Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જ્યારે મને શબ્દ અને શૈલીના પ્રભાવનો સાક્ષાત્કાર થયો

જ્યારે મને શબ્દ અને શૈલીના પ્રભાવનો સાક્ષાત્કાર થયો

03 June, 2023 04:36 PM IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

૨૦ મે, ૨૦૨૩ની રાતે મુંબઈના રવીન્દ્ર નાટ્ય મંદિરમાં ‘તીન ઇક્કે’ કાર્યક્રમનું આયોજન થયું હતું.

જ્યારે મને શબ્દ અને શૈલીના પ્રભાવનો સાક્ષાત્કાર થયો

વો જબ યાદ આએ

જ્યારે મને શબ્દ અને શૈલીના પ્રભાવનો સાક્ષાત્કાર થયો


૨૦ મે, ૨૦૨૩ની રાતે મુંબઈના રવીન્દ્ર નાટ્ય મંદિરમાં ‘તીન ઇક્કે’ કાર્યક્રમનું આયોજન થયું હતું. દિલીપકુમાર, દેવ આનંદ અને રાજ કપૂરનાં ગીતોના કાર્યક્રમના આયોજક ગુડ્ડુ શર્માએ  આકસ્મિક જ મારો આ ત્રિપુટી પરનો ૮ એપ્રિલ ’૨૩નો આર્ટિકલ વાંચ્યો (એ દિવસે તેમના કાર્યક્રમની જાહેરાત ‘મિડ-ડે’માં આવી હતી એટલે તેમનું ધ્યાન આર્ટિકલ પર પડ્યું). મૂળ હિન્દીભાષી પરંતુ ગુજરાતી વાંચતા-બોલતા સંગીતપ્રેમી આયોજકે તેમના મિત્રવર્તુળમાંથી મારો ફોન-નંબર મેળવીને થોડા દિવસ બાદ મને ફોન કર્યો. (એ દરમ્યાન વિજય આનંદ, શર્મિલા ટાગોર અને અમોલ પાલેકરના આર્ટિકલ તેમણે વાંચ્યા) કહ્યું, ‘તમે આ ત્રિપુટી વિશે સાવ અજાણી પરંતુ રસપ્રદ માહિતીઓ આપી છે. તમારા આર્ટિકલ્સ સાચે જ ઇન્ટરેસ્ટિંગ હોય છે. આપના વિશે બીજી ઘણી માહિતી મળી છે. I have become your big fan. મારા કાર્યક્રમમાં આપ આવો. મારે તમારું સન્માન કરવું છે.’ મેં કહ્યું હતુંને કે મનમોહન દેસાઈની ફિલ્મોની જેમ આવા અશક્ય લાગતા બનાવો હકીકતમાં પણ બનતા હોય છે. શબ્દો અને શૈલીનો પ્રભાવ કેવો હોય છે એના અનુભવો મને થયા છે પરંતુ એની પ્રબળતા આટલી તીવ્ર હોઈ શકે એનો સાક્ષાત્કાર મને એ દિવસે થયો. ફોન પરની પહેલી મુલાકાતમાં જ અમે મિત્રો બની ગયા.                                                                     એ કાર્યક્રમમાં વિખ્યાત તબલાવાદક પંડિત નયન ઘોષ અને મરાઠી ફિલ્મોની જાણીતી અભિનેત્રી વર્ષા ઉસગાવકરને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ગુડ્ડુ શર્મા સાથે જ્યારે કાર્યક્રમના દિવસે રૂબરૂ મુલાકાત થઈ ત્યારે એક નિખાલસ મિતભાષી વ્યક્તિત્વનો નિકટથી પરિચય થયો. યોગાનુયોગ મનમોહન દેસાઈ સાથે તેમને નિકટનો પરિચય હતો. તેમની પાસેથી મને ઇન્ડસ્ટ્રીના અનેક કમાલના કિસ્સા જાણવા મળ્યા. પ્રસ્તુત છે તેમના જ શબ્દોમાં એ વાતો.
