સૌથી પહેલાં તો એ વાત તમે સમજી લો કે એ દિશામાં કોઈ કામ શરૂ થયું જ નથી અને એ દિશામાં સરકાર કામ કરે છે એવું પણ ક્યાંયથી સત્તાવાર રીતે જાહેર થયું નથી

પ્રતીકાત્મક તસવીર
હજી પણ એ વાતનો કેડો મુકાયો નથી કે આપણે આપણા દેશનું નામ શું કામ ચેન્જ કરવું જોઈએ, શું કામ ‘ઇન્ડિયા’ને બદલે આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે આપણી ઓળખ હવે ‘ભારત’ તરીકેની આપવી જોઈએ?
સૌથી પહેલાં તો એ વાત તમે સમજી લો કે એ દિશામાં કોઈ કામ શરૂ થયું જ નથી અને એ દિશામાં સરકાર કામ કરે છે એવું પણ ક્યાંયથી સત્તાવાર રીતે જાહેર થયું નથી. હા, સરકારી સૂત્રોએ પોતાના નામની સાથે આવતા ઇન્ડિયા શબ્દનો ઉલ્લેખ ટાળવાનું શરૂ કરી દીધું છે અને એના આધારે જ આ અનુમાનને ભારોભાર વેગ મળી રહ્યો છે, પણ ના, એ વેગમાં ક્યાંક ને ક્યાંક કપોળકલ્પિત ભાવ પણ જોડાયેલો છે.
હવે કરીએ બીજી વાત.
ભારત શબ્દના ઉપયોગ પાછળ એક નહીં, અનેક તર્ક કામ કરી રહ્યા છે અને એ તર્ક પાછળનું સૌથી મહત્ત્વનું જો કોઈ લૉજિક હોય તો એ કે તમે કેવી રીતે તમારા દેશના નામનું અપમાન થાય એવું જોઈ શકો, સાંખી શકો? જરા વિચાર કરો કે આવતા વર્ષે આવનારા લોકસભાના ઇલેક્શનમાં નવા સંગઠન એવા ઇન્ડિયા (I.N.D.I.A.)નો ખરાબ રીતે રકાસ થાય, પીવા માટે પાણી પણ ન માગે એવો ભૂંડો પરાજય થાય તો એવા સમયે મીડિયાથી માંડીને સોશ્યલ મીડિયા, ટીવી મીડિયામાં કેવા પ્રકારના ન્યુઝનો પ્રવાહ શરૂ થાય અને કેવા પ્રકારની ટિપ્પણીઓ થાય. જરા વિચાર કરો કે કેવા પ્રકારના મીમ્સ સોશ્યલ મીડિયા પર વાઇરલ થાય અને કેવી ઠઠ્ઠા-મશ્કરીઓ એ દિશામાં આગળ વધે?
એ બધાની સાથે જો ઇન્ડિયા શબ્દ જોડાયેલો હોય તો એમાં નાલેશી તો તમારા દેશની જ થવાની છે અને આપણે જાણીએ છીએ કે અનેક જગ્યા એવી છે જેને આચારસંહિતા સાથે સ્નાનસૂતકનોય સંબંધ નથી અને એ જગ્યાએથી અર્થવિહીન, ગેરવાજબી કમેન્ટ્સ સાથે ઇન્ડિયા શબ્દ જોડાઈને આવી શકે છે, આવવાનો જ છે અને એ નિર્વિવાદ છે.
બહુ યોગ્ય રીતે આપણી સરકારે ઇન્ડિયા શબ્દનો ઉલ્લેખ કરવાનું ટાળી દીધું છે અને ભવિષ્યમાં ભારત નામ સાથે દેશને નવી ઓળખ મળે એ પણ એટલું જ હિતાવહ છે, પણ એ હિતની સાથોસાથ એ પણ જોવું રહ્યું કે અહીં વાત માત્ર અને માત્ર નામકરણની નથી ચાલતી, વાત ચાલે છે એ અસ્મિતા અને ગરિમાની ચાલે છે, જે રાષ્ટ્ર માટે અત્યંત આવશ્યક છે. ઇન્ડિયા અને ભારત એ બે શબ્દ વચ્ચે ગજગ્રાહ કરીને ઊડાઊડ કરતા સોશ્યલ મીડિયાના ધુરંધરો માત્ર એક વાતનો જવાબ આપે કે તમારો વિરોધી તમારી બાનું નામ ક્રિકેટ રમવાના બૉલ પર લખીને એ બૉલને કાદવમાં રગદોળતા હોય તો તમે કયા સ્તરે અકળાઈ જાઓ?
એ લોકોને તમે માર્યા વિના છોડો ખરા?
નહીંને, તો બસ, એટલું સમજો. એ કામ કરી ગંદકીને હાથમાં લેવાને બદલે સુધારો આપણી બાજુએ કરી લેવાનું સદ્કાર્ય સરકાર કરી રહી છે અને એમાં આપણે સૌએ ગર્વ અનુભવવાની જરૂર છે. ભારત એ માત્ર એક શબ્દ નહીં, એક લાગણી છે. જેને નામ સાથે, ગર્વ સાથે, ઉન્નત-મસ્તક સાથે વ્યક્ત કરવાની તક હવે સૌકોઈને વહેલી તકે મળે એવી આશા રાખીએ.