કહેવાય છે કે કોઈને અન્યાય ન થઈ જાય એટલે કાનૂનની દેવીને આંખે પાટા બાંધેલા હતા. આ વાતની પ્રતીતિ આપણી સર્વોચ્ચ અદાલતે અવારનવાર કરાવી છે
સોશ્યોલૉજી
પ્રતીકાત્મક તસવીર
કહેવાય છે કે કોઈને અન્યાય ન થઈ જાય એટલે કાનૂનની દેવીને આંખે પાટા બાંધેલા હતા. આ વાતની પ્રતીતિ આપણી સર્વોચ્ચ અદાલતે અવારનવાર કરાવી છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના નાનકડા ગામના એક દલિત વિદ્યાર્થીને મળેલી ઉચ્ચ કારકિર્દીની તકને સર્વોચ્ચ અદાલતે રોળાઈ જતી બચાવી છે.
ગરીબ પરિવારના ૧૮ વર્ષના અતુલકુમારે આ વર્ષે ઝારખંડ સેન્ટરથી IITની પ્રવેશપરીક્ષા બીજા પ્રયાસે પાસ કરી. ઝૂંપડા જેવા ઘરમાં દીકરાની આ સફળતા ઉજ્જ્વળ ભાવિનાં સપનાં લઈને આવી. દૈનિક રોજિયું રળતા પિતા દીકરાના ઍડ્મિશન માટે ફીની રકમની જોગવાઈની વેતરણમાં પડી ગયા. શાહુકારે ઉધાર રકમ આપવાની ધરપત આપેલી પરંતુ જૂન મહિનામાં ફી ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે જ તેણે હાથ ઊંચા કરી દીધા. એમ છતાં અતુલના પિતાએ સગાંસંબંધી પાસેથી લઈને બે કલાકમાં સાડાસત્તર હજાર રૂપિયા ભેગા કરી લીધા. ચોવીસ જૂને સાંજે પાંચ વાગ્યા પહેલાં ફી ઑનલાઇન જમા કરાવી દેવાની હતી. અતુલે પોણાપાંચ વાગ્યે સંસ્થાની સાઇટ પર લૉગ ઇન કરીને ફૉર્મ સાથે ડૉક્યુમેન્ટ્સ અપલોડ કરી દીધા પણ ફી જમા કરાવતાં પહેલાં જ કનેક્શન તૂટી ગયું. ફરી વાર લૉગ ઇન કર્યું અને રકમ ટ્રાન્સફર કરવાને ટાંકણે જ સમય પૂરો થઈ ગયો. ધનબાદ IITમાં મળેલી સીટ અતુલના હાથમાંથી સરકી ગઈ. ઊજળા ભાવિને પંથે ચડેલી એની ટ્રેન માનો પાટા પરથી ઊતરી ગઈ. શિક્ષણભૂખ્યા અતુલ અને તેના પરિવારે પ્રવેશ માટે નૅશનલ કમિશન ફૉર શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ, ઝારખંડ લીગલ સર્વિસ ઑથોરિટી, પ્રવેશની બધી વ્યવસ્થા સંભાળનાર મદ્રાસ IIT તેમ જ મદ્રાસ હાઈ કોર્ટનાં પણ દ્વાર ખટખટાવ્યાં, પરંતુ બધે જ કાયદા ને નિયમના નામે લાચારી! અંતે અતુલે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી. મુખ્ય ન્યાયમૂર્તિ ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ પારડીવાલા તથા મનોજ મિશ્રાએ તેજસ્વી દલિત યુવાનની શિક્ષણ માટેની લગની અને નિષ્ઠા પારખી. તેની આર્થિક પરિસ્થિતિના પરિણામે ફીઝ ભરવામાં થયેલા વિલંબને માત્ર કાયદાના નહીં, ન્યાયના ત્રાજવે તોળ્યો. અને પાંચ જ દિવસમાં બંધારણની કલમ ૧૪૨ અંતર્ગત સંપૂર્ણ ન્યાય કરતો ચુકાદો આપ્યો. ધનબાદ IITને અતુલકુમારને માટે ખાસ વધારાની બેઠક ઊભી કરી તેને પ્રવેશ આપવાનો આદેશ આપ્યો. છેને સર્વોચ્ચ અદાલતની નિષ્પક્ષ ન્યાયપ્રણાલીનું ઉત્તમ ઉદાહરણ અને કાનૂનની દેવીની બંધ આંખો પાછળની દૃષ્ટિનું દર્શન?
ADVERTISEMENT
અદાલતમાં હાજર અતુલને ન્યાયમૂર્તિએ શુભેચ્છાઓ આપીને કહ્યું, ‘અચ્છા કરીએ.’ - તરુ મેઘાણી કજારિયા