વ્યક્તિનો ઉદ્ધાર તો એ જ્ઞાન કરે છે જે આચરણમાં મુકાયું હોય અને સાચા ગુરુનું કામ પોતાના શિષ્યને જ્ઞાન આપીને એને આચરણમાં મૂકતો કરવાનું છે. જ્ઞાનને આચરણમાં મૂકવું એ જ ચારિત્રઘડતર છે
ગુરુ એ નથી જે જ્ઞાન આપે છે, ગુરુ એ છે જે ચારિત્રઘડતર કરે છે
ગુરુ પૂર્ણિમા સ્પેશ્યલ માત્ર ગોખેલું જ્ઞાન કદી પણ વ્યક્તિનો ઉદ્ધાર કરતું નથી. વ્યક્તિનો ઉદ્ધાર તો એ જ્ઞાન કરે છે જે આચરણમાં મુકાયું હોય અને સાચા ગુરુનું કામ પોતાના શિષ્યને જ્ઞાન આપીને એને આચરણમાં મૂકતો કરવાનું છે. જ્ઞાનને આચરણમાં મૂકવું એ જ ચારિત્રઘડતર છે
માત્ર જ્ઞાન આપે એ ગુરુ નથી, પરંતુ વ્યક્તિનું ચારિત્રઘડતર કરે એ ગુરુ છે. માત્ર જ્ઞાન આપે એની આપણે પૂજા નથી કરતા, એનો આભાર માનીએ છીએ અને બહુ-બહુ તો એનો માત્ર આદર કરીએ છીએ પણ વંદન તો એને જ કરીએ છીએ જેણે આપણને જન્મ આપ્યો હોય કે જેણે આપણું ચારિત્રઘડતર કર્યું હોય !
સામાન્ય રીતે એમ કહેવાય છે કે ગુરુ માર્ગ બતાવનાર હોય છે. સાચી દિશા બતાવનાર હોય છે. આપણે ક્યાંક જતા હોઈએ અને ભૂલા પડી જઈએ ત્યારે ત્યાંનો કોઈ જાણકાર માણસ આપણને રસ્તો બતાવે છે. એ માણસ આપણો માર્ગદર્શક બન્યો હોવા છતાં એને આપણે ગુરુ માનતા નથી. થૅન્ક્સ કહીને એનો આપણે માત્ર આભાર માનીએ છીએ. રસ્તા વચ્ચે એને વંદન કરવા આપણે બેસી જતા નથી.
સાચી દિશા અથવા સાચો માર્ગ બતાવવો એનો અર્થ ભૌગોલિક દૃષ્ટિએ નહીં, પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિએ કરવાનો છે. માત્ર જ્ઞાન આપે એ નહીં; આપણી ચેતનાને જગાડે, આપણને ઊર્જાસભર પ્રજ્ઞા આપે એ સાચો ગુરુ છે. એવી પ્રજ્ઞા મળ્યા પછી ચક્ષુહીન વ્યક્તિ પણ બહુ આસાનીથી સાચી મંઝિલે પહોંચી જતી હોય છે.
ચેતના જગાડવી એટલે શું ?
કોઈ પણ જોખમ સામે કેવી રીતે ઝઝૂમવું એની સમજણ, કોઈ પણ સંકટનો સામનો કઈ રીતે કરવો એનું માર્ગદર્શન, કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં સ્વસ્થ અને તટસ્થ રહીને પોતાનો કલ્યાણકારી માર્ગ પોતે જ વિચારી-શોધી શકવાની ક્ષમતાને પ્રજ્ઞા અથવા ચેતના કહેવાય. ૨૪ કૅરેટની ચેતના અલ્ટિમેટલી વ્યક્તિનું ચારિત્ર્યઘડતર કરે છે અને પારદર્શક પ્રજ્ઞા વ્યક્તિને પુરુષાર્થી તથા પરાક્રમી બનાવે છે.
માત્ર જ્ઞાન મળે એટલું જ ઇનફ નથી હોતું. એ જ્ઞાનનો અમલ કઈ રીતે કરવો અથવા એ જ્ઞાનનો પ્રયોગ અને ઉપયોગ કરીને ઇચ્છિત પરિણામ સુધી કઈ રીતે પહોંચવું એની સભાનતા અને એની વૃત્તિ કેળવાય એ પણ આવશ્યક છે. વૃત્તિ વગર પ્રવૃત્તિ નહીં થાય અને પ્રવૃત્તિ વગર પ્રગતિ નહીં થાય.
