સૌરાષ્ટ્રના સોરઠમાં અને સ્પેસિફિક કહીએ તો ચોરવાડ વિસ્તારમાં સર્જાયેલો ટિપ્પણી રાસ ખેડૂતોની પત્નીનું સર્જન હોવાનું કહેવાય છે. ચોરવાડથી સૌરાષ્ટ્ર અને પછી છેક એ રાસ દિક્ષણ ગુજરાતમાં સ્વીકાર થયો અને પછી તો દેશભરમાં એ પૉપ્યુલર થયો
ટિપ્પણી રાસમાં એનર્જીની સાથોસાથ ચીવટ પણ એટલી જ જોઈએ અને સંગીત પર તાલબદ્ધતા પણ એવી જ હોવી જોઈએ.
આપણે વાત કરતા હતા એવા ફોકની જેની ઓછા લોકોને ખબર છે. એમાં આપણે અગાઉ વાત કરી હતી પંજાબી ફોકની અને પંજાબી ફોકમાં આપણે વાત કરી ગટકાની. ગટકા પછી આ વખતે અમારે વાત કરવી છે ટિપ્પણીની. આ ગુજરાતી ફોક છે અને રાસમાં જ આવતો એક પ્રકાર છે, પણ અગાઉ એ ગરબામાં નહોતો આવતો. અગાઉ આ ટિપ્પણીની પોતાની એક અલગ ઓળખ હતી. આજે પણ એ ઓળખ અકબંધ છે, પણ એ જોવો હોય તો હવે તમારે સૌરાષ્ટ્ર-કચ્છ અને ખાસ તો ચોરવાડ જવું પડે. હા, ચોરવાડ અને સોરઠમાં પરંપરાગત રીતે ટિપ્પણી રાસ કરવામાં આવે છે.
ટિપ્પણીનો ઇતિહાસ અલગ-અલગ પ્રકારનો સાંભળવા મળ્યો છે, પણ સાંભળવા મળેલા એ ઇતિહાસમાં સૌથી રસપ્રદ અને ઑથેન્ટિક લાગે એ ઇતિહાસની આપણે ચર્ચા કરીએ. સદીઓ પહેલાં ખેતરમાં મહિલાઓ પણ કામ કરવા જતી. બપોરે પતિનું જમવાનું લઈને જાય અને પછી તેઓ ત્યાં જ રોકાઈ જાય અને સાંજ સુધી કામ કરાવે. ખેતરમાંથી જ્યારે પાક લેવાનો અને એ પાકને જુદો કરવાનો સમય આવે ત્યારે મહિલાઓ સવારથી જ પતિ સાથે ખેતરે પહોંચી જાય.
ADVERTISEMENT
ખેતરે પહોંચી ગયેલી મહિલાઓને મોટા ભાગે ખાંડવાનું કે અધકચરું ફોલવાનું કામ આપવામાં આવતું. ખાંડવા માટે જે ટિપ્પણી બનાવવામાં આવી હતી એનું એક ચોક્કસ માપ જ હોય. ઉપર એ માપ મુજબની લાંબી લાકડી અને નીચે લોખંડનો કે પછી લાકડાનો ચોરસ ટુકડો. મહિલાઓ એક જગ્યાએ ઊભા રહીને ખાંડવાની પ્રક્રિયા કરે. આ પ્રક્રિયાની મોટી ખાસિયત એ હતી કે આ કામની તેમને હથરોટી હતી. જે રીતે વલોણું ચલાવવાનું હોય એમ જ એક જગ્યાએ ઊભા રહીને ટીપવાનું કામ કરવાનું. મહિલાઓએ આ કામમાં રસપ્રદ રીતે રાસ ઉમેરી દીધો અને એક જ સ્થળ પર ઊભા રહીને ટિપ્પણીની મદદથી રાસ કરવાનું શરૂ કર્યું અને એ રાસ જોતજોતામાં એવો તે પૉપ્યુલર થયો કે ગુજરાતભરમાં લોકપ્રિય થયો.