‘૧૯૬૦માં મારા પિતા રવીન્દ્રનાથ શર્માએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પબ્લિસિટી અને ઍડ્વર્ટાઇઝિંગનું કામ શરૂ કર્યું. અમારા પ્રેસમાં ફિલ્મનાં મોટાં-મોટાં પોસ્ટરો પ્રિન્ટ થતાં જે ભારતનાં અનેક શહેરોમાં જતાં. નાનપણથી ઘરમાં ફિલ્મોનો માહોલ અને ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો અને કલાકારોની આવનજાવન રહેતી. અમે છ ભાઈઓ પણ ફિલ્મોના શોખીન. ૧૯૭૯માં  મોટા ભાઈ સુભાષ શર્માએ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. ત્યારે હું કૉલેજમાં હતો. એ દિવસોમાં ડિરેક્ટર તરીકે મનમોહન દેસાઈનું નામ બહુ મોટું હતું. ‘ભાઈ હો તો ઐસા’, ‘રામપુર કા લક્ષ્મણ’, ‘આ ગલે લગ જા’, ‘રોટી’ જેવી હિટ ફિલ્મો તેમના નામે હતી. ભાઈએ તેમનો સંપર્ક કર્યો તો કહે, ‘હું દસ લાખ લઈશ.’ (એ સમયે તેઓ એક ફિલ્મના પાંચથી છ લાખ લેતા) ભાઈ બિઝનેસમૅન હતા. કહે, ‘હું ૧૧ લાખ આપીશ. ફિલ્મ સુપરડુપર હિટ થવી જોઈએ.’ મનમોહન દેસાઈ ખુશ થઈ ગયા. એ કહે, ‘તમે બેફિકર રહો.’ એ દિવસોમાં તેમણે નેપિયન સી રોડ પર ‘સ્વપ્નલોક’માં ટેરેસ ફ્લૅટ બુક કર્યો હતો. એ માટે તેમણે ઍડ્વાન્સ માગ્યા તો એ પણ આપ્યા. 
એ દિવસોમાં ‘ધર્મવીર’ હિટ ગઈ હતી એટલે અમે રાજેશ ખન્નાને લઈ ‘રિંગો’ નામની કૉસ્ચ્યુમ  ફિલ્મ શરૂ કરી. રાઇટર હતા કે. એ. નારાયણ. તેમની એક આદત હતી. ગાડીમાં બેસી લોનાવલા જવાનું અને થોડી-થોડી વાર્તા સંભળાવે. મનમોહન દેસાઈ કંટાળી ગયા. કહે, ‘હું ફટાફટ કામ કરવાવાળો માણસ છું. મજા નથી આવતી. આમ પણ આ સબ્જેક્ટ જામતો નથી. મારી લૉસ્ટ ઍન્ડ ફાઉન્ડ ફૉર્મ્યુલાવાળી ફિલ્મ બનાવીએ.’ અમારી ઇચ્છા સલીમ-જાવેદની હતી. અમે તેમની પાસે ગયા તો કહે, ‘મનમોહન દેસાઈ અનપ્રોફેશનલ છે. બીજાને પસંદ કરો તો કામ કરીએ.’ અમારે ડિરેક્ટર બદલવો નહોતો. (બંને વચ્ચે ‘ચાચા ભતીજા’ દરમ્યાન ઝઘડો થયો હતો. એ વાત મને ખબર હતી, પરંતુ અસલી કારણ શું હતું અને બંને પાર્ટીઓનું શું રીઍક્શન હતું એ જાણવા મળ્યું. આ કિસ્સો ઑફ ધ રેકૉર્ડ છે એટલે લખતો નથી) મનજીને ખબર પડી તો એ કહે, ‘મારે પણ એ લોકો સાથે કામ નથી કરવું. ચિંતા ન કરો. આ ફિલ્મ હવે મારી ફિલ્મ છે.’ રાઇટર તરીકે મનજી  તેમની ટીમ પ્રયાગરાજ, કાદરખાન અને કે. કે. શુક્લાને લઈ આવ્યા અને આમ ‘સુહાગ’ની સ્ક્રિપ્ટ ફાઇનલ થઈ. 