આપણે ઘરમાં પાળેલી બિલાડીને શીખવીએ કે કૂતરો આવે તો તારે ત્યાંથી ભાગી જવાનું, નહીંતર એ તને મારી નાખશે! આપણે માત્ર એક વખત નહીં, પણ દરરોજ દસ વખત આપણી પાળેલી બિલાડીને એનું જ્ઞાન આપીએ છીએ. બિલાડી શાંતિથી આપણી વાત સાંભળે છે. આપણે બિલાડીને ભાગી જવાનું માત્ર જ્ઞાન આપ્યું છે, પણ ભાગવું કઈ રીતે એ શીખવાડ્યું નથી. પરિણામે એવું બનશે કે આપણી એ પાળેલી બિલાડીની સામે ખરેખર કોઈ ડાઘિયો કૂતરો આવીને ઊભો રહેશે ત્યારે પણ પેલી બિલાડી માત્ર મંત્રજાપનું રટણ જ કર્યા કરશે કે ‘કૂતરો આવે તો ભાગી જવાનું!’... ‘કૂતરો આવે તો ભાગી જવાનું!’ પણ એ ત્યાંથી એક ડગલુંય ખસશે નહીં. આખરે એ કૂતરાનો શિકાર બની જશે.
માત્ર ગોખેલું જ્ઞાન કદી પણ વ્યક્તિનો ઉદ્ધાર કરતું નથી. વ્યક્તિનો ઉદ્ધાર તો એ જ્ઞાન કરે છે જે આચરણમાં મુકાયું હોય અને સાચા ગુરુનું કામ પોતાના શિષ્યોને જ્ઞાન આપીને એને આચરણમાં મૂકતો કરવાનું છે. જ્ઞાનને આચરણમાં મૂકવું એ જ ચારિત્ર્યઘડતર છે.
ગુરુપૂર્ણિમા પર્વ ગુરુનું માત્ર પૂજન કરવાનું પર્વ નથી, પણ આપણે જેને ગુરુ માનીએ છીએ અથવા આપણે જેને ગુરુ બનાવવા ઉત્સુક હોઈએ એ વ્યક્તિ ખરેખર ગુરુ બનવાને લાયક છે કે નહીં એની પરીક્ષા કરવાનું પર્વ પણ છે. આપણે ઑફિસમાં સામાન્ય પટાવાળાની નિમણૂક કરવાની હોય તોપણ એ વ્યક્તિની દરેક રીતે તપાસ કરીએ છીએ. એના ચારિત્ર્યનો અભ્યાસ કરીએ છીએ. એની પ્રામાણિકતાને પ્રમાણીએ છીએ. પછી જ એને પટાવાળા તરીકે પસંદ કરીએ છીએ. જ્યારે અહીં તો ગુરુની પસંદગી કરવાની વાત છે. જેના ચરણમાં આપણું સમગ્ર જીવન સમર્પિત કરવાનું છે અથવા એમ કહી શકાય કે જેના માર્ગદર્શન મુજબ આપણે આપણા જીવનની નૌકા હંકારવાના છીએ, જો એ ગુરુ ચારિત્રવાન નહીં હોય તો આપણને મિસગાઇડ કરી દેશે. ગુરુ જ્ઞાની હશે એટલે આપણે એના પ્રભાવમાં આવી જઈશું, પરંતુ જો એ ચારિત્રહીન હશે તો અલ્ટિમેટલી આપણું પતન જ થશે.
ગુરુપૂર્ણિમાના પર્વપ્રસંગે સાચા ગુરુને માત્ર રિસ્પેક્ટ જ નથી આપવાનું, એમને વંદન કરીને એમની આજ્ઞાનું જતન પણ કરવાનું હોય છે. એમણે આપણું ઉચિત ચારિત્રઘડતર કર્યું છે એનો આપણે પુરાવો આપવાનો હોય છે.
ADVERTISEMENT
માત્ર જ્ઞાન આપે એ નહીં; આપણી ચેતનાને જગાડે, આપણને ઊર્જાસભર પ્રજ્ઞા આપે એ સાચો ગુરુ છે. એ પ્રજ્ઞા જ સાચી મંજિલે પહોંચાડે છે.