મૂળ ટિપ્પણી રાસમાં ખેલૈયાઓ એક જ જગ્યાએ ઊભા રહીને એ રમતા. એમાં વધારે ફરવાનું નહોતું કે સ્ટેપ કરવામાં આવતાં નહોતાં. હા, એમાં કમર અને ચહેરાના હાવભાવ તથા હાથની મોમેન્ટ ઘણી આવતી તો સાથોસાથ સામે પડેલી મોટી ખાંડણીની આસપાસ ફરવાનું પણ આવતું. જોકે એ પછી એમાં ચેન્જ આવ્યો અને એ ચેન્જની વચ્ચે આ ટિપ્પણી રાસ સ્ટેજ પર આવ્યો. જે રાસ મહિલાઓ મનોરંજન માટે ખેતરમાં કરતી એ રાસ સ્ટેજ પર આવતાં એમાં નવા-નવા ઘણા આયામો પણ ઉમેરાયા. પહેલાંના સમયમાં તો ટિપ્પણી રાસ કોઈ પણ જાતના સંગીત વિના થતો. એ પછી ધીમે-ધીમે એમાં સંગીત ઉમેરાયું. એ સંગીતમાં તબલાં, મંજિરા જેવાં સાવ બેઝિક કહેવાય એવાં વાજિંત્રો જ ઉમેરાયાં હતાં. ગામડાંઓમાં થતી ગરબી દરમ્યાન આ રાસ કરવામાં આવતો અને એ પછી એ શહેર સુધી પહોંચ્યો. જોકે અહીં એક વાત સ્વીકારવી રહી કે શહેર સુધી પહોંચેલા ટિપ્પણી રાસના સંગીતમાં ફરક આવ્યો છે, પણ એટલો નહીં જેટલો ગરબામાં આવ્યો છે. એમાં નવાં સ્ટેપ્સ ઉમેરાયાં છે તો અમુક એવાં સ્ટેપ્સ પણ આવ્યાં છે જેમને તમે મણિયારા રાસ સાથે સરખાવી શકો, પણ મ્યુઝિકમાં બહુ મોટો ફરક નથી આવ્યો.
ટિપ્પણી રાસ માટે કહેવાય છે કે ચોરવાડ અને સૌરાષ્ટ્ર પછી એ રાસ સૌથી પહેલાં દિક્ષણ ગુજરાતે અપનાવ્યો અને ઉનાળામાં મરચાં ખાંડવાની સીઝન દરમ્યાન એનો ઉપયોગ શરૂ થયો. મરચાં ખાંડવાની પ્રક્રિયા અઘરી હતી અને બળતરા કરાવનારી પણ ખરી એટલે એવા સમયે ધ્યાન બીજી દિશામાં ખેંચાયેલું રહે એ સ્વાભાવિક વાત છે. સામે પડેલી મહાકાય ખાંડણીમાં સૂકાં મરચાંનો ભૂકો થતો હોય, એના પર ટિપ્પણી ફટકારાતી જતી હોય અને ફટકારવામાં આવતી ટિપ્પણીની સાથે શરીર પણ ઊભા-ઊભા રાસ કરતું હોય એવું એ દૃશ્ય હતું.
ટિપ્પણી રાસ કરવાનું પ્રમાણ હવે ઘટ્યું છે. ગુજરાતમાં હજી પણ થતી પ્રાચીન ગરબીઓમાં આજે પણ નવરાત્રિ દરમ્યાન ટિપ્પણી રાસ જોવા મળે છે. હવે તો એમાં એવાં સરસ-સરસ સ્ટેપ્સનો ઉપયોગ થાય છે કે જોતી વખતે આંખો ખરેખર પહોળી થઈ જાય. જોકે મુંબઈમાં આ ટિપ્પણી રાસ આપણને જોવા મળે એવું હજી સુધી બન્યું નથી અને બનવાની શક્યતા પણ ઓછી છે; કારણ કે એ રાસ, એની કળા, એના માટે જરૂરી સ્ફૂર્તિ અને એ બધાની સાથે એકસરખી એનર્જી ધરાવતું ગ્રુપ બહુ જરૂરી છે. જોકે અમે એટલું ચોક્કસ કહીશું કે ટિપ્પણી રાસ જોવો અને એને આજના સમયમાં ઢાળવો મુશ્કેલ છે, પણ એ કામ એટલું જ ઇન્ટરેસ્ટિંગ પણ છે અને આનંદ આપે એવું પણ છે.

