગ્લૅન્ડ જર્નલ ઑફ મેડિસિનમાં સામેલ કરવામાં આવ્યું હતું. હાર્ટ-ફેલ્યર પછીનું રીહૅબ દરેક વ્યક્તિ માટે જુદું હોઈ શકે, કારણ કે એ દરેકની શારીરિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે.



શું કરી શકાય? 


આપણે હાર્ટ-ફેલ્યરને રોકી શકવાના નથી પરંતુ હાર્ટને ફેલ્યર સુધી જતું અટકાવી શકાય છે કે કહીએ તો એ ગતિ એકદમ ધીમી કરી શકાય છે અને એની સાથે જો ફેલ્યરનું નિદાન થઈ ગયું તો પણ એક સ્વાવલંબી સુખદ જીવન જીવી શકવામાં મદદ મળી શકે છે. 
સૌથી મહત્ત્વનું છે નિદાન જે રેગ્યુલર ચેકઅપથી જ શક્ય બને છે. તમને કોઈ ચિહ્ન દેખાતાં હોય કે ન દેખાતાં હોય, તમે ૬૦ વર્ષથી ઉપરના છો એટલા માટે જરૂરી છે કે દર વર્ષે તમે એક વાર આખા શરીરનું ચેકઅપ કરાવો જેમાં હાર્ટ માટે ફક્ત ટેસ્ટ કરાવો એટલું જ નહીં, પરંતુ એક વખત કાર્ડિયોલૉજિસ્ટ પાસે ક્લિનિકલ ચેકઅપ માટે પણ જવું જ. અમુક વસ્તુ જે ટેસ્ટ દ્વારા નથી સમજાતી એ ઘણી વાર અનુભવી ડૉક્ટરના ચેકઅપ થકી સમજી શકાય છે. 
તમને ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર અને કૉલેસ્ટરોલની તકલીફ છે તો એનો અર્થ એ નથી કે રેગ્યુલર દવા લઈ લીધી એટલે પતી ગયું. એ કન્ટ્રોલમાં રહે છે કે નહીં એ જોવું જરૂરી છે. ઘણી વખત લાંબા ગાળાથી આ રોગ ચાલ્યા આવતા હોય તો દરદી બેદરકાર થઈ જાય છે અને માપીને જોતા નથી કે તેમની આ તકલીફો કાબૂમાં છે કે નહીં. આ ત્રણેય વસ્તુ જેટલી કાબૂમાં રાખશો એટલું હાર્ટ લાંબું ચાલશે. 
તમે ગમે તે ઉંમરના હો, તમને હાર્ટ પ્રૉબ્લેમ ન હોય તો પણ અને હોય તો અત્યંત જરૂરી છે લાઇફસ્ટાઇલમાં સુધાર. સ્મોકિંગ બંધ કરો, હેલ્ધી ખોરાક લેતાં શીખો અને દરરોજ એક્સરસાઇઝ કરો જ. ગાડી ગૅરેજમાં હશે તો ખબર કેમ પડશે કે બરાબર ચાલે છે કે નહીં? ફિઝિકલ ઍક્ટિવિટી વધારશો તો સમજાશે કે હાર્ટ કેવું ચાલે છે. એની સાથે-સાથે એની ક્ષમતા પણ વધશે. હાર્ટને સાબૂત રાખવા માટે હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવવી અત્યંત જરૂરી છે.

 હાર્ટ-ફેલ્યરનાં લક્ષણો ન સમજાય એવાં હોતાં નથી. બીજા રોગોની જેમ આ રોગમાં પણ જેટલું જલદી નિદાન થઈ શકે એટલું એને કાબૂમાં લઈ શકવું સરળ બને છે.
ડૉ. નારાયણ ગડકર, ઝેન હૉસ્પિટલ


Whatsapp-channel Whatsapp-channel

29 September, 2021 08:14 AM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK