સમાજસેવાનાં કામ કરતી સંસ્થા ‘રત્નનિધિ ચૅરિટેબલ ટ્રસ્ટ’ના કર્તાહર્તા એવા રાજીવ મહેતાને કેવી રીતે આવ્યો અને ૬૦ પુસ્તકો સાથે ‘વિઝ્ડમ ટ્રી’નામની મિની લાઇબ્રેરી અનેક ક્લિનિક સુધી કેવી રીતે પહોંચી એ યાત્રા રોમાંચક અને પ્રેરણાદાયી છે
ડેન્ટલ ક્લિનિકમાં વિઝ્ડમ ટ્રી પરથી પુસ્તક વાંચી રહેલી પેશન્ટ
આ રિક્વેસ્ટને મળેલા બેમિસાલ રિસ્પૉન્સને પગલે મુંબઈના સાડાત્રણસો ડૉક્ટરોનાં ક્લિનિકમાં નાનકડી લાઇબ્રેરી બની ગઈ છે. ડૉક્ટરને ત્યાં વેઇટિંગ રૂમમાં રાહ જોતા હો ત્યારે એ સમયને રીડિંગ ટાઇમ બનાવી દેવાનું અદ્ભુત અભિયાન શરૂ કરવાનો વિચાર સમાજસેવાનાં કામ કરતી સંસ્થા ‘રત્નનિધિ ચૅરિટેબલ ટ્રસ્ટ’ના કર્તાહર્તા એવા રાજીવ મહેતાને કેવી રીતે આવ્યો અને ૬૦ પુસ્તકો સાથે ‘વિઝ્ડમ ટ્રી’નામની મિની લાઇબ્રેરી અનેક ક્લિનિક સુધી કેવી રીતે પહોંચી એ યાત્રા રોમાંચક અને પ્રેરણાદાયી છે
પ્રેરણા લેવા માટે તમારે ક્યાંય બહાર ભટકવાની જરૂર નથી, તમારા જીવનની રોજબરોજની ઘટનાઓ પણ તમને મોટિવેટ કરીને કોઈક અનોખા આઇડિયાની સ્ફુરણા કરાવી શકે છે. અલબત્ત, એ સ્ફુરણાને ઓળખવાની અને એને અનુરૂપ ચાલવાની ઇચ્છાશક્તિ, આવડત અને તૈયારીઓ વ્યક્તિ પર નિર્ભર કરે છે. સાઉથ મુંબઈમાં રહેતા વેપારી રાજીવ મહેતા આ બાબતમાં સમજણ પણ ધરાવે છે અને પોતાને રોજબરોજના અનુભવોમાંથી આવતા આઇડિયાઝને પાર પાડવાની આવડત પણ ધરાવે છે. છેલ્લા અઢી દાયકાથી હેલ્થ, એજ્યુકેશન અને અન્નદાનનાં વિવિધ કાર્યો થકી સમાજમાં પરિવર્તનનો શંખનાદ ફૂંકવા માટે સતત પ્રયત્નશીલ રત્નનિધિ ચૅરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી રાજીવ મહેતાએ અત્યારે એક અનોખી પહેલ શરૂ કરી છે. મુંબઈનાં દવાખાનાંઓને રીડિંગ-ફ્રેન્ડ્લી બનાવવાની દિશામાં તેમણે ઉઠાવેલું કદમ અનોખું અને કાબિલેદાદ લાગશે. એક સ્ક્વેર ફુટની જગ્યામાં નાનકડી મિનિએચર લાઇબ્રેરી ઊભી કરવાની તેમની પહેલ જેટલી મજેદાર છે એટલી જ ઇન્ટરેસ્ટિંગ છે એ શરૂ કરવા માટે આવેલા વિચારબીજ પાછળની ઘટના. ‘વિઝ્ડમ ટ્રી’ના નામે મુંબઈના સાડાત્રણસો ડૉક્ટરોને ત્યાં ૬૦ પુસ્તકો સાથે નાનકડા બુક-શેલ્ફ પહોંચાડનારા રાજીવભાઈ પાસેથી આ કન્સેપ્ટ અને કન્સેપ્ટ પાછળની ઘટના વિશે વિગતવાર જાણીએ.
