જી હા, એકથી એક ચડિયાતા સિંગર્સ આ વર્ષે મુંબઈમાં નવરાત્રિ માટે આવી રહ્યા છે. ગુજરાત મોટી માર્કેટ છે, ગુજરાતીઓની સંખ્યા અને ખેલૈયાઓનો ઉમળકો કદાચ ગુજરાતમાં રેકૉર્ડબ્રેક લેવલે હશે. છતાં એવું તે શું છે જે નવરાત્રિના ટૉપના સ્ટાર્સને મુંબઈ તરફ ખેંચી લાવે છે
ગીતા રબારી, ઐશ્વર્યા મજમુદાર, ભુમિ ત્રિવેદી, ઈસ્માઈલ દરબાર અને કિંજલ દવે
માયાનગરી મુંબઈ પર પાર્થિવ ગોહિલે રીક્રીએટ કરેલું ‘હેલો મારો સાંભળો...’ ગીતના લિરિક્સથી જ વાતની શરૂઆત કરીએ.
એ... હેલો મારો સાંભળોને ભોળા શંભુ રાય,
કડકો છું હું મુંબઈમાં, મારું કેમ પૂરું થાય? મારો હેલો સાંભળો જી... હો જી રે મારો...
છોકરો મારો સાજો થાય ત્યાં બૈરી માંદી થાય... હે છોકરો મારો સાજો થાય ત્યાં બૈરી માંદી થાય.
ડૉક્ટર કેરાં બિલ ભરીને કમર તૂટી જાય... મારો... હેલો... સાંભળો જી... હો જી રે... મારો...
મુંબઈની હાડમારીને રમૂજ સાથે વાચા આપતા આ શબ્દો પછીયે એ વાત ભૂલી ન શકાય કે આજે પણ મુંબઈ સપનાનું શહેર તો છે જ. જોકે નવરાત્રિની વાત આવે ત્યારે મુંબઈ ચડિયાતું કે ગુજરાત? અફકોર્સ, ગુજરાતમાં ગુજરાતીઓની સંખ્યા વધારે, ગરબે ઘૂમવા જતા ખેલૈયાઓ વધારે... ગરબાના સમય માટે કોઈ સમયમર્યાદાની કડાકૂટ નહીં.... બધી રીતે ગુજરાતને વધુ માર્ક મળે એ પછીયે એવું શું કામ બને કે ગરબાના સુપરસ્ટાર્સ ગણાતા આર્ટિસ્ટ્સની સવારી ગુજરાત છોડીને મુંબઈ પહોંચે? અત્યાર સુધી નવરાત્રિના નવેનવ દિવસ ગુજરાતના ગુજરાતીઓને સૂર અને તાલના નાદે થીરકાવનારા નવરાત્રિના કેટલાક સ્ટાર આ વર્ષે પહેલી વાર મુંબઈમાં પધરામણી કરી રહ્યા છે. મુંબઈની માયા તેમનેય લાગી છે એની પાછળનું કારણ શું અને કેવી રીતે તૈયારીઓ સાથે તેઓ સજ્જ થઈ રહ્યા છે એ વિશે નવરાત્રિના ટૉપના સિંગર્સ સાથે થયેલી રસપ્રદ વાતોનો રસથાળ પ્રસ્તુત છે....
