જેમના નૉર્મલને એ સમયે આપણે સ્વીકારી શક્યા નહોતા. આજે પણ આવા અનેક ઍબ્નૉર્મલ લોકો આપણી આસપાસ હશે, આપણે તેમને ઓળખવા, જાણવા અને સ્વીકારવા તૈયાર થવું પડે.
‘સિતારે ઝમીં પર’
તાજેતરમાં લોકોનાં દિલોદિમાગ પર છવાઈ ગયેલી ફિલ્મ ‘સિતારે ઝમીં પર’ બહુ બધાએ જોઈ હશે. આ ફિલ્મમાં એક સંવાદ લાઇફટાઇમ મેમરીમાં રાખી શકાય એવો છે, સબ કા અપના નૉર્મલ હોતા હૈ... આ સંવાદમાં સમાજને, ચોક્કસ વર્ગને તેમ જ ખુદ સહિત દરેકને સમજવાનો ગહન સંદેશ આવી જાય છે.
આમ તો ફિલ્મનાં દૃશ્યો-સંવાદોમાં બીજા ઘણા સંદેશ સહજપણે આવી જાય છે, કોણ એમાંથી શું સમજી શકે છે એ દરેકની દૃષ્ટિ પર આધાર રાખે છે. ખેર, અહીં ફિલ્મનો રિવ્યુ લખવાનો વિચાર નથી પણ ચોક્કસ સંવેદના-સવાલ વ્યક્ત કરવાં છે. જેમ સબ કા અપના નૉર્મલ હોતા હૈ એમ કહીને આપણે દરેકના જુદાપણાને સ્વીકારવાની વાત સમજવાની છે, પરંતુ સબ કા અપના નૉર્મલ હોતા હૈ એ સત્યને આપણે સ્વીકારી શકીએ છીએ ખરા? આપણા પરિવારના સ્વજનોથી શરૂ કરીએ તો માતા-પિતાના નૉર્મલને આપણે રોજ જોઈએ છીએ, તેઓ કોઈ સ્પેશ્યલ સિન્ડ્રૉમથી ગ્રસ્ત નથી, તેમ છતાં આપણે એ માતા-પિતાના નૉર્મલને પૂર્ણપણે સ્વીકારી શકતા નથી. આપણે એમાં ખામીઓ કાઢતા રહીએ છીએ. એક વય બાદ આપણે માતા-પિતાને કે પરિવારના વડીલોના વિચારોને સ્વીકારતા બંધ થઈ જઈએ છીએ. ઉપરથી તેમને સલાહ આપવા માંડીએ છીએ.
ADVERTISEMENT
આ જ બાબત મિત્રો, સગાંસંબંધીઓ સાથે પણ બને છે. આપણી આસપાસ જે-જે લોકો છે એ બધાના નૉર્મલ જુદા-જુદા રહે છે. શું ખરેખર એ તમામના નૉર્મલને સ્વીકારવાનું સંભવ છે? પતિ તેની પત્નીના અને પત્ની તેના પતિના નૉર્મલને કેટલું સ્વીકારે છે? સ્વીકારે તો પણ આ સ્વીકારમાં ક્રોધ, અકળામણ અને જોર-જબરદસ્તી ભળેલાં હોઈ શકે. વાસ્તવમાં માણસ તરીકે આપણા દરેકમાં કંઈક ને કંઈક ત્રુટિ હોય છે. ઉંમર સાથે એમાં ફેરફાર અને સમય સાથે મતભેદો અને પછી વિવાદ પણ જોડાયા કરે છે. આમ જોઈએ તો કોઈ માણસ નૉર્મલ મળી શકે નહીં. મેડિકલ દૃષ્ટિએ સ્પેશ્યલ-ડિસએબલ્ડની વ્યાખ્યામાં આવતી વ્યક્તિની જેમ અન્ય દરેક માણસ નૉન-મેડિકલ અથવા સોશ્યલ, ઇમોશનલ વગેરે દૃષ્ટિએ ‘સ્પેશ્યલ’ હોઈ શકે.
અરે, બીજાની નૉર્મલિટીની વાત તો બાજુએ રહી, આપણે ઘણી વાર ખુદના નૉર્મલને પણ સ્વીકારતા નથી. શું આપણે જેવા છીએ તેવા પોતાને સ્વીકારવા રાજી હોઈએ છીએ? નહીં, આપણને કંઈક જુદું થવું છે. આપણે આપણી ખામી-નિષ્ફળતા શોધ્યા કરી પોતાને દોષ આપતા રહીએ છીએ, બીજાઓની સાથે તુલના કરતા રહીએ છીએ. આપણે બીજાનાં ધર્મ, ભાષા, વિચારોને પણ સ્વીકારવા તૈયાર હોતા નથી. જો આપણે ખરેખર નૉર્મલ રહેવું હોય અને બીજા તમામના નૉર્મલને સ્વીકારવું હોય તો ઍબ્નૉર્મલ એટલે અસાધારણ બનવું પડે. આવા ઍબ્નૉર્મલ લોકોમાં બુદ્ધ, મહાવીર, કબીર, મીરાબાઈ, નરસિંહ મહેતા, સંત જ્ઞાનેશ્વર, સંત એકનાથ, જયોતિબા ફુલે સહિતના લોકોની યાદી બહુ લાંબી છે; જેમના નૉર્મલને એ સમયે આપણે સ્વીકારી શક્યા નહોતા. આજે પણ આવા અનેક ઍબ્નૉર્મલ લોકો આપણી આસપાસ હશે, આપણે તેમને ઓળખવા, જાણવા અને સ્વીકારવા તૈયાર થવું પડે.