ADVERTISEMENT
ક્લિક થયો આઇડિયા
દોઢ વર્ષ પહેલાંની વાત છે. રાજીવભાઈ કહે છે, ‘શનિવારનો દિવસ હતો અને ઑપેરા હાઉસમાં ક્લિનિક ધરાવતાં ડાયટિશ્યન મીતા મહેતાને ત્યાં બપોરે બાર વાગ્યાની મારી અપૉઇન્ટમેન્ટ હતી. પણ બન્યું એવું કે અચાનક કોઈ કામ આવી ગયું અને બાર વાગ્યે પહોંચી ન શક્યો. લગભગ પોણો કલાક મોડો પડ્યો એટલે હવે જ્યાં સુધી અપૉઇન્ટમેન્ટવાળા પેશન્ટનું કામ પતે નહીં ત્યાં સુધી મારે બેસી રહેવું પડ્યું. મારી સાથે બીજા પણ લોકો ડૉક્ટરના ક્લિનિકમાં વેઇટિંગ રૂમમાં હતા. જોકે બધેબધા લોકો પોતાના ફોનમાં હતા. એકબીજા સાથે વાત તો કરાય નહીં, કારણ કે ક્લિનિકમાં સાઇલન્સ રાખવાનું ડેકોરમ હોય. પણ ફોનને બદલે બીજું પણ કંઈ થઈ શકે. એમાં જ મને વિચાર આવ્યો અમારા ‘રીડ ઇન્ડિયા’ મિશન પરથી જો ક્લિનિકમાં આ વેઇટિંગ ટાઇમને રીડિંગ ટાઇમ બનાવી લઈએ તો લોકોની વાંચનની છૂટી ગયેલી આદતને ફરી જગાડી શકાય. જો બાળક, વડીલ, યંગસ્ટર, ગૃહિણી એમ દરેક માટે પોતપોતાના રસના વિષયનાં પુસ્તકો હોય તો સો ટકા તેઓ ચોપડી હાથમાં લઈને વાંચે અને જો તેઓ વાંચે તો પૂરી સંભાવના છે કે ધીમે-ધીમે ક્લિનિકમાં માત્ર ટાઇમપાસ માટે કરેલી ઍક્ટિવિટીને કારણે ફરી એક વાર વાંચવાની જૂની આદતને બહાર આવવાનો અવકાશ મળે. સાચું કહું તો મારા મનમાં માત્ર વિચાર આવેલો, જેને લોકો દ્વારા પ્રતિસાદ મળશે કે કેમ એની મને કોઈ કલ્પના નહોતી.’
રાજીવ મહેતા વિઝ્ડમ ટ્રી સાથે
કલ્પનાતીત રિસ્પૉન્સ
આઇડિયાઝ તો ચાલો લોકોને હાલતા ને ચાલતા આવતા હોય, પણ ખરી સફળતા ત્યારે મળે જ્યારે એ આઇડિયાઝ પર કામ થાય. રાજીવભાઈને એમાં ફાવટ હતી. આ આઇડિયાને અમલમાં મૂકવા માટે તેમણે શું-શું કર્યું એ વિશે તેઓ કહે છે, ‘સૌથી પહેલાં બુક-શેલ્ફની ફીઝિબિલિટી અને ક્લિનિકમાં એ ક્યાંય નડતર ન બને એ વિચારવાનું મહત્ત્વનું હતું.
કૉમ્પૅક્ટ સાઇઝ હોય અને ૫૦-૬૦ પુસ્તકો સહજ રીતે રહી જાય એ જરૂરી હતું. એક ફુટની જગ્યા જો દરેક ડૉક્ટરના ક્લિનિકમાં આ બુક-શેલ્ફ માટે મળે તો એ આપણા માટે પણ સરળ થાય અને ડૉક્ટર્સને પણ એ રાખવામાં વાંધો ન હોય. માર્કેટમાં એવાં કોઈ બુક-શેલ્ફ મળે છે જે ક્લિનિક માટે મિનિએચર લાઇબ્રેરીની ગરજ સારે એની તપાસ કરી. એક પ્રોડક્ટ એવી દેખાઈ અને ઑર્ડર કરી દીધી. ડિલિવરી મળ્યા પછી એની ક્વૉલિટી અને કૉસ્ટ બન્ને આપણા પૅરામીટરની બહારનાં લાગ્યાં એટલે એવી જ પ્રોડક્ટ પણ થોડાક સારા લાકડા સાથે અને હજી કૉમ્પૅક્ટ સાઇઝમાં બને કે નહીં એ માટે લોકલ કાર્પેન્ટરને કામે લગાવ્યો. બીજી બાજુ ડૉક્ટરોને એમાં રસ પડે છે કે નહીં એ જાણવા માટે અમે ફેસબુક પર ડૉક્ટરોને અપીલ કરતી એક ફેસબુક પોસ્ટ મૂકી, જેમાં ડૉક્ટરોને અપીલ કરી હતી કે તમારા ક્લિનિકમાં એક ફુટની જગ્યા અમને આપો; એ જગ્યા પર રાખવા માટે ૬૦ પુસ્તકો સાથે એક બુક-શેલ્ફ, જેનું નામ અમે વિઝ્ડમ ટ્રી રાખેલું એ અમે આપીશું. પ્રારંભિક જાણકારી માટે ડૉક્ટરનું નામ, નંબર, ઈ-મેઇલ ID અને લોકેશનની વિગતોવાળું એક નાનકડું ફૉર્મ રાખેલું જેથી બેઝિક ડેટા પછી અમે તેમનો સંપર્ક કરી શકીએ. તમે માનશો નહીં, પણ એક જ દિવસમાં અઢી હજાર ડૉક્ટરોએ રજિસ્ટર કર્યું. તેમની પાસે ઈ-મેઇલમાં અમે વધુ વિગતો મગાવી અને એમાં સાડાત્રણસો કરતાં વધુ ડૉક્ટરોએ રિસ્પૉન્સ આપ્યો.’
અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈના સાડાત્રણસો ડૉક્ટરના ક્લિનિકમાં રાજીવભાઈ દ્વારા પુસ્તકો સાથે વિઝ્ડમ ટ્રી મોકલી દેવામાં આવ્યાં છે. હજીયે આ પ્રોસેસ ચાલુ છે. રાજીવભાઈ કહે છે, ‘અમને આવેલા રિસ્પૉન્સમાં ૪૯ ટકા જેટલું પ્રમાણ ડેન્ટિસ્ટનું હતું. એ પછી આયુર્વેદિક ડૉક્ટર, હોમિયોપથી ડૉક્ટર, સ્કિનના ડૉક્ટર, આંખના ડૉક્ટર, જનરલ ફિઝિશ્યન, ચાઇલ્ડ સ્પેશ્યલિસ્ટ અને ગાયનેકોલૉજિસ્ટ તરફથી પણ ખૂબ સારો રિસ્પૉન્સ મળ્યો છે. ડેન્ટિસ્ટ હાઇએસ્ટ હતા એટલે ઇન્ડિયન ડેન્ટલ અસોસિએશનને જઈને મળ્યા અને તેમની સાથે MoU (મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટૅન્ડિંગ) સાઇન કર્યું. ઇન્ડિયન ડેન્ટલ અસોસિએશન દ્વારા યોજાયેલી કૉન્ફરન્સમાં તેમણે અમને ઇન્વાઇટ કર્યા અને વધુ ડેન્ટિસ્ટ અમારી સાથે જોડાય એ માટે અમને એક ટેબલ અલૉટ કરવામાં આવ્યું જેથી કૉન્ફરન્સમાં વિઝિટ કરનારા ડૉક્ટરોને એની માહિતી મળે અને તેઓ પણ જ્ઞાનયજ્ઞમાં જોડાઈને લોકોમાં વાંચનનો શોખ ફરી જીવંત બનાવવામાં નિમિત્ત બની શકે. બેશક, બીજો એમાં અમને એ લાભ થયો કે અમે મહારાષ્ટ્રની સોથી વધુ સ્કૂલો સાથે જોડાયેલા છીએ જેમાં અમે બુક-ડિસ્ટ્રિબ્યુશનથી લઈને મેડિકલ કૅમ્પ યોજતા હોઈએ છીએ. જોકે વિઝ્ડમ ટ્રીને કારણે અમારી સાથે જોડાયેલા ઇન્ડિયન ડેન્ટલ અસોસિએશને હવે અમારી સાથે જોડાઈને સ્કૂલોમાં નિઃશુલ્ક ડેન્ટલ કૅમ્પ કરવાનું નક્કી કર્યું છે.’
રાજીવભાઈ દ્વારા આપવામાં આવતાં પુસ્તકોમાં રેસિપી બુકથી લઈને સેલ્ફહેલ્પ બુક, કિડ્સ સ્ટોરી બુક, સ્પિરિચ્યુઆલિટી, સાયન્સ, બાયોગ્રાફી જેવા વિવિધ પ્રકારનાં પુસ્તકો હોય છે જેથી દરેક પ્રકારનો રસ ધરાવતા લોકોને પોતાને ગમતું કંઈક એમાંથી મળી રહે. આ વિઝ્ડમ ટ્રી ડૉક્ટરો રાજીવભાઈના સેન્ટર પરથી કલેક્ટ કરી શકે અથવા તો કુરિયર દ્વારા મગાવી શકે જેમાં કુરિયરના ચાર્જ ડૉક્ટરે આપવાના હોય છે. અત્યાર સુધીમાં સેંકડો પેશન્ટો અને ડૉક્ટરો તેમના આ કાર્યનાં પેટ ભરીને વખાણ કરી રહ્યા છે.