મુંબઈની વાત જ ન્યારી
સૌથી પહેલાં અમે વાત કરી થાણેની નંબર-વન નવરાત્રિ ગણાતી થાણેની રાસ રંગ નવરાત્રિ સાથે પહેલી વાર જોડાઈને મુંબઈગરાને ઝુમાવવા સજ્જ એવા ઇસ્માઇલ દરબાર સાથે. આ મ્યુઝિક કમ્પોઝરે બે વર્ષ સુરતમાં નવરાત્રિ કરીને હાઇએસ્ટ લોકોને ગરબે ઝુમાવવાનો રેકૉર્ડ બનાવ્યો હતો. જોકે આ વખતે સુરત નહીં અને મુંબઈ કેમ? એના જવાબમાં ઇસ્માઇલ દરબાર પોતાના અનુઠા અંદાજમાં કહે છે, ‘જિતુભાઈને કારણે.’ પછી ખડખડાટ હસીને સ્પષ્ટતા કરતાં વાતને આગળ વધારતાં તેઓ ઉમેરે છે, ‘ખરેખર, તો હું કોઈ પણ કામ માણસ સાથે મારા વાઇબ્સ મૅચ થાય છે કે નહીં એ ચેક કરીને કરતો હોઉં છું. સુરત મારી જન્મભૂમિ છે. ત્યાં જ મોટો થયો છું એટલે ગુજરાતમાં તો મારા પ્રાણ વસે જ છે અને એટલે જ ગુજરાતમાં આટલા મોટા સ્કેલ પર ભૂતકાળમાં નવરાત્રિ કરી શક્યો. જોકે મુંબઈ મારી કર્મભૂમિ છે, મુંબઈ મારું માન છે એટલે મુંબઈમાં પણ તક મળે તો કંઈક કરવું છે એવું વિચારેલું. એમાં રાસ રંગના જિતેન્દ્રભાઈનો ફોન આવ્યો અને મારી સાથે હનીફ-અસલમ હોય તો મને મુંબઈના ક્રાઉડ સાથે પર્ફોર્મ કરવાનું ગમશે એટલી વાત કરી. તેમણે એ સ્વીકારી લીધું અને બધું નક્કી થઈ ગયું. જે સ્થાને તમારી ઓળખ આપી હોય અને જે સ્થાને સંઘર્ષ કરીને જીવનને આગળ વધાર્યું હોય એ સ્થાન માટે એક જુદો જ લગાવ હોય છે. હું એમ કહીશ કે સુરત મારો જાન છે, તો મુંબઈ મારી આન, બાન અને શાન છે.’
ADVERTISEMENT
સંગીતના સથવારે
ગરબાની વાત આવે ત્યારે આજના યુવા ખેલૈયાઓનાં દિલની ધડકન બની રહેલી અને પોતાના મીઠડા અવાજથી ભલભલાને ભક્તિરસમાં તરબોળ કરવાની ક્ષમતા ધરાવતી ઐશ્વર્યા મજમુદાર પણ આ વખતે પહેલવહેલી વાર ગરબા માટે મુંબઈ આવી રહી છે. બોરીવલીમાં લિન્ક રોડ પાસે આવેલા અરુણકુમાર વૈદ્ય ગ્રાઉન્ડમાં નવરાત્રિમાં માટે સજ્જ થઈ ચૂકેલી ઐશ્વર્યા મુંબઈ અને નવરાત્રિ વિશે પૂછતાં જ હર્ષવિભોર બની જાય છે, ‘અલબત્ત, મુંબઈમાં પહેલી વાર નવરાત્રિ કરવાનો અનોખો ઉત્સાહ છે અને આ નવરાત્રિ મારા માટે ખૂબ યાદગાર નીવડવાની છે એમાં શંકાને સ્થાન નથી...’ એમ જણાવીને તે ઉમેરે છે, ‘નવરાત્રિ શબ્દ સાંભળું અને એક ભીની હૂંફનો અનુભવ મને થાય છે. મારે માટે આ દિવ્ય શક્તિમાં તરબોળ થવાનો અવસર છે, કારણ કે નવરાત્રિમાં આપણે શક્તિના એ સ્વરૂપને ગરબારૂપે આપણી સાથે જોડાવાનું સુરીલું આહ્વાન કરતા હોઈએ છીએ. મુંબઈમાં આ વખતે જાણીજોઈને આવી એવું નથી. આજ સુધી સંગીતની આંગળી પકડીને જ આગળ વધી છું. સંગીત મને જ્યાં દોરી જાય, જ્યાં ખેંચી જાય ત્યાં હું પહોંચી જાઉં છું. મારા જીવનની તમામ પ્રકારની સમૃદ્ધિ સંગીતની દેન છે. મુંબઈમાં માતાજીના ગરબા માટે પહેલી વાર આવવાનું બન્યું છે એમાં પણ એ સંગીતની દોરવણી અને માતાજીની કૃપા જ છે.’
