આ જ કારણે બધા પ્રકારની ટેસ્ટમાં એ ખરા ઊતરે ત્યાર પછી જ એનો વપરાશ કરવો જોઈએ. સ્ટોન-ટેસ્ટની બાબતમાં કોઈએ બેદરકારી દાખવવી ન જોઈએ અને જો દાખવે તો સરકાર કે પછી ઉચિત સંસ્થાઓએ એ ચલાવી ન લેવું જોઈએ
બાંધકામમાં પથ્થર બહુ મહત્ત્વના છે. પથ્થરનો ઉપયોગ સાચી રીતે ન થાય તો કોઈ પણ સ્થાપત્ય લાંબો સમય ઊભું રહે નહીં અને એ કડડડભૂસ થઈને જમીનદોસ્ત થાય.
મકરાણા માર્બલની વાતો ચાલતી હતી એ દરમ્યાન કેટલાક વાચકમિત્રોએ મેસેજ અને ઈ-મેઇલ કરીને પથ્થરો પર કેવા પ્રકારની ટેસ્ટ થતી હોય છે એ વિશે પૂછપરછ કરી છે તો સાથોસાથ એ પણ જાણવાની ઇચ્છા દર્શાવી છે કે પથ્થર પરની ટેસ્ટ ક્યાં થતી હોય છે?
પથ્થરો પરની ટેસ્ટ આજે અનેક જગ્યાએ થાય છે તો આજે મોટા ભાગે એવા સપ્લાયર્સ હોય છે જે ટેસ્ટેડ પથ્થરોની ડિલિવરી જ કરે છે. જાહેર સ્થળોનાં કે પછી મોટાં બાંધકામ કરતી હોય એ કંપનીઓ પોતે જ આ ટેસ્ટ કરાવતી હોય છે, જેનો રિપોર્ટ એણે કૉન્ટ્રૅક્ટ મળ્યો હોય એ કંપની કે સંસ્થાને સબમિટ કરવાનો હોય છે.
ADVERTISEMENT
કેટલીક ટેસ્ટ અત્યંત મહત્ત્વની છે. દાખલા તરીકે ઍસિડ ટેસ્ટ. આ ઍસિડ ટેસ્ટની બેઝિક માટે જે ખાણમાંથી પથ્થર કાઢવામાં આવ્યો હોય એ પથ્થરમાં કૅલ્શિયમ કાર્બોનેટનું પ્રમાણ કેટલું છે એ જાણવા આ ટેસ્ટ કરવામાં આવે છે. પચાસથી સો ગ્રામના પથ્થરને હાઇડ્રોફોબિક ઍસિડમાં સાત દિવસ રાખવામાં આવે અને સમયાંતરે એને ચેક કરવામાં આવે. જો પથ્થર પોતાની શાર્પનેસ અને કિનારીઓ તોડે નહીં કે પછી પથ્થરની ઉપરની સમથળ સપાટી પર ઍસિડિક અસરને કારણે ખાડા પડે નહીં કે એમાંથી પાર્ટિકલ છૂટા ન પડે તો એ પથ્થરની ઍસિડિક ટેસ્ટ નેગેટિવ કહેવામાં આવે છે.
પથ્થર પર જે ટેસ્ટ થતી રહે છે એ વાતાવરણને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી હોય છે. હવા સાથે મિશ્રિત થઈને અમુક પ્રકારના વાયુઓનું ફૉર્મેશન સતત થતું રહે છે. એ ફૉર્મેશનની અસર પથ્થર પર અને પથ્થરને કારણે બિલ્ડિંગ પર કેવી પડે એ જાણવું જરૂરી છે. ઍસિડ ટેસ્ટ સામાન્ય રીતે સૅન્ડસ્ટોન પર કરવામાં આવે. તમને અગાઉ વાત કરી છે એ બંસી પહાડપુરના જે પથ્થરો છે એ પથ્થરો માટે આ ટેસ્ટ અનિવાર્ય છે. જો ટેસ્ટ દરમ્યાન પથ્થરમાંથી કરચ છૂટી પડે કે પછી પથ્થરની સમથળ સપાટી પર એની અસર દેખાય તો એનો વપરાશ ન કરાય, કારણ કે આ પ્રકારના પથ્થરો વેધર સામે ટકી રહેવાની ક્ષમતા ધરાવતા નથી હોતા.
રસ્તો બનાવવા માટે વપરાતા પથ્થર પર જે ટેસ્ટ કરવામાં આવે છે એ ટેસ્ટને એટ્રિશન ટેસ્ટ કહેવામાં આવે છે. આ ટેસ્ટના આધારે નક્કી થતું હોય છે કે રસ્તામાં વાપરવામાં આવેલો પથ્થર કઈ સ્તરનો ટ્રાફિક સહન કરી શકશે અને કયા લેવલ સુધીનું દબાણ તથા એકધારું આવતું દબાણ એ સહન કરી શકશે. આપણે જોતા હોઈએ છીએ કે નવા બનેલા રસ્તા પર પણ ભૂવા પડે છે કે પછી વધારે પડતા ટ્રાફિકને લીધે એમાં ખાડા પડી જાય છે. આવું બનવાનું કારણ એ છે કે એ પથ્થરની એટ્રિશન સ્ટ્રેન્થ નબળી છે.
રોડ બનાવવા માટે વપરાતા પથ્થરો પર ફ્રીઝિંગ ઍન્ડ થોવિંગ ટેસ્ટ પણ અનિવાર્ય છે. આ ટેસ્ટનાં પરિણામો પછી એ નક્કી થતું હોય છે કે રોડ પર પવન, ગરમી, વરસાદ જેવાં કુદરતી પરિબળોની અસર કેવી થાય છે. આ ટેસ્ટ ઇન્ટરેસ્ટિંગ છે.
નિશ્ચિત કરેલી સાઇઝના પથ્થરને ચોવીસ કલાક પાણીમાં ડુબાડી રાખવામાં આવે છે અને એ પછી એ પથ્થરને માઇનસ બાર ડિગ્રી સેલ્સિયસ વચ્ચે ફ્રીઝિંગ મશીનમાં ચોવીસ કલાક મૂકી રાખવામાં આવે છે. પછી એ પથ્થરને બહાર કાઢીને એને રૂમ ટેમ્પરેચરમાં લાવવામાં આવે છે અને એ પછી એનું પરીક્ષણ કરવામાં આવે છે. આ પ્રક્રિયા એક વખતમાં પૂરી નથી થતી. એ વાંરવાર કરવામાં આવે છે અને દરેક વખતે એ પથ્થર પર થયેલા ફેરફારોનું અત્યંત બારીકાઈથી નિરીક્ષણ કરીને નોંધ કરવામાં આવે છે અને એના આધારે પથ્થરની ક્વૉલિટી નક્કી કરવામાં આવે છે.
આવી બીજી પણ ટેસ્ટ છે. એમાંની કેટલીક ઇન્ટરેસ્ટિંગ ટેસ્ટની વાત આપણે આવતા રવિવારે કરીશું તો સાથોસાથ અન્ય વિષય પર પણ અહીંથી વાત આગળ વધારીશું.