અમે અમિતાભ બચ્ચનને સાઇન કર્યા. આ જોઈ રાજેશ ખન્ના ગલ્લાંતલ્લાં કરે. મનજી કંટાળી ગયા. એક દિવસ ચર્ચા કરતાં બેઠા હતા ત્યાં અમિતાભ બચ્ચન કહે, હું શશી કપૂરને વાત કરું છું. એ ના નહીં પડે. તેમણે ફોન કરી કહ્યું, ‘મનજીની એક ફિલ્મ છે અને મારી સાથે તમારે એક રોલ કરવાનો છે.’ શશી કપૂરે તરત હા પાડી. ત્યાર બાદ રેખા, પરવીન બાબી, નિરૂપા રૉય, અમજદ ખાન, રણજિત અને બીજા કલાકારોને સાઇન કરીને ફિલ્મનું શૂટિંગ શરૂ થયું. 
ફિલ્મમાં મંદિરનાં દૃશ્યોનું શૂટિંગ કરવાનું હતું એ માટે મનજીનો વિચાર હતો કે સરકાર  પ્લૉટ આપે તો એની પર એક ભવ્ય મંદિર બનાવીએ અને શૂટિંગ પૂરું થયા બાદ એનું લોકાર્પણ કરીએ. એ શક્ય ન બન્યું એટલે કમાલિસ્તાન સ્ટુડિયોમાં મંદિરનો સેટ બનાવ્યો. રોજ રાત્રે ૧૧થી સવારના ૬ શૂટિંગ કરવાનું હતું પરંતુ ત્યાં લાઇટનાં ઠેકાણાં નહોતાં. એટલે ૪૦ જનરેટર ભાડે લઈને શૂટિંગ પૂરું કર્યું. 
ફાઇટ અને ચેઝ સીક્વન્સ માટે અમે ‘શોલે’ના સ્ટન્ટ ડિરેક્ટર જિમી ક્રૉમ્પ્ટનને જવાબદારી આપી. તેમણે સિંગાપોર સજેસ્ટ કર્યું એટલે અમિતાભ બચ્ચન, શશી કપૂર અને અમજદ ખાન સાથે ૧૫ દિવસ સિંગાપોરમાં શૂટિંગ કર્યું. ફિલ્મના તમામ કલાકારો એટલા બિઝી હતા કે દરેકની ડેટ્સ મળવી મુશ્કેલ થતી જતી હતી. શૂટિંગ લંબાયા કરે. ભાઈએ નક્કી કર્યું કે દોઢ મહિનો લંડનમાં શૂટિંગ કરી ફિલ્મ પૂરી કરીએ. મનજી કહે, બજેટ મોટું થઈ જશે. પણ અમે જોખમ લેવા તૈયાર હતા. મનજીના કહેવાથી દરેક કલાકાર રાજી થઈ ગયા, કારણ કે અહીં એક સેટ પરથી બીજા સેટ પર ભાગાભાગી કરવી પડે. એના કરતાં વિદેશની ટૂર પણ થઈ જાય અને એક જ ફિલ્મનું શૂટિંગ હોય એટલે શાંતિથી ખાવા, પીવા અને શૉપિંગ કરવાનો મોકો મળે. અમે નક્કી કર્યું કે નાના-મોટા  સૌને એક જ હોટેલમાં રાખવા જેથી સમયસર શૂટિંગ શરૂ થઈ શકે. આમ કરવાથી ખર્ચો પુષ્કળ વધી જાય પરંતુ અમારે ફિલ્મ જલદી પૂરી કરવી હતી. અમારા આ ઍટિટ્યુડથી મનજી ખૂબ જ પ્રભાવિત થયા. 