બેશક ગુજરાતમાં ખેલૈયાઓએ આ વખતે ઐશ્વર્યાના સૂરોથી વંચિત રહેવું પડશે એ વિશે ઐશ્વર્યા કહે છે, ‘એ વિશે હું બહુ વિચારતી નથી. એમાં તો બનવાકાળ જે થવાનું હોય એ થાય. જીવન જ્યાં લઈ જાય ત્યાં તમે ચાલી જાઓ છો. આ વર્ષે મારી નવરાત્રિ મુંબઈમાં લખાયેલી હશે એટલે હું મુંબઈમાં છું.’
ફર્સ્ટ કમ ફર્સ્ટ
લોકગીતો થકી દુનિયાભરમાં ડંકો વગાડનાર અને ૨૦૧૯માં પણ મુંબઈને ગજાવનાર ગીતા રબારી અંધેરી-ઈસ્ટમાં મહાકાલી ગુફા માર્ગ પર આવેલી હૉલી ફૅમિલી હાઈ સ્કૂલના ગ્રાઉન્ડમાં નવરાત્રિ કરાવશે. આ વખતની નવરાત્રિ વધુ ખાસ છે એનું કારણ આપતાં તે કહે છે, ‘મુંબઈના લોકોનો ઉત્સાહ અને ઊર્જા ગજબનાક છે અને ૨૦૧૯ની નવરાત્રિ અને એ પછી ચાલેલા ત્રણ વર્ષના લૉકડાઉનને કારણે પણ મારે માટે ખૂબ યાદગાર રહી છે. આ વર્ષે સૌથી પહેલી ઑફર મને મુંબઈથી આવી અને મેં એ સ્વીકારી લીધી. આમ તો આર્ટિસ્ટ માટે દર વખતે નવા ક્રાઉડ સામે પર્ફોર્મ કરવાનો કોઈ જુદો જ ચસકો હોય છે અને એમાંય માયાનગરી મુંબઈમાં પોતાની કલાને લોકો સમક્ષ પ્રસ્તુત કરવાની તક મળે તો એ દરેક આર્ટિસ્ટ માટે ખૂબ મહત્ત્વની હોય છે. આમ તો હું દર વખતે જુદી-જુદી જગ્યાએ નવરાત્રિ કરું છું. રાજકોટ, જામનગરમાં પણ મેં નવરાત્રિ કરી છે. ગુજરાતમાં તો નવરાત્રિની મજા છે જ, પણ મુંબઈમાં એનો અનુભવ જુદો જ થાય છે એ મેં અનુભવી લીધું છે.’
અહીં ઉલ્લેખનીય છે કે ૨૦૧૯માં ડોમ્બિવલીમાં ગીતા રબારીની નવરાત્રિ ખાસ્સી હિટ રહી હતી. પોતે પણ સ્ટેજ પર ટ્રેડિશનલ આઉટફિટમાં પર્ફોર્મ કરતાં અને ખેલૈયાઓ પાસે પણ એવા જ અવતારવામાં આવવાની અપેક્ષા રાખતાં ગીતાબહેન મુંબઈગરાઓને સંબોધીને કહે છે, ‘બહુ બધી વ્યસ્તતા વચ્ચે થોડો સમય મળતો હોવા છતાં મુંબઈગરાઓ માતાજીના રાસગરબામાં તરબોળ થવાની તક ચૂકતા નથી. દુનિયા ભલે નવરાત્રિને લૉન્ગેસ્ટ ડાન્સ ફેસ્ટિવલ તરીકે જોતી હોય, પરંતુ મારા માટે નવરાત્રિ એક આધ્યાત્મિક જલસો હોય છે, જેમાં નાચ-કૂદ અને સંગીત સાથે માતાજીની ભક્તિ જોડાયેલી હોય છે. હું જાણું છું કે મુંબઈમાં ગરબા માત્ર નવરાત્રિ દરમ્યાન જ રમાતા હોય છે, જેને કારણે અહીં નવરાત્રિનો ઇન્તેજાર જુદા જ સ્તરનો હોય છે. એટલે ખાસ કહીશ કે ગરબા રમતી વખતે ખેલૈયાઓ
પોતાની હેલ્થનું પણ ધ્યાન રાખે અને સેફ્ટી સાથે ગરબા રમે. માતાજી બધાનું ધ્યાન રાખશે જ, પરંતુ થોડી જવાબદારી આપણે પોતે પણ પોતાના શિરે લેવી જોઈએ.’
સપનાનું શહેર
સતત બીજા વર્ષે કિંજલ દવે મુંબઈમાં નવરાત્રિ કરી રહી છે. એ પહેલાં તેણે બધાં વર્ષ અમદાવાદમાં નવરાત્રિ કરી છે. આ વર્ષે બોરીવલીના લિન્ક રોડ પર આવેલા કચ્છી ગ્રાઉન્ડમાં નવરાત્રિ માટે સજ્જ કિંજલ મુંબઈ સાથેના પોતાના અનુભવો શૅર કરતાં કહે છે, ‘દસ વર્ષની ઉંમરે હું મારા પપ્પા સાથે નવરાત્રિ માટે જતી ત્યારથી જ મારે માટે જીવનની દરેક નવરાત્રિ કંઈક ખાસ રહી છે. એ સમયે અમે બધાં જ વાજિંત્રો રિક્ષામાં ભરીને મ્યુઝિશ્યન જતા એનો પણ જુદો ચાર્મ હતો. બેશક, સમય બદલાયો અને પદ્ધતિઓ પણ બદલાઈ, પરંતુ એની વચ્ચે પણ રાસગરબામાં ખેલૈયાઓનો ભાવ અને ઉત્સાહ સતત વધતા રહ્યા હોય એવું મેં જોયું છે. મુંબઈની ઑડિયન્સ સામે પર્ફોર્મ કરવાની મને વધારે મજા એટલે આવે છે કે ગુજરાતની બહાર રહીને પણ તેમણે ગુજરાતીપણાને જબરું જાળવ્યું છે. ગુજરાતી સંસ્કૃતિનો ધબકાર સતત ભાગતા મુંબઈના ગુજરાતીઓમાં આપણે અનુભવી શકીએ છીએ.’
ગુજરાતથી મુંબઈ આવતા આર્ટિસ્ટ અહીંના ટાઇમ-ટેલબને લઈને સહેજ ખેલૈયાના પક્ષમાં હોય છે એવું પણ તેમની વાતચીતમાં રિફ્લેક્ટ થતું હતું. જેમ કે ગીતા રબારી અને કિંજલ દવે બન્ને એક વાતમાં સહમત થયાં કે જેટલો ઉત્સાહ મુંબઈના ખેલૈયાઓમાં તેમણે જોયો છે એ બેવડાઈ જાય જો તેમને ગરબા રમવાનો સમય થોડો વધારે મળે. અત્યારે ૭થી ૧૦ ગરબા ચાલતા હોય છે એને બદલે જો ૧૨ વાગ્યા સુધીની છૂટ મળે તો મુંબઈના ગરબાપ્રેમીઓ ખુશખુશાલ થઈ જશે.
સદાબહાર મુંબઈ
૨૦૧૦થી લઈને આજ સુધી માત્ર બે વર્ષને બાદ કરતાં સતત-એકધારી મુંબઈમાં જ નવરાત્રિ કરનાર પ્લેબૅક સિંગર ભૂમિ ત્રિવેદી આ વખતે પણ બોરીવલીની ચીકુવાડીમાં આવેલા બાળાસાહેબ ઠાકરે મનોરંજન ઉદ્યાન ગ્રાઉન્ડમાં પોતાની યુનિક સ્ટાઇલમાં ખેલૈયાઓનું મનોરંજન કરશે. ભૂમિ કહે છે, ‘મુંબઈનું ક્રાઉડ અમૅઝિંગ છે એમાં કોઈ ડાઉટ નથી. આર્ટિસ્ટ માટે તો એવું હોય છે કે જ્યાં માતાજી લઈ જાય ત્યાં તે ગીતો, ભજનો અને ગરબા ગાઈને માતાજીની ભક્તિ કરે. મને યાદ છે કે ૨૦૦૦ની સાલ અથવા એના પણ પહેલાંથી હું માતાજીના ગરબા ગાતી મારી મમ્મી સાથે. એ નવરાત્રિથી લઈને આજ સુધી સતત કંઈક નવું શીખતી રહી છું અને મુંબઈમાં રહીને દર વર્ષે લોકો સમક્ષ મારું નવું વર્ઝન આવતું રહ્યું છે. દુનિયાભરમાં ગરબાપ્રેમીઓ આમ તો એક જેવા જ હોય છે, પણ મુંબઈગરાઓનો પ્રેમ અનોખો છે એ આટલાં વર્ષોના અનુભવ પરથી કહું છું. અહીંના ક્રાઉડનો ઉત્સાહ એવો હોય છે કે ઘણી વાર તો મને એમ લાગે કે મારા તરફથી જ બધા રમી રહ્યા છે. મારા સ્વર અને મ્યુઝિશ્યન્સના તાલને એક જુદા જ અંદાજમાં તેઓ ઝીલતા હોય છે.’
જોરદાર તૈયારીઓ
મુંબઈના લોકોને ગરબાના તાલે થનગાટ કરાવવાની જોરદાર તૈયારી કરી રહેલાં દરેક સિંગર્સે કંઈક નવું આપવાનો પ્રયાસ આ વર્ષે કર્યો છે જેનો અનુભવ તમને ગ્રાઉન્ડ પર જોવા મળશે, જેમ કે ઐશ્વર્યા પોતાની યુનિક મીઠાશને ગરબા સાથે મિલાવશે તો ગીતા રબારીએ ઘણાં બધાં ટ્રેડિશનલ ગીતોને નવા અંદાજમાં પ્રસ્તુત કરવાની તૈયારી કરી છે. થાણેમાં ઇસ્માઇલ દરબાર હનીફ-અસલમ સાથે બીટ્સ મૅચ કરીને ખેલૈયાના થનગાટને નવા આયામ પર લઈ જશે, તો કિંજલ દવે પોતાના સંગીતમાં ગુજરાતનો ધબકાર જાળવી રાખશે. જૂનાં ગીતોને નવી રીતે પ્રેઝન્ટ કરવાની પૂરી તૈયારી કિંજલે કરી છે, તો ભૂમિ ત્રિવેદીએ આખા ગુજરાતના જુદા-જુદા શહેરનાં પરંપરાગત ગીતોને આ વખતે પોતાના સંગીતમાં વણીને એને નવીનીકરણ સાથે ઑડિયન્સ સામે પ્રસ્તુત કરવાનું નક્કી કર્યું છે. ઓવરઑલ આ સિંગર્સ સાથે વાત કરતાં આવી રહેલી નવરાત્રિ મુંબઈગરાઓને ટફ કૉમ્પિટિશનને કારણે જોરદાર જલસો કરાવનારી સાબિત થાય એમાં શંકાને સ્થાન નથી.