એ દિવસોમાં બહુ ઓછી માત્રામાં ફૉરેન એક્સચેન્જ મળતું. લંડનના ખર્ચ માટે અમે ઓવરસીઝ ડિસ્ટ્રિબ્યુટર હિન્દુજા બ્રધર્સને વાત કરી. તેમણે પહેલાં હા પાડી પણ ત્યાં ગયા બાદ  સંતાકૂકડી રમાડવાનું શરૂ કર્યું. મોટાભાઈ પરેશાન થઈ ગયા. શૂટિંગમાં જવાને બદલે રોજ વહેલી સવારથી પૈસાની તજવીજમાં હોટેલમાંથી વહેલા નીકળી જાય. તેમની ગેરહાજરી જોઈ અમિતાભ બચ્ચને એક દિવસ વહેલી સવારે તેમને પકડ્યા. ભાઈ એકદમ ભાંગી પડ્યા. રડમસ ચહેરે   મુશ્કેલી જણાવી. તરત અમિતાભ બચ્ચને મુંબઈ સેક્રેટરી સાથે વાત કરી અને ૨૫ લાખની વ્યવસ્થા કરાવી આપી. અમે ૧૫ લાખમાં તેમને સાઇન કર્યા હતા એ પૈસા હજી પૂરા અપાયા નહોતા. શશી કપૂરે તેમના સસરા પાસેથી એક લાખ અપાવ્યા. અમજદ ખાનનું કામ પૂરું થયું એટલે વહેલા નીકળી ગયા. કહે, ‘તમારો ખર્ચો વધારવો નથી.’ મુંબઈ આવીને અમારા હાથમાં ૫૦ હજાર આપ્યા. આ બધા કલાકારોએ અણીના સમયે અમારી મદદ કરી એ કેમ ભુલાય? 
મનજી  જાણતા હતા કે ફિલ્મ ઓવરબજેટ થઈ છે એટલે શૂટિંગ વખતે રૉ સ્ટૉક (કચકડાની ફિલ્મની પટ્ટી, જે વિદેશથી આયાત કરવામાં આવતી) વેડફાય નહીં એનું ખાસ ધ્યાન રાખતા. સામાન્ય રીતે તેમની આદત હતી કે એક રીલ ફિલ્મ વાપરે એમાં એકાદ-બે શૉટ જ ફાઇનલ કર્યા હોય. રિહર્સલ વખતે પણ કૅમેરા ચાલુ જ હોય. પરંતુ હવે કેવળ ટેક લેતી વખતે જ કૅમેરા ઑન રાખતા. જે કુશળતાથી તેમણે શૂટિંગ પૂરું કર્યું એ જોઈને કોઈ એમ ન કહી શકે કે લંડનમાં શૂટિંગ કર્યું છે. એમ જ લાગે કે ભારતમાં શૂટિંગ થયું છે. 
મુંબઈના ડિસ્ટ્રિબ્યુટર ગુલશન રાયે દેશના બાકીના ડિસ્ટ્રિબ્યુટર્સને કહ્યું, ‘ફિલ્મ ઓવરબજેટ થઈ છે એટલે તમારે વધારાની કિંમત આપવી પડશે. આ છોકરાઓ નવા છે પણ ઈમાનદારીથી કામ કર્યું છે. સિંગાપોર અને લંડનમાં શૂટિંગ કરીને ફિલ્મને ભવ્ય બનાવી છે. જો તમે તૈયાર ન હો તો આખા દેશના રાઇટ્સ હું લેવા તૈયાર છું. આ સાંભળી દરેકે અમને વધુ કિંમત આપી. ફિલ્મ બૉક્સ-ઑફિસ પર હિટ  થઈ. અમને સારા પૈસા મળ્યા.’
ગુડ્ડુ શર્મા સાથેની મનમોહન દેસાઈની વાતો હજી બાકી છે. એ 
આવતા શનિવારે. 


Whatsapp-channel Whatsapp-channel

03 June, 2023 04:36 PM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK